સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/કાન્તા

Revision as of 01:26, 27 May 2024 by Meghdhanu (talk | contribs)


૧૨. કાન્તા
[દ્વિવેદી મણિલાલ નભુભાઈ]

દ્વિવેદી મણિલાલ નભુભાઈને ગ્રંથકાર મંડળમાં આવકાર આપતાં અમને ખરેખરો હર્ષ ઉત્પન્ન થાય છે. એ તરુણ ગૃહસ્થે બી. એ.ની પદવી સંપાદન કરી એલ્ફિન્સ્ટન પાઠશાળામાં થોડોક વખત ઓનરરી ફેલોનું કામ કર્યું હતું, અને હાલ મુંબાઈ શહેરની ગૂજરાતી નિશાળોના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર છે. ઇંગ્રેજી ભાષાની સાથે એ સંસ્કૃતના સારા અભ્યાસી છે. આપણા ગ્રેજ્યુએટો કેટલાંક વર્ષથી સ્વભાષા લખવા વાંચવાના કામમાં એવો અનિષ્ટ અનાદર બતાવતા આવ્યા છે કે મી. મણિલાલની આવૃત્તિને અમે ઘણી સ્તુત્ય, આશાજનક તથા ઉત્તેજન યોગ્ય ગણીએ છીએ. સને ૧૮૮૧ના વર્ષમાં ‘ગુજરાતી’ના અધિપતિએ એવી ખેદકારક વાત જાહેરમાં મૂકી હતી કે તેમાં લખાતા કવિ નર્મદાશંકરના વિષયો અમે સમજતા નથી એમ તેના ગ્રેજ્યુએટ મિત્રોની તરફથી તેને જવાબ મળ્યો હતો. આમ હોય, તો એ વર્ગની તરફથી ગુજરાતીમાં પુસ્તકો લખવાની તો આશા જ શી, અને આ તો અનુભવસિદ્ધ છે કે પાછલાં કેટલાંક વર્ષોથી કોઈપણ ગ્રેજ્યુએટે ગુજરાતી ભાષામાં એકે પુસ્તક પ્રગટ કર્યું નથી. પણ હાલ એ લજ્જાસ્પદ સ્થિતિ બદલાઈ જવાના સુચિહ્ન કેટલેક ઠેકાણેથી દેખાવા લાગ્યાં છે. એ ગુજરાતીનો જ દેશહિતેચ્છુ એડિટર એક સુરતી બી.એ. છે. નાગર ઉદય વગેરે ચોપાનિયાના સંબંધમાં અમદાવાદનો એક નાગર બી. એ. ગુજરાતી લખાણ કોડભેર કરે છે – એ શુભ રૂપાંતરના અગ્રણી ભાઈ મણિલાલ થયા તેને માટે તેમને અમે માનપૂર્વક મુબારકબાદી આપીએ છીએ. અમારા એ સાહસિક તરુણ મિત્રને અમે ભલામણ કરીએ છીએ કે હમણાં જે શુભવૃત્તિ પોતાના આત્મામાં પ્રાદુર્ભાવ થઈ છે તેને ફરજ સમજી વળગી રહેવું, અને પ્રથમ પ્રયત્નોમાં કદાપિ જોઈએ તેટલી સિદ્ધિ કે જશ ન મળે, તોપણ તે વાતથી નાઉમેદ ન થતાં સ્વભાષાની ભક્તિ શુદ્ધ ભાવથી કાયમ જ રાખવી, અને શાળાપ્રાપ્ત જ્ઞાનને હવે પછીના અનુભવ, વિચાર તથા અભ્યાસથી પરિપક્વ કરી તેનો લાભ દેશીઓને આપવા નમ્રપણે નિરંતર ખંતી રહેવું. એમ કરવાથી છેવટે સિદ્ધિ, યશ ને કૃતાર્થતા છે જ. મહાકવિ ભવભૂતિકૃત માલતી માધવ નામના એક સંસ્કૃતભાષા માંહેલા અત્યુત્તમ નાટકનું સટિક ભાષાંતર ઘણી સંભાળથી કરીને એ ભાઈએ બે-ત્રણ વર્ષ ઉપર પોતાનું વિદ્યાબળ દાખવ્યું હતું. તે સમે ભાષાંતરકર્તા તરફથી એ પુસ્તક અમારી ઉપર ન આવવાથી તેના ગુણદોષ વિષે બોલવું એ અમને ઉચિત લાગ્યું નહોતું, અને હાલ તે આવ્યું છે. તથાપિ અમે ધારીએ છીએ કે તેનું વિવેચન અવકાશ ઉપર રાખવાથી હવે કાંઈ ખાટું મોળું થનાર નથી. હાલ તો મિ. મણિલાલે કાન્તા નામનું જે સ્વકલ્પિત નાટક બનાવ્યું છે તેની જ તપાસ અત્રે ચલાવીએ. રસ, પાત્ર-ભેદ અને વસ્તુસંકલના એ જે ત્રણ વાનાં નાટકાદિની ગ્રંથિમાં અવશ્યનાં છે તે પ્રત્યેકની રચનામાં મુશ્કેલીઓ પણ એ જ અનુક્રમે ઉત્તરોત્તર વધતી છે. રસનું મૂળ સ્વભાવમાં હોવાથી, તે પ્રાપ્ત કરવો સહજ છે. કુદરતે આપ્યો હોય તેને જ એ વાત તો ખરી. રસબુદ્ધિનું