વાર્તાવિશેષ/૧૫. વેશ્યાજીવનની બે વાર્તાઓ

From Ekatra Wiki
Revision as of 15:41, 1 February 2024 by Meghdhanu (talk | contribs) (text replaced with proofed one)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫. વેશ્યાજીવનની બે વાર્તાઓ


૧. ‘ડેડ ઍન્ડ’, ‘માંસકા દરિયા’

સ્વ. જયંત ખત્રીએ ‘ડેડ એન્ડ’ ક્યારે લખેલી તે તો ખબર નથી, પણ ૧૯૬૭ના ડિસેમ્બરના ‘વિશ્વમાનવ’ના અંકમાં છાપવાની તક મળી ત્યારથી એના વિષયવસ્તુની માવજત મનમાંથી ખસતી નથી. પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી અને કદાચ તેથી જ વાર્તાકથક ‘હું’ની તટસ્થતાની સવિશેષ ખાતરી કરાવી શકેલી આ વાર્તા એના સંવિધાન અને ઇબારતની દૃષ્ટિએ પણ મૂલવવા પ્રેરે એવી છે. અહીં અંતે પ્રગટ થતા લેખકના માનવીય દૃષ્ટિકોણની પણ વાત કરવી છે. ફ્રેન્ચ ભાષાના વર્ગો ચાલતા હોવાની જાહેરાત વાંચીને ‘હું’ અને એનો મિત્ર બંને મેડમ નીલીને ત્યાં જઈ પહોંચ્યા હતા. બંને ભોંઠપ અનુભવી રહ્યા હતા. ‘અહીં જે હોવું જોઈએ તે નહોતું, ન હોવું જોઈએ એ હકીકત બની નજર સામે ઉપસ્થિત થતું હતું.’ મેડમ નીલી ડ્રૉઇંગરૂમમાં પ્રવેશ કરે છે ત્યારે લેખક ‘હું’ની નજરે નોંધે છે : ‘એના અંગો ભરાવદાર – સગોળ હતાં. અનેક તરકીબો નીચે એની આધેડ વય ક્યારેક છુપાતી, ક્યારેક ડોકિયું કરતી હતી, પારદર્શક સીક્ષોફેન જેકેટમાંથી કોઈ પુસ્તકનું સચિત્ર પૂંઠું દેખાય એમ એનાં પીળાં બ્લાઉઝ નીચે એનું જેવું હતું તેવું સૌન્દર્ય ડોકિયું કરતું હતું. ખેંચાયેલા હોઠના સ્મિતમાં અને મોટી આંખોની કીકીઓના નૃત્યમાં આકર્ષક દેખાવાની મથામણ હતી.’ નીલી પલંગ પર ફ્રેન્ચ શીખવે છે – એ વિધાન સુધી જતાં પહેલાં એનું ધંધાદારી વર્તન લેખકે ઝીણવટથી આલેખ્યું છે. નીલીની ઉત્સુકતા, મિત્રની પરવશતા અને ‘હું’ની તટસ્થતા સ્પષ્ટ થઈ ચૂકી છે. ખુલાસો સાંભળ્યા પછી – આ ઘરાક નથી એ જાણ્યાના રંજથી નીલીની મોહક દેખાવાની કૃત્રિમ અદા ખરી પડે છે. થોડીક ક્ષણો પછી સમયનો વ્યય કરવા બદલ અને એના મિજાજને આઘાત પહોંચાડવા બદલ દિલગીરી દર્શાવી બંને જવા જાય છે ત્યાં આ મુલાકાતને સુખદ અકસ્માતમાં ફેરવવાની ઇચ્છાથી નીલી ચા પીને જવા કહે છે. બંને બેસે છે. નીલી ચા લાવે છે. વાર્તાકથક એક બેહૂદો પ્રશ્ન પૂછવાની રજા માગે છે. નીલી ગંભીર થવાને બદલે અટ્ટહાસ્ય કરી એના સાથળ પર હાથ મૂકીને ત્યાં જ રહેવા દઈ કહે છે : ‘આ પ્રશ્ન મોટે ભાગે દર રાતે મને પૂછાતો રહે છે કે હું વેશ્યા કેમ બની અને હું મારા ગ્રાહકને મનગમતો ઉત્તર આપતી રહું છું. આવું રોજ બન્યા કરે છે અને રોજ જાતીય વૃત્તિને ઉશ્કેરે એવી એવી બનાવીને કહાણીઓ કહેતી રહું છું... શું કરું, ધંધો જ એવો છે! પણ તમે ઘરાક નથી, અકસ્માતે ઘડીભરનાં મિત્ર છો અને જાણવા ઇચ્છો છો તો સાચું કહીશ.’ નીલીની આ પ્રસ્તાવનામાં જયંત ખત્રી જે સમાજને ઓળખે છે એની નકલી સહાનુભૂતિ તરફ કટાક્ષ છે. તો વેશ્યાજીવનના આકર્ષક આવરણને ભેદીને એના મર્મ સુધી પહોંચવાની પૂર્વતૈયારી પણ છે. નીલી એનો ભૂતકાળ કહીને પછી ભવિષ્યનું સપનું પણ જણાવે છે. સાંભળનાર બંને પાત્રોના પ્રતિભાવ નિર્દેશવાનું પણ લેખક ચૂક્યા નથી. નીલી એક એવા પુરુષને પરણશે કે જે કામને અંતે પીઠામાં ન જાય અને એક સુંદર બાળકીનો જન્મ. શનિવારે થિયેટર, રવિવારે દેવળ. એ આગળ કહે છે : ‘આ બાલ સફેદ થાય – મોઢે કરચલીઓ પડે તેની પરવાહ નહીં કરું... ઓહ, મારો પતિ, મારી બાળકી, મારો સમાજ... ઓહ વૉટ એ ડ્રીમ!’ પોતે ભવિષ્યમાં ખોલવા ધારે છે એ રેસ્ટોરાંનું નામ પણ નીલીએ વિચારી રાખ્યું હતું. ‘ડેડ એન્ડ ઇન’. ડેડ એન્ડ શા માટે? નીલી પાસે ખુલાસો છે : ‘ડેડ એન્ડ સ્ત્રીના હૃદય જેવું છે. કાં તો ત્યાં વસવાટ કરવો પડે છે... અથવા નિરાશ થઈને પાછા ફરવું પડે છે.’ વાર્તા અહીં પૂરી થતી નથી. એનો ઉત્તરાર્ધ હવે શરૂ થાય છે. એક વેશ્યામાં સ્ત્રીનું હૃદય શોધીને કોઈક સાદા સીધા વિધાનથી લેખકને સંતોષ નથી. મિત્ર છૂટો પડતાં પહેલાં વેશ્યાના સપનાને બેહૂદગી કહે પણ છે. ‘હું’ ગંભીર છે. સમવયસ્ક હોત તો પોતે એને પરણી જાત એવું કહી પણ દે છે. પેલાને હસવાનું એક વધુ નિમિત્ત મળે છે. લેખક પસાર થતાં સમયની એક ક્ષણ પકડીને એ દરમિયાન જગતની સંભાવ્ય ઘટનાઓનો નિર્દેશ કરી રહે છે. મિત્ર ઑફિસનું કામ સમેટવા જાય છે. વાર્તાકથક એક રેસ્ટોરાંમાં બેસી નીલીની આ અને પછીની ક્ષણો વિશે દ્રશ્યાત્મક ભાષામાં વિચારે છે અને ત્યાં જ વરસાદ તૂટી પડે છે. મુંબઈના વરસાદની પણ લેખકને પૂરતી ઓળખ હોય એમ લાગે છે. રસ્તો ઓળંગી સામે પહોંચતા વાર્તાકથક નીલીના મકાન જેવા મકાન આગળ વાછંટથી બચવા ઊભો છે. રસ્તો, ગતિ અને બસનો અવાજ – બધું નોંધાતું જાય છે. ‘હું’ ઊભો છે, થાક, કંટાળો અને સંવેદનશૂન્યતાના પણ નિર્દેશો કર્યા છે. એ સ્થિતિમાંય પ્રકાશને બુંદ બુંદ બની વીખરાતો જોવાની એને મઝા આવે છે... ત્યાં નજીકના ફ્લેટનું બારણું ખૂલે છે. અડધા