ચિત્રદર્શનો/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 09:50, 23 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય : ચિત્રદર્શનો
આકરી ટીકા અને ભરપૂર પ્રશંસા પામેલી ન્હાનાલાલની સર્જકતા એમના સમયથી આજ સુધી એકસરખી વિલક્ષણ મુદ્રામાં ઊભી છે. પ્રેરણા જ એમના સર્જનનો મુખ્ય સ્રોત; એથી, વિપુલ સર્જન પણ એમની એક ઓળખ. એમના કવિચિત્ત ઉપર વરસતી રહેલી પ્રેરણાની આ અજસ્રતાને એમની જાણીતી પંક્તિઓથી ઓળખાવી શકાય એમ છે :

ઝીલું નહીં તો ઝરી જતું રે લોલ
ઝીલું તો ઝરે દશ ધાર...

એવું કાવ્યસર્જન એમને માટે અનિવાર્ય હતું. આ કાવ્યસર્જન, બલકે એમનું લેખનમાત્ર, એમના માટે નિત્યસાધનારૂપ બની રહેલું. એટલે લઘુકાવ્યોથી બૃહત્‌ કાવ્યો સુધી, બદ્ધ છંદોથી નિર્બંધ ડોલન સુધી અને પદ્ય-ગદ્યનાં લગભગ તમામ સ્વરૂપો સુધી એમની એ સાધના સતત અરધી સદી પર્યંત અખૂટ રસથી ચાલેલી. પ્રમાણ અને વિસ્તારની સાથે પ્રસ્તાર પણ આવી ગયેલો. પરંતુ ન્હાનાલાલની નૈસર્ગિક કાવ્યશક્તિ એ પ્રસ્તારમાં બહુ શોષાઈ ગઈ નથી. કાળનો ઘસારો પામતાંપામતાંય એમના સર્જનમાંથી જે આપણી સામે રહ્યું છે એનું સત્ત્વ, ને એનું પ્રમાણ પણ, ઓછું નથી – એ સ્પૃહણીય છે, પ્રસન્ન કરનારું છે અને ઘણું તો તૃપ્તિકર પણ છે.

ઈ. ૧૯૨૧માં પ્રકાશિત થયેલા સંગ્રહ ચિત્રદર્શનોમાં ન્હાનાલાલના પરિપક્વકાળની રચનાઓ છે. એમના કાવ્યારંભના બે દાયકા પછીની આ કવિતા છે ને એનું રૂપ લાક્ષણિક છે. પ્રસ્તાવનામાં એમણે કહ્યું છે એમ, અહીં વ્યક્તિવિશેષોનાં તેમજ પ્રસંગ અને પ્રકૃતિવિશેષોનાં શબ્દચિત્રો છે, એવી દર્શનાવલિ છે. એટલે કે અહીં ચરિત્ર-આલેખો છે એથી વધુ તો ચિત્ર-આલેખો છે. ને ક્યાંક તો વ્યક્તિવિશેષના નિરૂપણ કરતાંય કવિનો અભિવ્યક્તિવિશેષ વધુ ધ્યાનાકર્ષક બન્યો છે. ન્હાનાલાલની સમગ્ર કવિતાના કેટલા બધા સર્જકવિશેષો અહીં હાજર છે! ભિન્નરુચિ વિવેચકોએ પણ એમની સમગ્ર કવિતામાંથી જે રચનાઓને ઉત્તમ તરીકે તારવી છે એમાંની કેટલીક અહીં છે – ‘શરદપૂનમ’, ‘કુલયોગિની’, ‘પિતૃતર્પણ’. વળી અહીં ગીતો અને છંદોબદ્ધ કાવ્યો છે, ડોલનશૈલીની રચનાઓ – ‘અપદ્યાગદ્ય’ – છે ને ગદ્યચરિત્રો પણ છે. અલંકરણના ઝીણા નકશીકામની સાથે અહીં એમનો જાણીતો વાગ્મિતા-ઉછાળ છે, શબ્દ અને વર્ણના શ્રુતિસૌંદર્યની રેખાઓની સાથેસાથે અહીં શબ્દ-અર્થના વ્યયની ઘેરી ધૂમ્ર-ધૂસરતા પણ છે. ભાતીગળ ચિત્ર-વિથિ તરીકેનું આવું વૈવિધ્ય પણ ચિત્રદર્શનોની આગવી ઓળખ રચે છે.

રમણ સોની