માણસ હશે, તો તેની વાણીમાં સ્વાભાવિક રીતે જ રસ આવ્યા વિના રહેશે નહિ. ફક્ત તેણે દોઢડાહ્યું કે ડોળ કરવું નહિ એટલું જ જરૂરનું છે. કેમ કે ડોળ એ જેટલું ધર્મપક્ષે તેટલું જ રસપક્ષે પણ વિનાશકારી છે. આ જ કારણને લીધે કેટલાક કેવળ અભણ પુરુષો સારા કવિ નીવડેલા છે. તેઓ કેવળ સ્વભાવને જ વશ રહે છે, અને તેથી તેમનું કવન તેના સહજ રસથી હૃદયને વીંધી નાખે એવું થાય છે. પણ કાંઈ ભણ્યા પછી માણસ પોતાનું ડહાપણ ચલાવે છે, અને ત્યારે ચતુર ચાર ઠેકાણે ખરડાયા જેવું થઈ રહે છે. અધભણ્યાની સમજ, જેમ બીજી બાબતમાં તેમ, રસમાં પણ પૂરી ચાલતી નથી, અને એ જ કારણથી હાલ આપણા પ્રાંતમાં દોઢડાહી કે કંટાળાભરેલી ડોળવાળી કવિતા વાર્તાઓથી ઉકરડો ભરાઈ જવા લાગ્યો છે, તે સમે ખરો રત્નરૂપ રસ કોઈ કોઈ ઠેકાણે જ શોધ્યો જડે છે. કાવ્યમાં વિવેક વાપરવો, તો તે પૂરો વાપરવો જોઈએ, અને તેને માટે ઊંચી કેળવણી તથા રસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ અવશ્યનો છે. ત્યારે જ શુદ્ધ રસજ્ઞતા (Taste) પ્રાપ્ત થાય છે. ઊંચ ને નીચ, સારી કેળવણી પામેલો ને લેભાગુ એ પોતાની રસજ્ઞતાથી ટપ ઓળખાઈ આવે છે. તાલમેલથી ટાહેલાં કરી શકાય, પણ ખરી રસજ્ઞતા આવતી નથી. તે તો સ્વભાવ કે પૂર્ણ સંસ્કારને જ સાધ્ય છે. આ તરુણ નાટકકારની રસજ્ઞતા શુદ્ધ સંસ્કારી જોઈ અમે પ્રસન્ન થયા છીએ. એ રસજ્ઞતામાં ઇંગ્રેજી ને સંસ્કૃત સાક્ષરત્વ એ બંનેના રંગ છે, પણ સંમિશ્રણ એવી રીતે થયેલું છે કે તે સ્વાભાવિક ને સુંદર દીસે છે. કાદંબરી જેવી કૃત્રિમ રસ કાવ્યની છાંટ કોઈ કોઈ ઠેકાણે તેમાં જણાય છે ખરી, પણ તે એટલી થોડી ને આછી છે કે કાળે કરીને તે આપોઆપ ઘસાઈ જશે એમ અમારી ધારણા પહોંચે છે. રસ એ જ ખંડકાવ્યોમાં એટલે છૂટક કવિતામાં બસ છે. પદ ગરબી વગેરે લખનારામાં એટલું હોય તો તે કૃતાર્થ થયો, કેમ કે તેવી કવિતામાં તો પોતાના આત્મામાં જે જે ઊર્મિર્ઓ ઊઠે તે દર્શાવી એટલે થયું, અને તે તો પોતામાં રસ હોય તો તે સ્વાભાવિક રીતે જ થઈ જાય. આવી કવિતાને સ્વાનુભવી અથવા અંતઃસ્થિત. (Subjective) કવિતા કહે છે. સંગીત કવિતા આ વર્ગની છે. પણ નાટક કાવ્યોમાં એથી જુદા જ બહુ ઊંચી જાતના-કવિત્વનો ખપ પડે છે. એમાં ફક્ત પોતાના અંતરમાં અનુભવેલા રસનું વર્ણન કરવું એ બસ નથી અથવા વખતે કાંઈ જ કામનું નથી. એમાં તો ભિન્નભિન્ન પ્રકૃતિવાળા બીજાને ભિન્નભિન્ન પ્રસંગે કેવું લાગે છે તેનું વર્ણન કરવાનું છે. એક તરફ પરદુઃખભંજન સાધુ પુરુષ તો બીજી તરફ ચોર ને ખૂની, એક તરફ પતિવ્રતા તો બીજી તરફ કૂલટા, એક તરફ કૃપણ તો બીજી તરફ ઉદાર, એક તરફ પ્રેમી તો બીજી તરફ શઠ, વગેરે ભાતભાતના મનુષ્યોના મનમાં કેવી કેવી વિવિધ ઊર્મિઓ ઊઠે છે, તે એવી રીતે વર્ણન કરવી કે જાણે તેના હૃદયમાં જ પેસીને જોઈ આવ્યો હોય, એ નાટ્ય કે વાર્તિક કવિનું કામ છે. એને અંતઃસ્થિત નહિ પણ બાહ્યસ્થિત, સ્વાનુભવી નહિ પણ સર્વાનુભવી-કવિત્વ (Objective) કહે છે. જુદા જુદા માણસોના મનોભાવ જેમ હોય તે પ્રમાણે જુદા જુદા વર્ણવવા એને પાત્રભેદ કહે છે, અને એ કરવાનો સઘળો આધાર માણસમાં સર્વાનુભવી કવિત્વ કેટલું છે તેની ઉપર છે. સંસાર વ્યવહારના લક્ષપૂર્વક અવલોકનથી આ બળ કેટલુંક પ્રાપ્ત થાય છે, પણ ઘણે દરજ્જે તે સ્વાભાવિક છે. કેટલાક અંતઃસ્થિત કવિતા ઉત્તમ પ્રકારની કરી શકે છે, પણ બીજાના અનુભવના બે બોલ પણ બરાબર કથી શકતા નથી. તે પોતાની લાગણીઓ-પોતાનું દુઃખ રોઈ જાણે છે. પણ બીજાના અંતઃકરણની તેને કોઈ ખબર નથી. ગુજરાતી ભાષામાં આજપર્યંત આટલા બધા કવિઓ થઈ ગયા છે પણ સર્વાનુભવી રસને જાણનાર તો ગણ્યા ગાંઠ્યા જ છે અને તેમાં પણ તેને શેક્સપિયરની પેઠે પરિપૂર્ણ દર્શાવનાર તો વડોદરાવાળો પ્રેમાનંદ ભટ્ટ એકલો જ. આ નાટકમાં પાત્રભેદ શક્તિ કેટલી છે તેનો વિચાર વસ્તુ સંકલનાની ભેળો જ કરીશું. વસ્તુને સંકલવી એ કામ સૌથી અઘરું છે, એમાં ઘણા વિવેકનો ખપ પડે છે, અને તેથી તે ઘણો અનુભવ થયા વિના કદી પણ બરાબર થઈ શકતું નથી. સ્વાભાવિક બુદ્ધિ સારી હોય તો પ્રથમ પ્રયત્ને જ રસ ને પાત્રભેદના કામમાં કોઈ ફતેહ પામે ખરો, પણ શિખાઉને હાથે વસ્તુસંકલના નિર્દોષ ઊતરવી એ અશક્ય નહિ તો અત્યંત દુર્લભ છે. મહા કવિઓનાં પણ ઉત્તમ સંકલિત કાવ્યો તેમની મધ્ય કે ઉત્તરાવસ્થામાં જ બનેલાં છે. રસગ્રંથિનો સ્વાભાવિક ક્રમ આ પ્રમાણે જણાય છે : પ્રથમ પ્રસંગોપાત્ત છૂટક પદો, પછીથી નાની વાર્તાઓ, અને એ પ્રમાણે કેટલાંક વર્ષ સુધી કાવ્યકળા ખેડાઈ રહે ત્યારે જ મહાકાવ્ય કે નાટક. આપણા આ ગ્રંથકારે પ્રથમથી જ જાહેરમાં તો છેલ્લે પગથિયે પગ મૂક્યો છે, અને તેથી તેમાં જોઈએ તેટલો યશ નહિ મળેલો સાબિત થશે, તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તે છતાં અમારો સામાન્ય અભિપ્રાય એવો છે કે આ પગલામાં જેટલું સાહસ રહેલું છે, તે પ્રમાણે અસિદ્ધિ થઈ નથી, અને એટલું તો એ ગ્રંથકારે સાબિત જ કરી આપ્યું છે કે એનામાં આવું પુસ્તક રચવાની સ્વાભાવિક શક્તિ છે અને તે અભ્યાસે કરી મન માનતી ખીલશે. હવે આ નાટકની વિગતવાર તપાસ ચલાવીએ. એની મૂળ વાત ગુજરાતની એક ઐતિહાસિક દંતકથા ઉપરથી સૂઝેલી છે. આપણા ઇતિહાસના આરંભમાં જ જ્યારે કલ્યાણીના ભૂવડે એકાએક આ દેશ સર કર્યો, આપણો શૂરો જયશિખરી રણમાં પડ્યો, અને પ્રતાપી સૂરપાળ પોતાની ગર્ભવતી બહેનના રક્ષણાર્થે રાજાની આજ્ઞાએ મનમાં મૂંઝાતો વનમાં વસેલો છે, તે સમે આ ભૂમિ ઉપર જે પરદેશી અમલથી દારૂણ દુઃખોનો વરસાદ વરસ્યો તેમાં આ બનાવ એક એવો ભયંકર બન્યો કે તે લોકોની યાદદાસ્તમાં અખંડ કોતરાઈ રહ્યો. ભૂવડ સઘળું રાજ પોતાના કુંવર કરણને સોંપી ગયો હતો. તે મહાજુલમી, ક્રૂર ને દુરાચરણી હતો. એણે ભલીભલી રૂપવાન સ્ત્રીઓની બળાત્કારે લાજ લેવા માંડી. સૂરપાળની સ્ત્રી જેને યોગાનુયોગ વનવાસમાં સાથે લીધી નહોતી, તે આ પાપી કુંવરને હાથ પકડાઈ અને તેણે છળ બળથી તેને વશ કરવાને ઘણું માથું ફોડ્યું. પણ તે તો રૂપે તેવી જ ગુણે ખરી પદ્મિની હતી. તેણે પોતાનું રજપૂતાણીપણું પ્રથમથી જ એવું બતાવ્યું કે બળ વાપરવાની તો એ દુષ્ટની હિંમત જ ચાલી નહિ. છેવટે એ પાપીને એવો બુટ્ટો ઊઠ્યો કે જો એ સ્ત્રી એમ જાણે કે મારો સ્વામી ગત થયો, તો પછી તે કદાપિ મારે વશ થાય ખરી, એ વિચારથી તેણે કોઈ બીજાનું માથું