ખૂલેલા બારણાના એક ઝૂલતા કમાડની ધાર પર સ્વયં ઝૂલતી એક સ્ત્રી એની સામે ટીકી રહે છે. એ જુવાન અને ખરે જ સુંદર હતી. નીલી કરતાં આની છબી સાવ જુદી છે. ‘સુનેરી વાળોનું ગૂંચળું એની ડાબી આંખને ઢાંકી ગયું હતું. એના બહાર ખૂલતા બંને હોઠ વચ્ચે પડું પડું થતી એક સિગારેટ ટીંગાઈ રહી હતી. જાંઘની ખાલી લંબાઈ અને વક્ષ લગભગ ખુલ્લાં દેખાય એવું એણે સ્કર્ટ પહેર્યું હતું અને હવે અંગો ડોલાવતી એ મારી તરફ આવી લાગી’ એ પ્રશ્ન પૂછીને વાત શરૂ કરે છે. પછી એટલી જ સ્વાભાવિકતાથી પોતાના બેડરૂમમાં થોભી વરસાદ રોકાય એની રાહ જોવા કહે છે. ‘હું’ ના પાડે છે. એના પ્રત્યાઘાત રૂપે સ્ત્રીની ચેષ્ટાનું મોહક ચિત્રણ થાય છે. સ્ત્રી કન્સેશન આપવા કહે છે. પેલો ડ્રિંકના ચાજર્ના પંદર રૂપિયા આપશે પણ પીશે નહીં એમ કહી એની સાથે અંદર જાય છે. બેડરૂમનું ઝીણવટભર્યું વર્ણન થાય છે. એની સાથે પુરુષની દરકાર અને સ્ત્રીની બેદરકારી પણ નોંધાય છે. નામ પૂછાય છે. ફીફી ચપળ છે, ઔપચારિક નથી. ટ્રેમાં બધું લઈ આવીને જાતે ચા બનાવી લેવા કહે છે. ડ્રિંક લે છે, પછી ‘હું’ના કોટના ગજવામાંથી સિગારેટનું પાકીટ ખેંચી કાઢે છે, નથી સામે જોતી, નથી હસતી, નથી ક્ષમા માંગતી. વરસો જૂની મૈત્રી હોય એવું સહજ વર્તન થાય છે. પછી કોચ પર આડી પડી એ સિગારેટનો લાંબો કસ ખેંચે છે ત્યારે એના સ્તનની સ્થિતિ પુરુષ માટે બીજી વાર નોંધપાત્ર બની જાય છે. એની તીરછી નજર, હોઠને ખૂણેથી અદનું સ્મિત વગેરે પણ વર્ણવાય છે. ફીફી ગર્વભેર કેફિયત આપવા લાગે છે. ‘ધંધો મારી પાસે આવે છે.’ એમ કહ્યા પછી પાછી એ આ પુરુષ સાથેનું સામ્ય નિર્દેશવા એના ભાઈને યાદ કરે છે, જે ટ્રક એક્સિડેંટમાં માર્યો ગયેલો, અલ્જિરિયામાં. ફીફી નાની ઉંમરે આ ધંધામાં આવી પડેલી. ચા પીતાં પીતાં પુરુષ પ્રશ્ન કરે છે : તેં કોઈ પ્લાનિંગ કર્યું છે – સપનું સેવ્યું છે? એને નીલીનું સપનું યાદ હતું જ. તેથી પુરુષ એ જ શબ્દો બોલી જાય છે. ફીફી કહે છે : ‘લગ્ન એક ઠગાઈ છે અને હું પુરુષ જાતને ધિક્કારું છું. તમે પુરુષ છો એટલા પૂરતા તમને પણ!’ આ કડવાશ માટે એની પાસે કારણ પણ છે. ‘મારા જીવનમાં આળસ અને કંટાળા સિવાય કશું જ નથી. એ પોકળ છે. તમારું જીવન પણ એવું જ પોકળ હશે. જરા ઊંડી તપાસ કરી જોજો!’ પુરુષ ફીફીની વૃદ્ધાવસ્થાની વાત કરે છે. પણ એ તો સામેથી એટલું જ કહે છે – આ ચિત્ર કસમયે રજૂ કરવાની નિર્દયતા ન કરી હોત તો ન ચાલત? વાત આગળ ચાલે છે ને ફીફી એને બહાર ચાલ્યા જવા સુધ્ધાં કહી દે છે. પાછી રોકે છે. વાતમાં હળવાશ આવે છે. ‘ફીફી, તું ખરેખર મોહક છે!’ ‘આવું તો રોજ સાંભળવા મળે છે અમને.’ ‘તોય, હું ઘરાક નથી તારો.’ ‘કદાચ ઘરાક બનવાનાં બી પાંગરતાં હશે તમારામાં... આખર પુરુષ એ પુરુષ... પશુ જ.’ આ પણ ફીફીનું છેલ્લું વાક્ય નથી. એ એને બહાર મૂકવા આવે છે ત્યારે હાથ પકડી અડોઅડ ઊભી રહે છે : ‘જુઓ,’ એ દેખાતી નહોતી. એનો ધ્રૂજતો અવાજ ‘હું’ સાંભળી રહ્યો. ‘એક વાત મનમાં આવી તે મનમાં જ રહી ન જાય માટે કહું છું કે અગણિત વેશ્યાઓ વૃદ્ધાવસ્થા પામતી હોય છે અને જીવતી પણ હોય છે, એ વાતની ખબર નહીં હોય તમને – કે છે?’ હવે ચર્ચાને સ્થાન નથી. કશીક આત્મીયતા જાગી છે. ફીફીને પંદર રૂપિયા પાછા આપી દેવાનો વિચાર આવી ગયેલો. નથી આપતી, એને નહીં ગમે એ ખ્યાલથી. એક હૂંફાળી ભીંસ પછી એની ધ્રૂજતી સુંવાળી મુલાયમ આંગળીઓ પુરુષની હથેલી પરથી સરી જાય છે. વાર્તા આ શબ્દો સાથે પૂરી થાય છે : ‘ફરી એક સ્ત્રી હવાનું બાચકું બની ગઈ – એક વધારાની યાદ – એક વધારાનો બોજ! હું ફરી એક ડેડ એન્ડમાંથી પાછો ફર્યો.’ આ વાર્તા આમ તો ચોથા દાયકાના લેખકની છે. પણ વાસ્તવિકતાની નજીક જવાનું એનું સાહસ છઠ્ઠા-સાતમા દાયકાના લેખકોમાં જોવા મળે એવું છે. વાસ્તવની નજીક જવા એ ગેરસમજ, વરસાદ અને મનોવિજ્ઞાન – બધાની મદદ લે છે. વાર્તાકથક પુરુષને ભોક્તા બનાવવાને બદલે પ્રેક્ષક જ રાખ્યો છે એથી નીલી અને ફીફી સ્ત્રી તરીકે જ વધુ ઊપસે છે અને એમનો વેશ્યાનો ધંધો સહાનુભૂતિ જગવવા માટે ઉદ્દીપનનું કામ આપે છે. આ સહાનુભૂતિ કોઈ સુધારક કે સંતની નથી. એક એવા પુરુષની છે જે સ્ત્રીને નજીકથી જોઈ શકે છે, સમજી શકે છે. એ એને માણવા લલચાતો નથી કેમ કે એ એટલો સંવેદનશીલ છે. બંને તરફના એના વલણમાં તફાવત કરતાં સામ્ય વધુ છે. એના પ્રશ્નો ઔપચારિક નથી કે એની ચિંતા કૃતક નથી, છતાં ફીફી અણધાર્યો આઘાત આપી જાય છે. એના કંટાળા અને જીવનની પોકળતાની વાત કરીને વ્યક્તિત્વની વિલક્ષણતા પ્રગટ કરવા ઉપરાંત લેખકે દોરવા ધારેલા ચિત્રમાં વધુ બારીક રેખાઓ ઉમેરે છે. એથી વાર્તામાં ઊપસી રહેલી વાસ્તવિકતા પ્રતીતિજનક બને છે. વેશ્યા બનેલી સ્ત્રી સામેની સૂગ દૂર થાય છે, સહાનુભૂતિ જાગે છે અને અંતે અંગતપણું પણ આવી જાય છે. સંબંધની શક્યતાના નિર્દેશથી સહેજ પણ આગળ જવાને બદલે ‘એક વધારાની યાદ’ને ‘એક વધારાનો બોજ’ કહીને વિરમે છે.

