ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/પ્રિયકાન્ત પ્રેમચંદભાઈ મણિયાર

From Ekatra Wiki
Revision as of 01:27, 10 June 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

પ્રિયકાન્ત પ્રેમચંદભાઈ મણિયાર

[૮-૧-૧૯૨૭]

કવિ શ્રી પ્રિયકાન્ત મણિયાર મૂળ અમરેલીના વતની છે, પણ હવે તે અમદાવાદ જ એમનું વતન બની ચૂકયું છે. એમને જન્મ તા. ૯-૧-૧૯૨૭ના રોજ વિરમગામમાં થયેલો. જ્ઞાતિએ તેઓ બ્રહ્મક્ષત્રિય છે. પિતાનું નામ શ્રી પ્રેમચંદભાઈ હરજીવનભાઈ મણિયાર, અને માતાનું નામ પ્રેમકુંવરબહેન. એમનાં લગ્ન શ્રી રંજનબહેન સાથે થયાં છે. માંડલની પ્રાથમિક શાળામાં ચાર ધોરણ સુધીનું શિક્ષણ લઈને પછીથી એ જ ગામના મોહન વિનય મંદિરમાં આગળ અભ્યાસ માટે જોડાયેલા અને ત્યાં બે વર્ષ અભ્યાસ કરી વઢવાણની હાઈસ્કૂલમાં પણ એકાદ વર્ષ ભણી આવેલા. પછીથી તે અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા અને પાંચમા (અત્યારનાં ૮-૯ ધોરણ) ધોરણનો અભ્યાસ કર્યો, પરંતુ ૧૯૪૨ની લડત દરમ્યાન નિશાળો બંધ થતાં નિશાળનો અભ્યાસ છોડ્યો તે છોડયો. આમ, શિક્ષણ-શાળાનો પૂરો અભ્યાસ પામ્યા વિના તેઓ જીવન-શાળામાં જોડાયા અને હાથીદાંતના ચૂડા-ચૂડી બનાવવાના વ્યવસાયમાં ગૂંથાયા. લેખનપ્રવૃત્તિને તે આ વ્યવસાય અનુકૂળ નથી, પરંતુ દુકાનમાં બેઠાં બેઠાં માનવસ્વભાવના અવલોકનની રોજેરોજ મળતી વિશિષ્ટ તક એમની સર્જનપ્રવૃત્તિને તો અવશ્ય ઉપયોગી થઈ પડી છે. એમના જીવન પર ગાંધીજી, સ્વામી રામતીર્થ, શ્રીમદ્ રાજચંદ્ર અને નહેરુની પ્રબળ અસર પડી છે: તો કવિ શ્રી સુન્દરમ્, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતનાં કાવ્યોએ પણ એક યા બીજી રીતે, એમના પર કામણ કર્યું છે. લેખનપ્રવૃત્તિનો એમનો ઉદ્દેશ છે. તત્ત્વપ્રાપ્તિનો. તેઓ માને છે કે સત્યનો વાસો શબ્દ છે, અને શબ્દ દ્વારા સત્યની પ્રાપ્તિ એ જ એમને સર્જનહેતુ છે. વ્યાસ-વાલ્મીકિ તો એમના પ્રિય કવિઓ છે જ, પણ શૂદ્રક અને કાલિદાસ એમને વિશેષ ગમે છે. એમાંયે કાલિદાસ પોતાની કાવ્યકૃતિઓના સૌન્દર્યને કારણે એમને વિશેષ આકર્ષે છે. જીવનનું સર્વાંગી દર્શન કરાવનાર મહાભારત એમનો પ્રિય ગ્રંથ છે. સહજ સ્ફુરણામાંથી નીપજતું કાવ્ય, એના લાઘવ ગુણને કારણે, એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. વનિતા અને વિભુ-એ બે એમના મનગમતા લેખનવિષયો છે. પોતાની સાહિત્યસાધનામાં ઉપકારક થાય એ માટે તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ઈ. ૧૯૪૦થી થયો. સર્વશ્રી બચુભાઈ રાવત, શ્રી ઉમાશંકર જોશી અને નિરંજન ભગતની હૂંફે એમને પ્રેરણા આપી છે. એમની પ્રથમ કાવ્યકૃતિ 'એકરાર' સૌ પ્રથમ 'કુમાર'માં પ્રગટ થયેલી. નાનકડા નિમિત્ત દ્વારા પણ તીવ્ર સંવેદનશીલતા જ સર્જનમાં પ્રેરક બળ તરીકે ભાગ ભજવે છે એ એમનું સ્પષ્ટ મંતવ્ય છે. અત્યાર સુધીમાં એમના ‘પ્રતીક’ અને 'અશબ્દ રાત્રિ'એ બે કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે, અને 'સ્પર્શ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થવામાં છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ 'પ્રતીક'ના પ્રકાશનસમયે, કવિ અને કવિતા પરત્વેની ભાવકોની આત્યંતિક પ્રીતિનો આ કવિને સુખદ-મધુર અનુભવ થયો છે. એમની કવિતાસિદ્ધિ માટે ઈ. ૧૯૬૨નો 'કુમાર સુવર્ણચંદ્રક' એમને એનાયત થયેલો. ‘પ્રતીક'ને મુંબઈ રાજ્યનું પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. શ્રી પ્રિયકાન્ત નવતર કવિતાના એક અગ્રણી કવિ છે. પ્રવાહી પરંપરિત તેમ તાજગીપૂર્ણ સુઘડ છંદે, અર્થ સમૃદ્ધિને પરિપોષક બનતા અલંકારો, સજીવ સૌંદર્યચિત્રો, ચોટદાર નવીન ભાવપ્રતીકો, સુરેખ કંડારેલી બાની, લાલિત્યભરી પદલીલા, ઉત્કટ સંવેદનશીલતા અને સ્પર્શગોચરતા જેવા અનેક ગુણે સોહતી એમની કાવ્યસૃષ્ટિ મનોહર અને મનોરમ છે. એમણે, શ્રી ઉમાશંકરે કહ્યું છે તેમ, પ્રેમ અને કાલવિષયક મધુર કૃતિઓ આપી. છે અને ગુજરાતી કવિતામાં સામાજિક અભિનિવેશનું દર્શન કરાવ્યું છે. આમ તો, પ્રણય અને પ્રકૃતિનાં, રાધા-કૃષ્ણને પ્રતીકરૂપે નિરૂપી સ્ત્રી-પુરુષતી રતિનાં અને વિશિષ્ટ દૃષ્ટિથી નીરખેલા માનવજીવનને વ્યક્ત કરતાં એમણે અનેક કાવ્યો આપ્યાં છે. પ્રણયમાં કામલીલાના અણસારા આસ્વાદ્ય બન્યા છે તે નગરસંસ્કૃતિની વિચ્છિન્નતા, વાસ્તવજીવનની અવદશા નિરૂપતાં એમનાં કાવ્યો એમાંની સબળ અભિવ્યક્તિથી ચોટ સાધી શક્યાં છે. '(કાણાવાળો) પૈસો,' 'એક ગાય', 'કબૂતરો’, 'ફોકલૅન્ડ રોડ,' 'હેમંતની મધરાત’ જેવી અનેક કૃતિઓમાંનાં પ્રતીકો, ‘નક્કી અહીં આં હું રહું છું?' 'ગાય,' 'આપણે', ‘તમે ગાંધીજીને જોયા હતા?’ જેવી અનેક કૃતિઓમાં જેવા મળતું કલાત્મક વાસ્તવદર્શી વલણ, છંદોબદ્ધ કાવ્યો જેવી જ સિદ્ધિ દર્શાવતાં એમનાં ગીતકાવ્યો વગેરે દ્વારા ગુજરાતી કવિતાને આ સહૃદયી કસબી કવિએ, વ્યવસાયે જેમ ગૃહિણીઓને તેમ કવિધર્મે ગુર્જરગિરાને ‘સંઘેડાઉતાર કલાની નજાકત ભરેલી' કાવ્ય-ચૂડીઓની ભેટ ધરી છે.