મંગાવી તે સ્ત્રીને એમ મનાવ્યું કે આ તેના ધણીનું જ માથું છે. પણ આ દુષ્ટ છળનું પરિણામ તેણે ધાર્યું હતું તેથી ઊલટું જ થયું. તે જોતાં જ એ પતિવ્રતા સ્ત્રી તો વિરહાગ્નિથી પ્રજળી ઊઠી, અને કોઈની પણ રોકી ન રોકાતાં આખા નગરના હાહાકારની સાથે તે પેલું માથું પોતાના ખોળામાં લઈને બળી મૂઈ. અમને તો આ કથા કરુણ પરિણામક નાટકને જોઈએ એવી લાગે છે. પણ મિ. મણિલાલને એમાં અસંભવ એ લાગ્યો કે તે સ્ત્રી પોતાના ધણીનું માથું ઓળખ્યા વિના કેમ રહે. ઉપલેક જોતાં આમ લાગે એવું છે ખરું, પણ તે પ્રસંગને અનુસરતાં તર્કની દૃષ્ટિએ જોયું હોત, તો એ અસંભવ સઘળો દૂર થઈ એ બનાવ સર્વાંગે સ્વાભાવિક જ દેખાત, છળ કરવા જ નીકળેલો જે કારણ તેણે પારકાનું માથું અવિછિન્ન મંગાવીને એ સતીની આગળ ધર્યું હોય એમ આપણે ધારવું જ જોઈએ નહિ. કપટ ન પકડાય તેને માટે તેણે તજવીજો પૂરી કરી જ રાખી હશે. આ મહાદારૂણ યુદ્ધનો બીજો દિવસ હતો. ગઈ રાત્રે જ હજારો જોદ્ધા કપઈ મૂઆ હતા, ગામની સમીપે હજી હજારો મડદાં પડેલાં હતાં. હજી કાક ગૃધ્રાદિક પોતાની મિજબાનીમાંથી પરવાર્યા નહોતા, રૈયતની નાસાનાસ ને ભાગાભાગ હજી પૂરી સમી નહોતી, એવે સમે જયશિખરી મૂઓ એટલે માજી રાજ સાથે મુખ્ય સંબંધ ધરાવનારો જે સૂરપાળ તેને કોઈ જીવતો કે મૂઓ દરબારમાં પકડી લાવશે તો એને મોં માગ્યું ઇનામ આપશું, એવો નવા રાજની તરફથી ઢંઢેરો ફરે; ચોતરફ શોધાશોધ ચાલી રહે; અને તેવામાં એકાએક થોડાક સવારો ઘોડા ફેંકતા ત્યાં આવી પહોંચે, તેનો જમાદાર ટપ ઊતરીને ધબધબ દરબારમાં ધાયો આવે. રૂમાલમાંથી કાઢી લોહીચૂતું એક માથું રાજાને નજરે કરે, અને સૂરપાળ મરતાં મરતાં કેવી બહાદુરીઓ કરી પરિણામે છિન્ન ભિન્ન થઈ પડ્યો, તેની બનાવટી હકીકત કહી સંભળાવી હરખથી વધામણી માગે; તેને માટે મોટાં મોટાં ગામ ગ્રાસો જાહેરમાં અપાય; અને શત્રુ પક્ષમાં દુંદુભીના નાદની સાથે જય જયકાર તથા વતનીઓમાં ત્રાહે ત્રાહેના પોકાર ઊઠી રહ્યા છે, તે સમે થરથર ધ્રૂજતી દુઃખમાં દિગ્મૂઢ થઈ ગયેલી પ્રથમથી જ દરેક ક્ષણે માઠાની શંકા ધારણ કરી રહેલી પેલી સ્ત્રી આગળ આ જ કરણરૂપી વિકરાળ દૈત્ય જઈને ઊભો રહે; સમભાવનું ડોળ બતાવે; અને છેવટે પેલું માથું દેખાડી તેને દિલાસાને બહાને જૂઠી જૂઠી તેના સ્વામીના પરાક્રમની હકીકતો કહે; તો તે વેળા આવા દુઃખમાં-આવી જડતાની સ્થિતિમાં અને તેમાં વળી જ્યારે પોતાની જ વિશ્વાસુ દાસી ફૂટીને એ છળમાં સામેલ થયેલી છે ત્યારે પેલી બાપડી ઠગાય, ખરું માને, ને એકાએક જુસ્સાથી ‘જગદંબે કરી સતી થવા નીકળે, તો તેને કોણ રોકનાર છે, અને તેમાં શું અસંભવિત છે? અમે તો કહીએ છીએ કે ઊલટું આવે પ્રસંગે એ ન ઠગાય એ જ અમને મહા અસંભવિત લાગે છે. તે છતાં અમે આટલા જ ઉપરથી નાટકકારનો કાંઈ દોષ કાઢતા નથી, કારણ કે વાતમાં ફેરફાર કરવાનો તેને હક છે. શેક્સપિયરના વિવેચક વાંચનારા જાણે છે કે તેણે ઘણું કરીને પ્રત્યેક નાટકમાં મૂળ વાતને ઘણે દરજ્જે ફેરવી નાંખી છે. ગ્રીક નાટકકારો પણ એમ જ કરતા, અને આપણા દેશમાં તો નાટ્યશાસ્ત્રનો અર્વાચીન પ્રમાણ ગ્રંથ જે દશ રૂપક તેમાં આ રીતનો નિયમ જ આપ્યો છે.