૨.

કમલેશ્વરની વાર્તા ‘માંસકા દરિયા’ ‘ડેડ એન્ડ’ પહેલાં લખાઈ કે પછી એની ખબર નથી. બંનેને સમકાલીન માનીને ચાલીએ તોપણ એમાં પ્રગટ થયેલો અભિગમ તો અનુગામી લેખકનો છે. ‘ડેડ એન્ડ’ સ્ત્રીના હૃદયની શોધ સાથે અટકે છે. ત્યાં અટકીને જ એ માર્મિક રહી શકી છે. ‘માંસકા દરિયા’ માત્ર શરીરની વાત કરે છે પણ કલાકારનું તાટસ્થ્ય એવું છે કે અંતે વેદના જ ચીત્કાર કરી ઊઠે છે. જયંત ખત્રીએ અમુક અંશે ભાવુકતાને ખપમાં લીધી છે. કમલેશ્વર મોહભંગ પછીના લેખક છે. એમણે કોઈ સપનાની શક્યતા રહેવા ન દેતાં વાસ્તવિકતાને પૂરતી વિષમતા સાથે આલેખી છે. ‘સેક્સ એ સોય છે. એનાથી સીવી પણ શકાય અને ભોંકી પણ શકાય’ – પ્રેમચંદજીની આ ઉક્તિનો મર્મ ‘માંસકા દરિયા’માં સાચા સંદર્ભમાં પામી શકાય છે. વેશ્યા તરીકે જ જીવવાનું હોય, ત્યારે ગુજારો ચલાવવા માટે કેટકેટલું જીરવવું પડે એનો આ એક દાખલો છે. વાર્તા શરૂ થાય છે ત્યારે જુગનુને કોઈ ગુપ્ત રોગ તો નથી પણ ક્ષયનાં લક્ષણો નજરે પડે છે. ડૉક્ટરે સલાહસૂચનો પણ લખી આપેલાં. ઠેકેદાર ઇબ્રાહીમે જેમને પસંદ કરેલી એ બધી જ પાસ થઈ ગયેલી. શહેરના સારા સારા લત્તાઓમાં એ બધી પહોંચી ગઈ હતી. જુગનુએ ઇબ્રાહીમને આજીજી કરેલી પણ પેલાએ તો સીધું સંભળાવી જ દીધેલું : ‘લગન તો કરવાનું નથી કે કોઈને વળગાડી દઉં. આમાં તો જે આવશે એ અંગેઅંગને જોશે.’ બીજાઓ પાસેથી આનાથીય ખરાબ સાંભળવું પડેલું : ‘તારા પગથિયે કોઈપણ પગ નહીં મૂકે’ આનાથી મોટી ગાળ બીજી કોઈ હોઈ શકે? સૌના ઘરાક જીવતા જાગતા રહે. ખુદા મરદોને રોજી આપે... જાંઘમાં જોર આપે. પછી એક ઘરાકની વાતથી ધંધાની વિગતો અપાઈ છે. ઘણા પૂછતા હોય છે એવા જ સવાલ. પણ આ માણસ મજૂર છે. એ બીજી વાર આવે છે ત્યારે જુગનુને કેડમાં દુખતું હોય છે. પેલો બીજે જતો નથી, પાછો વળી જાય છે. જુગનુની લાગણીને એનો સ્પર્શ થઈ જાય છે. ઓરડાનું, પથારીનું અને બીજી જરૂરી વસ્તુઓનું વર્ણન કામવૃત્તિની ઉત્તેજનાને સ્થાને વિષાદનું વાતાવરણ સર્જે છે. ક્યારેક બજારમાં થઈને પસાર થવાનું થાય છે તો જુગનુ પોતાના ઘરાકોને ત્રાંસી નજરે જોઈ લે છે પણ એના વર્તનમાં કશી નાગાઈ નથી. ક્ષયની બીમારી વધ્યા પછી એણે દવાખાનામાં દાખલ થવું પડે છે. જૂના ઘરાકો પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે. પેલા મજૂર પાસેથી