નારીસંપદા : ટૂંકી વાર્તા/વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા
(અધઃપતનની એક કરુણ કથા)
લીલાવતી મુનશી
તા. ૭ મે, ૧૯૨૬
છેવટે આજે હું નાટક કંપનીમાં જોડાઈ અને વનમાળાની વસંતસેના બની ગઈ. સંસાર બદલ્યો, નામ બદલ્યું અને જાણે દેહ પણ બદલાયો. ક્યાં સંસ્કારી માતપિતામાં વિતાવેલું બાલપણ, ક્યાં ગિરીશ સાથે પરણવાના વિચારો અને ક્યાં માતાના મૃત્યુ પછી એ જ પિતાનું બદલાઈ જવું! નવી માનાં પગલાં ન થયાં હોત તો આ જિંદગી મારે કરમે કદી આવતે ખરી? પણ સમાજથી તરછોડાયેલી વિધવા કરતાં નટી થવું શું ખોટું? આ જિંદગીમાં મારાં જેઠ જેવા નરાધમો નથી વસતા અને નિરાધારીનો લાભ લેવાયેલી વિધવાનો ન્યાય કરનાર ધૂતારા ને ઢોંગીઓ નથી જડતા. કંઈ નહીં તો નિરાંતે પેટ તો ભરાશે. પણ આ જિંદગી ફાવશે? પ્રભુ જાણે!
તા. ૮ મે, ૧૯...
ઘણું નવું નવું લાગે છે. મન અકળાય છે ને કંઈ સમજ પડતી નથી. નાટકમાં જોઈએ ત્યારે ખૂબ રૂપાળાં લાગતાં માણસો તે આવાં ! હાય, હાય, મારાથી આ જિંદગીમાં કેમ જિવાશે : એક દુ:ખમાંથી છૂટી અને આ બીજા દુઃખમાં તો નથી સપડાઈ? પાછી નાસી જાઉં' તો? પણ પાછી? પછી હું ખાઉં શું ને મારાં બાળકને અણાય કેમ? અંબા, હિંમત આપજે!
તા. ૧૭ મે, ૧૯...
દસ દિવસ અહીં આવે થઈ ગયા. પણ જાણે દસ ભવ થયા હોય એવું લાગે છે. કંઈ એવું ગૂંગળામણ થાય છે! બધા નટોને મન જાણે હું રસ્તાની ભિખારણ હોઉં એમ તે મારી સામે જુએ છે. મને જે કંઈ શીખવવામાં આવે છે તે પ્રમાણે કરતાંયે મારાથી ગભરાઈ જવાય છે. મારી મશ્કરી કરવાનો તો સૌને જાણે સદર પરવાનો! આખી કંપનીમાં હું ને તરૂબાળા બે સ્ત્રીઓ અને બીજા બધા પુરુષો. મને તરુબાળાની સાથે ઉતારો તો આપ્યો છે, પણ તે મારી સામે મહેરબાની દાખલ પણ જોતી નથી. જાણે હું એક વિચિત્ર જાનવર હોઉં અને એ મોટી મહારાણી હોય! એના કરતાં રૂપ ને અવાજ તો મારાં સારાં છે. કોઈ દહાડો એને પણ હું દેખાડી આપીશ.
પણ મારાથી અહીંયાં રહેવાશે જ કેમ? હું જાણે બજારની બેસનારી હોઉં તેમ નાનેથી તે મોટા સૌને મારી સામે ચાળા ચસ્કા કરવાનો હક્ક! ને તેમાંયે પેલા મુખ્ય નટોથી તો પ્રભુ તોબા. એ જે કહે કે કરે તેની સામે મારાથી અક્ષર સુદ્ધાં બોલાય નહીં.
માલિક પાસે ફરિયાદ કરી તો એ એમની સામેની ફરિયાદ કાને ધરતો નથી; કહે છે કે 'આવી નજીવી ફરિયાદો પર હું ધ્યાન આપું તો આવતીકાલે મારે નાટક કંપની બંધ કરવા વખત આવે. તમારાથી રહેવાય તો રહો, નહીં તો રસ્તો ઉઘાડો છે. મને તો એવું થયું કે તે જ વખતે એના માથામાં મારી નાસી જાઉં. પણ ક્યાં જાઉં? ઓ પરમેશ્વર! હવે તો મને મોત આપ. તું દયાળું હશે તો તે દયા કરી કહેવાશે.
તા. ૩૦ મે, ૧૯...
