છોળ/પ્રદ્યુમ્ન તન્ના: અનગળ અચરજનો કવિ — મધુસૂદન કાપડિયા

From Ekatra Wiki
Revision as of 11:36, 28 April 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રદ્યુમ્ન તન્ના: અનગળ અચરજનો કવિ — મધુસૂદન કાપડિયા


જન્મ: જુલાઈ, ૧૯૨૯ — અવસાન ૩૦ ઑગસ્ટ, ૨૦૧૯

ગુજરાતના છેક દક્ષિણ ભાગમાં આવેલા દહાણુમાં જન્મ. ૧૯૩૮માં તન્ના કુટુંબે મુંબઈને વતન બનાવ્યું. એ જ પ્રદ્યુમ્નનું પણ ભારતમાંનું થાનક. કારકિર્દીનો આરંભ મુંબઈનીકાપડની મીલોમાં ડીઝાઈન બનાવવાથી થયો હતો. અવનવી ડિઝાઈનોના સર્જનમાંથી ચિત્રકળા ખીલી. ચિત્રકળાના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવીને ઈટાલી ગયા. ત્યાં ચિત્રકળા ઉપરાંત ફોટોગ્રાફીની કળા પણ વિકસાવી. મુંબઈમાં અને અમદાવાદમાં કાવ્યસર્જન માટે પ્રદ્યુમ્નને ઉમદા વાતાવરણ મળ્યું. અનેક ઉત્તમ સમકાલીન કવિઓ અને કળાકારો સાથે માત્ર પરિચય નહીં પણ સ્નેહસંબંધ અને આત્મીયતા સુધ્ધાં સ્થપાઈ. રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હરીન્દ્ર, સુરેશ દલાલ, મકરંદ દવે, દિલીપ ઝવેરી જેવા કવિઓ; સુરેશ જોશી, જયંત પારેખ, રસિક શાહ, અને ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવત જેવા વિદ્વાનો; ભૂપેન ખખ્ખર, જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ જેવા ચિત્રકારો, ગુલામ મોહમ્મદ તો કવિ પણ; વળી અજિત અને નિરૂપમા શેઠ જેવા સંગીતકારો/ગાયકો; સુનીલ કોઠારી જેવા નૃત્યવિશારદ — આ સૌનો અપાર સ્નેહ પ્રદ્યુમ્ને ઝીલ્યો. આ સૌની સાથે કાવ્યપઠન અને કાવ્યતત્ત્વની ચર્ચાવિચારણા વર્ષો સુધી ચાલી. આ પ્રેરક અને પોષક વાતાવરણમાં પ્રદ્યુમ્નની કાવ્યસર્જનની સરવાણી સમૃદ્ધ થઈ.

ત્યાર પછી ૧૯૩૫થી કાયમ માટે પ્રદ્યુમ્ને ઈટાલીમાં વાસ કર્યો. સુન્દરમ્‌નું સમગ્ર ઉત્તરજીવન પોંડીચેરી અરવિન્દાશ્રમમાં વીત્યું. શ્રીધરાણીએ બાર વર્ષ અમેરિકામાં ગાળ્યા. પરિણામે આ કવિતાઓએ કવિતા ગુમાવી. શ્રીધરાણીનો વિષાદ મર્મસ્પર્શી છે:

ઊખડેલા નવ આંબા ઊગે
ઘરે ઊગેલા આભે પૂગે.

એક જ વાર પ્રદ્યુમ્ન ઇટાલીવાસનો બળાપો કાઢે છે: ‘અહીં સાધારણતા અંગ્રેજીય બોલવા-સાંભળવાનો પ્રસંગ ન પડે ત્યાં ગુજરાતીની વાત જ ક્યાં કરવી?! આમ સ્વદેશ ને માતૃભાષા જોકે ધાર્યો સંપર્ક ન રહે એ સાહજિક છે. પણ એનો ઠાલો બળાપો કર્યા વિના…’ ૧૯૮૮માં ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાના નિમંત્રણને સ્વીકારી અમેરિકાના બારેક જેટલાં નગરોમાં પ્રદ્યુમ્નના કાવ્યપઠનના કાર્યક્રમો ગોઠવાયેલા. બધે જ પ્રદ્યુમ્નનાં ગીતોથી, તેના ભાવવાહી કાવ્યપઠનથી, ક્યારેક ગાનથી ઑડિયન્સ મુગ્ધ અને પ્રસન્ન પ્રસન્ન. પ્રદ્યુમ્ન પણ સંપૂર્ણપણે સંતુષ્ટ. ઇટાલી પાછા જઈને આ વાતાવરણની અસર નીચે અનેક અધૂરી રહેલી રચનાઓ — કોઈની એકાદ પંક્તિ, કોઈની એકાદ કડી — પૂરી કરી. આનો ઋણસ્વીકાર પ્રદ્યુમ્ને એક ઉત્તમ ગીતમાં જ કર્યો છે:

હેતે માંડીને તમે મીટ
હોંકારો દીધો એક હળવો હુલાસનો
કે રણઝણતાં ઊભર્યાં આ ગીત!

