ગાતાં ઝરણાં/લઈને આવ્યો છું

Revision as of 02:52, 12 February 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લઈને આવ્યો છું


હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું,
સિતારાઓ! સુણો કથની ધરાની લઈને આવ્યો છું.

હજારો કોડ, ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું,
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું.

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે,
તમન્ના હું સમયને દોરવાની લઈને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું ૫ડશે,
ભર્યાં છે નીર છાલામાં, એ પાની લઈને આવ્યો છું.

જગત-સાગર, જીવન-નૌકા અને તોફાન ઊર્મિનાં,
નથી પરવા, હૃદય સરખો સુકાની લઈને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઈને વરસે છે,
જીવન ખારું, છતાં દ્રષ્ટિ કળાની લઈને આવ્યો છું.

‘ગની’, ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું.

૨૬-૧૨-૧૯૪૯