‘યત્તત્રાનુચિતં કિંચિન્નાયકસ્ય રસસ્યવા,
વિરુદ્ધં તત્પરિત્યાજ મન્યથાવા પ્રકલ્પયેત્‌’

અર્થ : તેમાં જે વસ્તુ નાયકને અનુચિત દેખાય અથવા રસને વિરુદ્ધ હોય, તે ત્યાગ કરવી અથવા તેને બીજી રીતે કલ્પવી. આ નિયમ જાહેર ઐતિહાસિક વાતને કેટલેક દરજ્જે લાગુ પાડી શકાય એ એક તકરારી સવાલ છે પણ અહીંયાં આ નાટકમાં તો મિ. મણિલાલે પાત્રો તથા સ્થળનાં પણ નામ ફેરવી નાંખી એ નાટક ઐતિહાસિક છે એમ ન ગણતાં તેને માત્ર પ્રકરણ એટલે સ્વકલ્પિત નાટક જ ગણવાની પ્રસ્તાવનામાં વિનંતી કરી છે, ત્યાં એ ફેરફારને માટે કોઈ ટીકાકારને કાંઈ પણ બડબડવાનો હક નથી. હવે જોવાનું એટલું જ રહ્યું કે એ સ્વકલ્પિત સંકલના કેવા પ્રકારની છે. એના ચાર અંક પાડ્યા છે. એમાં નાન્દી આમુખાદિક કાંઈ સંસ્કૃત નાટકોની પેઠે રાખ્યું નથી, પણ ઇંગ્રેજી ઢબે એકદમ જ વસ્તુનો આરંભ કર્યો છે. ઘણું કરીને આખા નાટકનું સ્થળ પાટણ જ છે. સૂરસેન ભુવનાદિત્યને દૂરથી જ પાછો હઠાવી આવ્યો હતો, તેની ખુશહાલીમાં જયચંદ્ર રાજાએ તેને ઘર પધારવાનું કબૂલ કર્યું હતું. સૂરસેન, જે રાજાનો સેનાપતિ ને મંત્રી તેમજ સાળો ને પરમ મિત્ર થાય, તેને ઘેર રાજાની આ પધરામણી નિમિત્તે ભારે સમારંભ ચાલી રહ્યો હતો. સભા મંડપમાં ચિત્રાદિકની રચના સૂરસેનની સુઘડ સ્ત્રી કાન્તાએ સ્વહસ્તે કરી હતી, અને તે પરિપૂર્ણ થયેલી જોવાને એ સ્ત્રી પુરુષ તે મંડપમાં ફરે છે, ત્યાંથી એ નાટકનો પહેલો અંક શરૂ થાય છે. એ પ્રસંગે તેમના પરસ્પરનાં સંવાદદ્વારે તેમનો શૃંગારી સ્વભાવ સારો વર્ણવ્યો છે – બલ્કે સૂરસેન જેવા નિત્યના લડવૈયાને, કે આગળ સતી થવાની છે એવી આ ગંભીર વૃત્તિની કાંતાને શોભે તે કરતાં કાંઈક વધારે લાલિત્યમય આ ચિત્ર થઈ ગયું છે. અગાશીમાં બંને જણ ભોજનની તૈયારી કરે છે. એવામાં રાજાનો અનુચર એકાએક સૂરસેનને તેડવા આવે છે. એ તો ઝટ ખુશી સાથે જવા ઊભો થયો, પણ કાન્તા આ પ્રમાણે રંગમાં ભંગ થવાથી ઘણી ગળગળી થઈ ગઈ. તેણે ભોજનનું નામ દઈ જવાય નહિ એમ વાંધો ઉઠાવ્યો, પણ સૂરસેન જેવા રાજભક્તે અલબત્ત તે માન્ય રાખ્યો નહિ જ, પરંતુ.