વર્તમાનપત્રોમાં આ કવિ કેટલાંક કાવ્યોનો સરસ આસ્વાદ પણ કરાવે છે અને 'આસપાસ ચોપાસ’માં શીર્ષક નીચે વિવિધ વિષયો પર રસપૂર્ણ લેખો પણ લખ્યા છે. ‘કવિલોક’ના સહસંપાદક તરીકે પણ કેટલાંક વર્ષોથી તેઓ કાર્ય કરે છે.

કૃતિઓ
૧. પ્રતીક : મૌલિક, કાવ્યસંગ્રહ: પ્ર. સાલ ૧૯૫૩.
પ્રકાશક : પહેલી આવૃત્તિ : કવિલોક, મુંબઈ.
બીજી આવૃત્તિ : ૧૯૬૪, સ્વાતિ પ્રકાશન, મુંબઈ.
૨. અશબ્દ રાત્રિ : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
‘અભિરુચિ' (ઉમાશંકર); ‘સંસ્કૃતિ’ એપ્રિલ, ૧૯૬૧.
‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી' ૧૯૫૩-૫૪.
‘રૂપ અને રસ' (ઉશનસ્), 'ગુ. કવિતાને આસ્વાદ' (સુરેશ જોશી).

સરનામું : ૮ અ, ચંદ્ર કૉલોની, એલિસ બ્રિજ, અમદાવાદ-૬.