પણ લે છે. એ ફાળાની રકમ હોય છે. ફરી ધંધો શરૂ થતાં બધા પોતાની રકમ વસૂલ કરવા આવે છે. ઘરાકોનાં ચાર-પાંચ નામ પણ અપાયાં છે. એમની બધાની લાક્ષણિકતાઓ પણ વર્ણવાઈ છે. વચ્ચે પેલો મજૂર મદનલાલ નથી. જેલમાં ગયેલો. હડતાલ હતી. એ પહેલી વાર આવેલો ત્યારે એનાં જૂતાંમાંથી પગ નીકળતાં જ જે ગંધ અસહ્ય થઈ પડેલી એ હવે જુગનુને નડતી નથી. બલ્કે એના ગયા પછી એ ગંધ એની પાસે રહી જાય છે. જુગનુ સાજી થઈને આવે છે પછી એ પેલા પૈસાની ઉઘરાણી કરતો નથી. બીજાઓનું વર્તન એથી ઊલટું છે. જુગનુને જાંઘમાં એક ફોલ્લો નીકળે છે. ઘરાકને સંતોષતી વખતે દુઃખે છે પણ થાય શું? ઉછીના પૈસા આપનારાઓમાં કોઈક વ્યાજ વસૂલ કરવા પેટે પણ આવી જાય છે. પેલો મજૂર મદનલાલ આવે છે તે દિવસ એનો ફોલ્લો બહુ દુઃખે છે, પાકવા આવ્યો છે. ગૂમડું જ કહો ને! એની આ દશા જોઈને મદનલાલ વળી જાય છે. જુગનુ પેલા ઉછીના પૈસાનું પૂછે છે તો એ કહે છે : એ નહીં, તારા માટે આવ્યો હતો. તે દિવસે એ પાછો વળ્યા પછી અટકીને બીજી વેશ્યાને ત્યાં વળે છે એ જોઈને જુગનુને પણ રંજ થાય છે. વાસ્તવના બરછટ પટમાં લાગણીના તંતુ ઠીક ઊપસ્યા છે. એક બીજો ઘરાક છે. કંવરજી. એ આ દશામાં પણ જુગનુ પાસેથી જતો નથી : સહેજે તકલીફ થવા નહીં દઉં, કહીને અટકી રહે છે. પણ છેલ્લી ક્ષણે જુગનુ ચીસ પાડી ઊઠે છે. એનું ગૂમડું ફૂટી ગયું છે. આખી જાંઘ પરુથી ખરડાઈ ગઈ છે. આ દશામાં પણ કંવરજીત જતી વખતે એનો હિસાબ કરતો જાય છે. જુગનુને પડોશમાં ગયેલો મદનલાલ યાદ આવી જાય છે. એને બોલાવવાનું કરીને પછી માંડી વાળે છે ને પરુ લૂછતી રહે છે. દુઃખ સહન ન થવાનો પરસેવો છે એના ચહેરા પર. વાર્તામાં દેખરેખ રાખતી અમ્મા છે તો ઘરાક તરીકે આવતા પુરુષોના જોરની મશ્કરી કરતી બિલકીસ પણ છે. નપુંસક જેવા કે ભરી બંદૂકની જેમ આવતા પુરુષોના સંદર્ભો પણ છે, પણ વાર્તાના કેન્દ્રમાં કામની ઉશ્કેરણી કે એની તરફદારી જેવું કશું નથી. એક ધંધા તરીકે વેશ્યાજીવનની વિમાસણો આલેખાઈ છે. આમ કરવાની પાછળ ધાર્મિક કે નૈતિક દૃષ્ટિકોણ કામ કરી રહ્યો હોય એવું નથી. લેખકનો માનવતાવાદ ઊપસે છે એ પણ વાસ્તવલક્ષી આલેખનમાંથી સૂચવાઈને, ક્યાંય કશું બોધક નથી કે ક્યાંય કશું બહેલાવવામાં આવ્યું નથી. માંસમાં ઢંકાઈ ગયેલી વ્યથિત ચેતનાની આ વાત છે. લેખકની તટસ્થતા જ ક્યારેક તો