(શિખરિણી છંદ)

તૃષા ત્યાં ના પીડે, મિટું પિયૂષ વાણી તણુ પિધે;
ક્ષુધા પીડે શાની, શરીરે ભરીયું ભક્તિ વિષયે.
ગમે ત્યાંથી અન્ય સ્થળ ભણી જવું કેમ જ કદી;
પ્રિયે! જ્યાં વે’તી છે સતત પ્રીતિ હાસ્યામૃત નદી.

આ પ્રમાણે રાજ સમાગમનો આનંદ પોતાની પ્રિયા આગળ વિયોગને સમે જ વખાણવો એ કાંઈ નહિ તો પ્રથમ દર્શાવેલા શૃંગારી સ્વભાવથી તો વિરુદ્ધ છે જ. આ વિયોગ, જે આગળ જતાં હંમેશનો જ હોવાને સર્જિત છે, તે વિયોગને સમે બંનેના દિલમાં કાંઈ ગેબી ઉદાસી ઊઠી હોત, તો તે દેખાવ સ્વાભાવિક કે રસમય થઈ પડત. [...] બીજા પ્રવેશમાં કરણ રાજાનું દારૂડીઊં ખાસમંડળ નજરે પડે છે. બધા જગદંબેની પ્રસાદી લઈ લહેરી આંખે ને થરથરતી જીભે ફાટુંફાટું બોલે છે. આ પ્રસંગે સમયવિરોધનો દોષ માથે વહોરી લઈ પણ નાટકકારે હાલના દારૂડિયા સુધારાને એક બે ઠેકાણે ચાબખા ઠીક લગાવ્યા છે તેમ તેમનો આનંદાનુભવ પણ નીચલી કવિતા વડે ઠીક વર્ણવ્યો છે. મદ્યના પ્યાલામાં ચંદ્રનું પ્રતિબિંબ ચમકતું જોઈ કરણ કહે છે કે –

(શાર્દૂલ વિક્રીડિત)

જેની દૈવી મિઠાશ શ્રેષ્ઠ ગણીને મધ્યે ડુબ્યો ચંદ્રમા,
ને પી વારૂણી ડોલતો ડગમગે ગાતો શકે એ મઝા;
આવી સાગરમાંથી બે’ન ગણતો ધિક્કારતો ના કદી,
તેને માનવ મર્ત્ય જે તુછ ગણે, તે છે ભુંડો પાતકી.

