રમણીક અગ્રાવતની કવિતા/વિદાય, મિત્ર
૧.
સાંજની લોકલ ઊભી રહી
હાંફળી ફાંફળી નજર ઠેરવી બારણે બારણે
જોઈ વળું
પ્લેટફૉર્મની તકલાદી ભીડ ઓસરતી જોઈ વળું
જોઈ વળું ફરી ફરી આખું ય સ્ટેશન
આજે ય –
મનમાં ઊગતો વિલાતો ડચૂરો પંપાળતો
જોઈ રહું અદ્ધરજીવ ઊપડતી ટ્રેન
છેલ્લા ડબ્બાના ફૂટબોર્ડ પર
અચાનક કોઈ દોડતું આવી અટકી ગયેલું કે –
– કે હજી આ હમણાં કોઈ પાછળથી ખભે હાથ મૂકી
ચમકાવશે?
ગળામાં ભીંસાયેલી ફાળ
પગનાં છૂપાં કળતરની લાગલી થયેલી ભાળ સમેત
આ સ્ટેશન પર
હજી ઊભો છું
૨.
-ને હવે વિદાય
જાણે વિખૂટાં પડવા જ ભેગાં થઈએ છીએ
કોઈ એકાએક ઊભું થઈ જાય
કોઈ બિલકુલ દખલ કર્યા વિના
ચુપચાપ સરકી જાય બેઠકમાંથી
કોઈનો હાથ હજી તો હાથમાં હોય ત્યાં-
લાચાર આશ્વાસનોની ભીડ વચાળે
એકલા પડી જવું
અડધા ઉચ્ચારાયેલા શબ્દ સમેત
પાછાં વળી જવું મનનાં સૂનકારમાં
ગળાને ભીંસતી ફાળ લઈને ઊભવું
પગનું કળતર વેઠતાં
પછાડ ઝીલીને સન્ન થયેલાં શરીર જેવી
લામ્બીલસ શેરીમાં ડગ માંડવું
આળી થયેલી ચામડીને અડકતાં બીક લાગે એમ
થથરી જવાય બારણું પકડતાં
ઓરડાની દીવાલો પહેરાવી દે
એ જ સન્નાટો જેના ડરથી આમ ભાગતો ફરું છું.
- ↑ * સ્વ. અરવિન્દભાઈ, નયનાભાભી અને બિન્ટુની સ્મૃતિમાં
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.