ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/શિયાળ અને દુન્દુભિ


શિયાળ અને દુન્દુભિ

ભૂખથી સુકાઈ ગયેલા કોઈ શિયાળે વનમાં આમતેમ ભમતાં બે સૈન્યોની સંગ્રામભૂમિ જોઈ, ત્યાં પડેલા દુન્દુભિ ઉપર વાયુને કારણે હાલતી વેલીઓની શાખાના અગ્રભાગ અથડાતાં ઉત્પન્ન થતો શબ્દ તેણે સાંભળ્યો. એટલે ક્ષોભ પામેલા હૃદયવાળો તે વિચાર કરવા લાગ્યો, ‘અહો! હું નાશ પામ્યો! આ મોટો શબ્દ કરનાર પ્રાણીની નજરે હું પડું ત્યાર પહેલાં અહીંથી ચાલ્યો જાઉં અથવા મારા પિતા અને પિતામહોનું વન આમ એકાએક છોડીને જવું એ યોગ્ય નથી. કહ્યું છે કે

‘ભય અથવા હર્ષનો પ્રસંગ આવી પડતાં જે વિચાર કરે છે અને ઉતાવળમાં કૃત્ય કરી નાખતો નથી તેને પસ્તાવાનો સમય આવતો નથી.

તો હવે હું તપાસ કરું કે આ શેનો શબ્દ છે.’ પછી ધૈર્ય ધારણ કરીને વિચાર કરતો તે જ્યાં મન્દ મન્દ આગળ ચાલતો હતો ત્યાં તેણે દુન્દુભિ જોયું. એમાંથી અવાજ આવે છે એ જાણીને, પાસે જઈને તેણે પોતે જ કૌતુકથી તે વગાડ્યું; અને ફરી વાર હર્ષથી વિચાર કરવા લાગ્યો, ‘મને આ મહદ્ ભોજન ઘણે દિવસે મળ્યું, નક્કી, આ પુષ્કળ માંસ, મેદ અને લોહીથી ભરેલું હશે.’ પછી કઠણ ચામડાથી મઢેલા તે દુન્દુભિને જેમતેમ કરી ચીરી, એક ભાગમાં છિદ્ર કરી હર્ષ પામેલા મનવાળો તે શિયાળ અંદર પ્રવેશ્યો (પણ અંદર લાકડા સિવાય બીજું કંઈ ન જોયું). વળી ચામડું ચીરતાં તેની દાઢ પણ ભાંગી ગઈ. નિરાશ થયેલો તે શિયાળ, જેમાં માત્ર લાકડું જ હતું એવા દુન્દભિને જોઈને આ શ્લોક બોલ્યો મેં પહેલાં જાણ્યું કે આ મેદથી ભરેલું હશે, પણ અંદર પ્રવેશ્યા પછી તેમાં જેટલું ચામડું અને જેટલું લાકડું હતું તે બરાબર જાણવામાં આવ્યું.