પ્રદ્યુમ્ન જો ભારતમાં સ્થિર થયા હોત તો પ્રિયકાન્તની જેમ એમની પાસેથી પણ એકથી વધુ કાવ્યસંગ્રહો મળ્યા હોત.


કવિતા


પ્રદ્યુમ્નનો એક કાવ્યસંગ્રહ ‘છોળ’, પણ એકે હજારાં. પ્રદ્યુમ્ન સર્વાંશે ઊર્મિકવિ છે. એણે માત્ર ગીતો જ લખ્યાં છે. સમ ખાવા છએક છાંદસ-અછાંદસ કૃતિઓ એની પાસેથી મળી છે. પ્રદ્યુમ્નની કવિતાનો પ્રદેશ છે પ્રકૃતિ, પ્રણય, ગ્રામજીવન, વનવગડો અને વ્રજ. પ્રકૃતિસૌન્દર્ય તો અહીં મહોરી ઊઠ્યું છે. પ્રદ્યુમ્નના જ કાવ્યાત્મક શબ્દોમાં: ‘આ સૂરજ, ચાંદો ને અગણિત તારા. આ તેજ-છાયાની આવજા અને રંગ-સુગંધ-રસની છાકમછોળ. પોણી પૃથ્વી આવરતાં ને ભીતર વડવાનળ ભરી બેઠાં આ જીવતાં-જાગતાં જળ… આ ગગનચુંબી હિમશિખરો, ઊંડાં કરાડ-કોતરો ને ધીખતાં રણ. આ તળાવ-સરોવરો ને કોટિ કોટિ સરિત સરવાણીઓ થકી સિંચાતી અને ફૂલે-ફળે અને ધાને છલકાતી ધરા. આ ગાઢ અરણ્યો ને પણે સીમ, ખેતર અને પાદરે કોળતી વનરાજિ… આ સ્ફુરતા સૂડા-કુવેલ ને પણે ગ્હેંકતા મોર. આ ભાંભરતી ધેનુ ને પણે હણહણતા અશ્વ. આ ગુંજરતાં મધપૂડા ને પણે ઊભરાતાં કીડિયારાં…’

પ્રદ્યુમ્ન ચિત્રકાર છે તેની પ્રતીતિ તો એક જ કાવ્યમાં થઈ જશે:

અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!

આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે. ભૂરાં આભ, સોનલવરણાં ખેત, રૂપેરી વ્હેણ, જાંબલી ડુંગરા, રાનસૂડાનું લીલું ઝૂમખું, ખડમોરની કાબરી ડોક, પીળચટી થોરવાડ, એમાં વળી જળે-થળે પોતાની આભા ફેલાવતી રાતીચોળ, હીરાગળ ચૂંદડી.

ઋતુઓમાં પ્રદ્યુમ્નને પ્રિય છે ઉનાળો. ‘તાપ’, ‘બપોરે’, ‘ધોમ’, ‘ભાદરવી બપોર’ વગેરે કાવ્યોમાં ઝળાંહળાં તડકાનાં તેજ અને ઝાંઝવાંનાં છલ નિરૂપાયાં છે. છતાં ઋતુકાવ્યોમાં સૌથી ઉત્તમ કૃતિ છે વર્ષાનું ગીત ‘ઘટા’ — ‘માથે ઝભુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવનઘટા’. પ્રણયકાવ્યોમાં ઊર્મિનો ઉદ્વેક હૃદયની તંત્રીઓને રણઝણાવે છે — ‘અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો / કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!’ પ્રણયકાવ્યની આત્મલક્ષિતા, બલકે અંગતતા આહ્લાદક છે:

રમતું’તું રાત્ય દંન જીભે જેનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં
સઈ! અમી નહીં! અમી નહીં!

અને

‘કોણ કહે વ્રજ વિસરાયું વ્રજ વિલસે રે કણકણમાં!’

વ્રજનાં ગીતો પ્રિયકાન્તની યાદ આપે તેવાં ઉત્કૃષ્ટ કક્ષાનાં છે. મોરલીનાં ગીતો તો બેમિસાલ છે. કવિની કલ્પના આપણને વૈકુંઠ સુધી લઈ જાય છે:

તમીં પાછાં તે વાંસ થઈ વાધો હો વાંસળી! પાછાં તે વાંસ થઈ વાધો,
વાધી વાધીને ઠેઠ ઊંચે અંકાશ વસ્યા વૈકુંઠની ભાળ જઈ લાધો હો વાંસળી!

વ્રજગીતોમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા!’ અમર રહેવા સર્જાયું છે.

પ્રદ્યુમ્નનાં ગીતોની પદાવલિ તળપદી ગ્રામજીવનની બોલી, તેના લહેકા, તેના સંવાદો, તેના લયમધુર રણકાની સમૃદ્ધિથી સભર છે. ક્યારેક તો જાણે લોકગીત જ જોઈ લો:

ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે — ધ્રાંગડ!
ચાંચે રાતી ચોળ્ય રે — ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે — ધ્રાંગડ!
ઉગમણાંની કોર્ય રે — ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે — ધ્રાંગડ!