આવી દુષ્ટ નિશાબાજી ચાલી રહી છે તેવામાં સ્ત્રી રૂપી મદોન્મત્ત નીશો? પાવાને તૈયાર થયેલા પેલા બે અધમોધમ પાપી કલાલ રત્નદાસ ને હરદાસ ત્યાં આવી પહોંચે છે. મનીબાઈ દૂધ પીશો તો કે ટાંપી જ રહ્યા છીએ એમ અહીંયાં થયું. નીચ હરદાસે કાંતાના સ્વરૂપનાં વખાણ કરવા માંડ્યાં કે તેની સાથે જ કરણે તે વાત ઉપાડી લીધી, ને તેને પ્રાપ્ત કરવા તલપાપડ થઈ રહ્યો. પાછલી રાતના જ ગુપચુપ તે અબળાઓને પકડવા નીકળી પડવું એવો ત્યાં ઠરાવ થયો. આ ઠેકાણે કરણરાજાનો વિરહ દર્શાવવા કેટલીક કવિતા મૂકી છે તે જાતે તો ઠીક છે પણ કરણ જેવા પશુસમ વિષયીને મોઢે તે શોભતી નથી. આ વર્ણનથી બીજો ને ત્રીજો બે પ્રવેશ ભર્યા છે. ચોથા પ્રવેશમાં કાન્તા વિગેરે શી રીતે પકડ્યાં તેનું ધમકભર્યું વર્ણન છે. તેમણે જે ગામડામાં આશ્રય લીધો હતો ત્યાંથી કેટલેક દૂર તળાવ હતું ત્યાં પોહો ફાટવા પહેલાં પેલી દુષ્ટ ટુકડી આવી પહોંચી. બન્યું એમ કે આ વેળા જ ત્યાં તે સ્ત્રીઓ નાહવા આવી હતી. તેમનો અવાજ સાંભળી આ રાક્ષસોએ ધસાવડો કર્યો. યૌવનશ્રી જે કમળ લેવા તળાવના મધ્યભાગ સુધી છેક ગયેલી હતી તે આ હોકારો સાંભળતાં જ ભયભીત થઈ પડી અને ડૂબી મૂઈ. કાન્તા ને તરલા પાળ પર હતાં ત્યાં જ તે બેશુદ્ધ થઈને પડ્યાં. એ હાલતમાં જ તેમને ઉઠાવી કરણ ને રત્નદાસ ચાલતા થયા, કેમ કે તેમણે ધાર્યું કે એ બેમાં એક યૌવનશ્રી ને બીજી કાન્તા હશે. [...] ચોથા અંકમાં નાટકની સંહતિ છે માટે તેને વિશેષ ધ્યાનથી તપાસવો જોઈએ. કાંતા તથા તરલાને બેભાન અવસ્થામાં પકડી લઈ ગયા ત્યાં સુધી આપણે પાછળ કહી ગયા છીએ. આ બેશુદ્ધિ બાર ગાઉની વાટે આવતાં પણ દૂર થયેલી જણાતી નથી. કરણે તેમને એક મહેલમાં ઉતાર્યા. અને સાવધ થવાની રાહ જોઈ બેઠો. તરલાને પ્રથમ ભાન આવ્યું તે જોઈ એ કામાંધ પુરુષ રાજી થઈ ગયો, કેમ કે એ મૂળથી જ એને કાંતા છે એમ સમજતો હતો. ભાન આવતાં જ તે બોલી ઊઠી કે ઓ માતા યૌવનશ્રી ને કાંતા તમે ક્યાં છો. ત્યારે કરણે જાણ્યું કે આ તો કાંતા ન હોય. પણ તેના રૂપ પર પોતે મોહિત થઈ ગયો હતો તેથી, તથા તે વશ થાય, તો કાંતાને ફસાવવામાં ખપની છે એવા બે વિરુદ્ધ ભાવથી જ તેણે તેના પ્રેમની યાચના કરવા માંડી, લૂંડી જાતની નીતિ કે કૃતા ક્યાં સુધી નભી શકે? જરા આનાકાની કરી તે તાબે થઈ ગઈ, ને ઝટવારમાં પટ્ટરાણી થવાને તરંગે ચઢી. આખા નાટકમાં તરલાની પાત્રતા સરસ ચિતરાયેલી છે. તે અધીર ચિત્રિણિ હતી. નામ પ્રમાણે જ એની વૃત્તિએ અતિ ચપળ પળેપળ બદલાતી હતી, ને એણે આ સમે નહિ કરવાનાં ઘણાં કર્મ કર્યાં, તો પણ એના આત્માનું મૂળ વળણ ભલાઈ તરફ જ હતું. વખતે માન આપી તેણીએ કરણની યાચના કબૂલ રાખી તો પણ એના અંતઃકરણે પાછલા રાજકુળની ભક્તિ છોડી નહોતી. પાટે બેસવાની લાલચે કરણ સાથે તેણે પ્રેમના લટકા ચટકા દાખવ્યા. તો પણ તે કાંતાનું દૃઢ પતિવ્રત જોઈ પોતાના મનમાં લાજી મરતી હતી. એ લાજમાંથી દૂર થવા તે કાંતાને પોતા જેવી કરવા મથી, તો પણ તે જ વેળા તેનું અંતઃકરણ કહેતું હતું કે તરલા તું આ મહા ખોટું કામ કરે છે. આમ એના અંતઃકરણે રોકી, તો પણ એ તેને છટકારી કાંતાને ફસાવવા ગઈ. પણ ક્ષત્રાણી કેમ ફસાય, ફોસલાવવાનો લગાર જ એના મોંમાંથી ઇશારો નીકળતાં તે સિંહની પેઠે એવી ગાજી ઊઠી કે તરલાને માફી માગવાની પણ પૂરી શુદ્ધિ રહી નહીં. માફી માગી તો પણ એને જે તિરસ્કારથી કાઢી મૂકી તેનો એવો ચટકો લાગ્યો કે તેણીએ તત્કાળ નિશ્ચય કર્યો કે મારે કોઈ પણ છળભેદથી એની આબરૂ લેવડાવવી જ – તરલા તે છેવટ સુધી તરલા જ રહી. આ રીતે તરલા કાંતાને ફોસલાવવા ગઈ હતી તે સમે કરણ હરખાતો હરખાતો પોતાના મિત્રમંડળમાં બેઠો હતો. બિચારો ભોળો હરદાસ ધાર્યું’તું શું ને થઈ ગયું શું તે જોઈ વિચારમાં ને વિચારમાં રહેતો. કરણે પૂછ્યું કે તમે ઉદાસ કેમ દેખાઓ છો. એણે જવાબ દીધો કે –

(હરિણી છંદ)

દિવસ દિસતો ઝાંખો આજે પ્રભાત ન પાધરો;
ઘુવડ ઘુઘવે, ત્રાસી નાસે નહિ રવિથી પણ.
શુકથી ડરીને નાસંતો મેં દીઠો વળી બાજને;
નિરખિ અવળું એવું ઝાઝું, ડરે ચિત શું થશે?