આઘાતજનક લાગે. એણે જાણે આ બધું મીંઢી નજરે જોયું છે અને ઠંડે કલેજે લખ્યું છે. ભૂખ સંતોષવા આવતા પુરુષોની આગળ-પાછળની જુદી જુદી ટેવોની વાત હોય, બીજી વેશ્યાઓના સ્વભાવ અને વર્તનની વાત હોય, આ ધંધા માટે જરૂરી ચીજવસ્તુઓના ઉલ્લેખો હોય, આ કે તે રોગનું વર્ણન હોય, આ ધંધામાંય થતા શોષણનો નિર્દેશ હોય કે ક્ષયમાંથી બેઠી થવા મથતી જુગનુની મનોદશાનું આલેખન હોય – લેખક અનિવાર્યતા સિદ્ધ કરતાં કરતાં જ બધું લખતાં ગયા છે. વાર્તાને અંતે કશો ચમત્કાર નથી, અણધાર્યો વળાંક નથી. પણ બાહ્ય દુઃખ સાથે મનમાં ગોથું ખાઈ લેતી જુગનુની બેવડી વ્યથા છે. માનવ સંવેદનની વ્યાપકતાને સ્પર્શવા પરત્વે વાર્તા ક્યાંય ઊણી ઊતરતી નથી. વિચિત્ર કે દુષ્ટ જેવા લાગતા ઘરાકો વિશે પણ લેખકે તો કડવાશ દાખવી જ નથી. સરખામણી કરવાનું તો કદાચ વાચક પસંદ કરે. એ માટેય અંતે તો ખાસ તક રહેવા દીધી નથી. કિશોરલાલ મશરૂવાળાએ ‘ગાંધી વિચાર દોહન’માં લેખક માટે જે નિષિદ્ધ વિષયો ગણાવ્યા છે એમાંનો આ એક છે. પણ ‘માંસકા દરિયા’ વાંચ્યા પછી એમ જ લાગે છે કે આ વાર્તા ન વાંચીને તો કંઈક ચૂકી જવાયું હોત. વેશ્યાના જીવનમાં આવી પણ મજબૂરીઓ ને વ્યથાઓ હોય છે? એને ત્યાંથી ઉપાડીને કોઈક ગૃહસ્થના ઘરમાં મૂકવાની જૂના લેખકોએ શુભેચ્છાઓ દાખવી હતી. મનોવિજ્ઞાન પણ આ વિષયમાં ઊંડું ઊતરીને મદદરૂપ થવા લાગ્યું છે પણ માત્ર દયા કે ઉપકાર-વૃત્તિથી કશું વળ્યું નથી. તો બીજી બાજુ એની સામે માત્ર સૂગ રાખવાથી શુદ્ધિ જળવાય એવું પણ નથી. સેક્સના પ્રશ્નોમાં ભયજન્ય દમન કરતાં સમજપૂર્વકનો સંયમ જ છેવટે વધુ ઉપકારક નીવડે છે. સામાજિક સ્વાસ્થ્યની વાત કરતી વખતે તો એને જ બિરદાવી શકાય. કહે છે કે ચીનમાંથી વેશ્યાનો ધંધો નાબૂદ કરી શકાયો છે. એ કેવી રીતે શક્ય બન્યું એ સમજવું અઘરું છે પણ આ વાર્તાની ચર્ચામાં એવી કશી શક્યતાઓનું તારણ જરૂરી નથી. અહીં તો એટલું જ કહેવાનું છે કે જીવનનો કોઈપણ અંશ, જીવનનું કોઈપણ કર્મ, જીવનની કોઈપણ વેદના વ્યાપક સંદર્ભમાં અને કલાના સ્વરૂપે રજૂ થાય તો એ માનવીય સંવેદન અચૂક જગવે છે. શ્રી અજ્ઞેયજીએ સાચું જ કહ્યું છે : ‘દેખના બૂરા નહીં હૈ, અધૂરા દેખના બૂરા હૈ.’ બંને વાર્તાઓમાં લેખકોના અભિગમ જુદા જુદા હોવા છતાં એ અધૂરા દર્શનમાંથી બચી ગઈ છે એ નાનીસૂની વાત નથી.

૧૯૬૭