ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/દેશળજી કહાનજી પરમાર

From Ekatra Wiki
Revision as of 03:56, 9 September 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેશળજી કાનજી પરમાર

એઓ જાતે રજપુત છે. એમનું વતન ગોંડલ સંસ્થાન તાબાનું ગણોદ ગામ છે અને એમનો જન્મ સરદારગઢ(સોરઠ)માં તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. એમના પિતાનું નામ કાનજીભાઈ જીવાભાઈ પરમાર અને માતાનું નામ છવીબાઈ મેઘાજી મકવાણા છે. એમના પિતાશ્રી કાઠિયાવાડ એજન્સીમાં કેળવણી ખાતામાં હતા અને એક ઉચ્ચ કોટિના શિક્ષક તરીકે તેમનું નામ એ ભાગમાં હજી પ્રસિદ્ધ છે; અને વિશેષ જાણવા અને નોંધવા જેવું એ છે કે એમના દાદા જીવાજીએ બહારવટું કરેલું, જેમના અમીરી ગુણો પૌત્રમાં ઉતરેલા છે.

એઓએ મેટ્રીકની પરીક્ષા રાજકોટની ઑલ્ફ્રેડ હાઈસ્કુલમાંથી સન ૧૯૧૨માં પસાર કરી હતી અને તે પછી ભાવનગરમાં સામળદાસ કૉલેજમાં અભ્યાસ કરી સન ૧૯૧૬માં અંગ્રેજી–સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને બી. એ. થયા હતા.

એમના પ્રિય વિષયો સાહિત્ય અને કળા છે. તેઓ અમદાવાદના વનિતાવિશ્રામમાં લાંબા સમયથી એક શિક્ષક છે. પોતાના ચારિત્ર અને વર્તનથી સંચાલકોનો તેમજ ત્યાં ભણતી બાળાઓનો એમણે ચાહ અને વિશ્વાસ સંપાદન કરેલાં છે. એમ કહી શકાય કે એમના પિતાની પેઠે શિક્ષણના ધંધા માટેનું એમનું કર્ત્તવ્ય–ભાન અને જવાબદારીનો ખ્યાલ, એટલો ઉંચો, તીવ્ર અને દૃઢ છે કે એક ઉત્તમ શિક્ષકના બધા અંશો એમનામાં દૃષ્ટિગોચર થાય છે.

શિક્ષણના વ્યવસાયમાં પરોવાયલા રહેવા છતાં, સાહિત્ય અને કળા પ્રતિ પણ એઓ એટલો જ અનુરાગ ધરાવે છે; અને વિશેષમાં યુવકયુવતીઓનાં વિચાર, લાગણી, અભિલાષ અને આદર્શો સમજવા અને તેમાં ઉંઠા ઉતરવા યત્ન કરી, તેમના માનસને મૂર્ત સ્વરૂપ આપવા પ્રયાસ કરે છે, એ એમના ગીતો અને લેખો વાંચનાર જોઈ શકશે.

એ સંબંધમાં એક વાત અહીં નોંધીશું કે એ અને એમનું મિત્રમંડળ દેશમાં–કાઠિયાવાડમાં સાહિત્ય, કળા અને રસિક જીવનના મનોરમ સ્વપ્નો કુમારાવસ્થામાં સેવતું હતું, તે અમદાવાદમાં આવી વસ્યા પછી, તેમના મનોરથો સિદ્ધ કરવામાં કેટલેક અંશે સફળ થયું છે, એમ એમનું પ્રવૃત્તિકેન્દ્ર ‘કુમાર’ કાર્યાલયમાં થતું કામકાજ સાક્ષી પૂરશે.

નવું અને ઉગતું ગુજરાત કેવી ભાવના અને મનોરથો સેવી રહ્યું છે; તેના આદર્શ અને અભિલાષ શા શા છે, એનું ચિત્ર એમના લેખો અને કાવ્યોમાંથી મળી આવશે અને નવ ગુજરાતના પ્રતિનિધિ કવિ અને લેખક તરીકે એમને ઓળખવામાં એક પ્રકારનું જેમ માન છે, તેમ એમના લખાણની યોગ્ય કસોટી છે.

મહાત્માજી વિષે તેમજ શહીદ જતીન્દ્રનાથદાસ વિષે એમણે બે ખંડ કાવ્યો રચેલાં છે; અને પ્રકીર્ણ કાવ્યો “ગૌરીનાં ગીતો” એ નામથી પ્રકટ થયલાં છે. એમનું ગદ્ય લખાણ, એમના પદ્યની પેઠે ભાવનાભર્યું અને કવિત્વમય છે.

એમનો ગ્રંથઃ

ગૌરીનાં ગીતો ૧૯૨૯