આ બોલ બેશક મર્માળા દેખાય છે. હામ્લેટના ઊંડાં મહેણાઓની કાંઈ અત્રે પ્રતિધ્વનિ હોય એમ છે, પણ એમને આવું વાક્‌ચાતુર્ય હરદાસ જેવાની બુદ્ધિથી તો પર હોય એમ લાગે છે, અને જેણે કેવળ નીચ પ્રપંચ માર્ગ જ પોતાની કાર્યસિદ્ધને માટે સ્વીકારેલો તેણે આવું ઉન્મત્તાઈભર્યું બોલવું એ પણ એક મોટી નાદાની છે. પણ કરણે જાણ્યું અજાણ્યું કરી એવા સ્વપ્નથી ડરી જવું એમ શીખામણ દીધી, ને એની ઉદાસી દૂર કરવા રત્નદાસને આજ્ઞા કરી કે પેલી ‘ઔષધિ દેવી’ લાવો. એ ઔષધિ દેવી તે બીજું કાંઈ નહિ પણ મદિરા જ. ચોખા હરદાસે એ વાતની ચોખી ના પાડી. કરણે કાંઈ પણ ગુસ્સો ન લગાડતાં ત્યારે દૂધના પ્યાલા મંગાવ્યા. રત્નદાસભાઈ લેવા ગયા તે દૂધના પ્યાલા લઈ તો આવ્યા પણ પોતે એટલો દારૂ ચઢાવતા આવ્યા કે કે એના પગ કે જીભ જરાયે કહ્યું કરે નહિ. ખાડો ખોદે તે જ પડે એ કહેવત હમણાં ખરી પાડવાની હતી. હરદાસને ઝેર દેવાનો બેત હતો, તે આ સમે પાર પાડવા નિધાર્યું હતું. રત્નદાસ એક પ્યાલામાં હળાહળ ઝેર ભેળવીને આવ્યો પણ તે પ્યાલો કરણને રત્નદાસે ઓળખાવવા ઇશારો કરતાં આવી મદ્યપી અવસ્થામાં કોઈને ઠેકાણે કોઈ જ બતાવાઈ ગયો. કરણે તે પ્રમાણે વહેંચી આપ્યા. આ દારૂડિયા ટોળીને ‘હેલ્થ’ લેવાનો કાંઈ કાંઈ બહુ જ શોખ જણાય છે, કેમકે આ દૂધના પ્યાલા પીતાં પણ તેમણે તેમજ કર્યું. (એક બીજાની ‘હેલ્થ’ લેવાની રીત હાલના કોઈ કોઈ સુધારાવાળામાં સામાન્ય થઈ પડી હશે, પણ ભાઈ મણિલાલે તે જયશિખરીના સમયમાં શા માટે વર્ણવી હશે તે કાંઈ સમજાતું નથી. તેમ રાજા પોતાને હાથે પ્યાલા વેહેંચે એ પણ રજવાડાની રીતભાતથી ઊલટું જ છે.) રત્નદાસે ધાર્યું કે ચાલો હવે હરદાસનું કાટલું નીકળ્યું, પણ પરમેશ્વરે એ દુષ્ટનું જ કાટલું કાઢવા નિધાર્યું હતું. એની ભૂલથી ઝેરનો પ્યાલો એને જ ભાગે આવ્યો અને તેથી ઘેર જઈને સૂતો તે સૂતો જ. કાંતાએ તરલાને તુચ્છકારી કાઢ્યા પછી કરણ પોતે તેને સમજાવવા ગયો. એણે સામદામાદિક બહુ કર્યા પણ ક્ષત્રાણી આગળ તેનું શું ચાલે? આખરે એ દુષ્ટ નાયકે બળાત્કારની ધમકી આપી. તે સાંભળતાં જ એ શૂરી ચતુરા પાસેની બારીમાં દોડી ગઈ, ને ત્યાં ઊભી રહી બોલી કે હે મૂર્ખા જોયું આ મારા પતિવ્રતનું રક્ષણ દ્વાર. કરણ તો દિગ્મૂઢ બની ચાલ્યો જ ગયો. આ પ્રવેશ મધ્યમ રીતે લખાયેલો છે. હવેથી નાટકનું કાર્ય વેગથી દોડે છે, અને ઘણાખરા પ્રવેશો અત્યંત રસમય છે. તેમાં બેશક બેનમૂન જ છે. [...] આ રીતે નાટક પૂરું થાય છે, અને અમારે અમારુંં વિવેચન પણ વિસ્તાર બહુ થઈ ગયો છે તેથી હવે એકદમ પૂરું કરવું જોઈએ. એમાં દોષ ઘણા છે અને કેટલાક અમે વિગતવાર બતાવ્યા પણ છે પરંતુ આ સંહાર સંધિ એવો રસમય ને ઉત્તમ દૃશ્યતાના ગુણથી ભરેલો છે કે આ સમે તો અમે એટલું જ કહીએ છીએ કે બધું જોતાં આ નાટક બહુ સારું છે, અને એ ગ્રંથકાર હવેથી પાત્રતા ને વસ્તુ સંકલન ઉપર બારીકીથી જો વધારે ધ્યાન આપે, તો તે આથી પણ આગળ જતાં વધારે સારાં નાટક લખવાને શક્તિમાન થશે એમ અમે માનીએ છીએ.

૧૮૮૨