હજું હું કોઈ ખેલમાં ઊતરી નથી, પણ દિવસે દિવસે મને જરા હિંમત આવે છે. માલિકે બધાંને કંઈ કહ્યું તો હશે જ એટલે કોઈ મારી બહુ છેડછાડ કરતા નથી. બાકી હું પસાર થતી હોઉં, ત્યારે આંખના ઇશારા કરવાનું અને ગાયનની લીટીઓ બોલવાનું સૌને મન થઈ આવે છે. પણ હવે તો હું એનાથીય ટેવાતી જાઉં છું. એ એમની મેળે કરે તેમાં મારે શું ? તરુબાળા હમણાં હમણાં કોઈ કોઈ વાર મારા પર નજર નાખવાની મહેરબાની બતાવે છે. એ જેટલી રૂપાળી રાતે દેખાય છે એટલી દહાડે નથી દેખાતી. ને આખો દિવસ ઓરડીમાં આવે ત્યારથી આરસીમાં જોયા વગર અને ટાપટીપ કર્યા વગર એને બીજો ધંધો જ નથી. હું એના જેવાં કપડાં પહેરું અને એથી દસમાં ભાગની ટાપટીપ કરું તોયે એનાથી હજારગણી સારી દેખાઉં. પણ ગમે તેવી તોયે એ કોણ અને હું કોણ! આટલું દુઃખ નહીં પડયું હોત તો હું વળી અહીંયાં હોત જ શાની!
તા. ૨૦ જુલાઈ, ૧૯...
બે મહિના થઈ ગયા. મારે નવા ખેલમાં ઊતરવાનું છે તેની બધી તૈયારીઓ ચાલે છે. મને ગાયન શીખવવા એક ઉસ્તાદ આવે છે અને મારે આખો દિવસ મારો ભાગ ગોખી ગોખીને મોઢે કરવાને હોય છે. મુખ્ય નટની પાસે મારે અભિનય શીખવા જવું પડે છે. એની પાસે જતાં મને ખરેખર બીક લાગે છે. બાકી મારે નસીબે ઉસ્તાદ તો ઘરડા મળ્યા છે. જ્યારથી એની પાસે જવા માંડયું ત્યારથી તરુબાળા કોઈવાર એની આજેલી આંખ અને રંગેલા હોઠ પર હસવું આણીને કહે છે : 'ચાલ, હવે તું જરા સીધી થશે ખરી!' મને જાણે ધિક્કારતી હોય તેમ કોઈ દિવસ એણે મારાં તરફ ભાવ બતાવ્યો નથી. પણ બળ્યું, મને એ શીખવે એવા અભિનય કરતાં તો જરા શરમ આવે છે. મારી ઓરડીમાં એકલી એકલી હોઉં ત્યારે તો આરસી સામે જોઈને જે કરું તે બધુંયે થાય છે. પણુ શંકરની સામે મારાંથી કંઈ જ થતું નથી ને શરીરને ગમે તેમ વાળવામાં અને અભિનય કરવામાં તો અંતરનો ઉલ્લાસ જોઈએ. હું દુ:ખિયારી તે ક્યાંથી લાવું?
તા. ૩૧ જુલાઈ, ૧૯...
આજે તરુબાળા રડતી રડતી ઓરડીમાં આવી, ને લૂગડાં જેમ તેમ ફેંકી એ પથારીમાં પડી. હું એને સાંત્વન આપવા જાઉં તો એને ગમશે કે નહીં તેનો મને વિચાર આવ્યો. પણ પછી પાણીનું જામ લઈ હું એની પાસે ગઈ ને માથે હાથ મૂકી તેના મોં આગળ વગર બોલે તે ધર્યું. બીજી કોઈ વખત હોત તો એ જરૂર મારો હાથ તરછોડી નાખતે, પણ આજ તો આંખો ઉઘાડી એ મારાં સામે થોડી વાર જોઈ રહી, અને વગર બોલે બેઠાં થઈ પાણી પીધું. મેં એનો વાંસો પંપાળ્યા કીધો. થોડીવારે જાણે કંઈ વિચાર આવ્યો હોય તેમ મારી સામે એણે ડોળા કાઢીને જોયું અને એકદમ પૂછ્યું : ‘તું અહીંયાં કેમ આવી?' પહેલાં તો મને એના પ્રશ્નની કંઈ સમજ પડી નહીં; પણ થોડીવારે મેં જવાબ આપ્યો: ' પેટ ભરવા.' જાણે મારો જવાબ એને ગમ્યો નહીં હોય તેમ એ માથે મોઢે ઓઢીને ફરી પાછી સૂઈ ગઈ. બીજું કંઈ કરવાનું નહોતું એટલે હું પણ મારાં ખાટલા પર જઈ પડી. આ તરુબાળા તરંગી બહુ છે. મને એમ લાગ્યું કે એ જરૂર આજે તો મારી સાથે સારી રીતે વાત કરશે. અહીં મને એટલું એકાંત લાગે છે કે માત્ર મહેરબાની દાખલ પણ મારી સાથે એ વાત કરે તો સારું' થાય. અરે પરમેશ્વર! હું કોણ અને ક્યાં આવી? મારી આવી દશા કરવી હતી તો મને કોઈ હલકાં કુળમાં જ અવતાર કેમ નહીં આપ્યો?
તા. ૫ ઓગસ્ટ, ૧૯....
હાય હાય, માડી! મારાંથી અહીંયાં કેમ રહેવાશે? મારો પાર્ટ શંકરની પત્ની તરીકેનો છે ને આજે એણે મને શીખવવા માંડ્યું ત્યારે...હાય હાય, શરમથી મારાથી ઊંચુંયે નથી જોવાતું. મારે આ એક ભવમાં કેટલા ભવ કરવાના હશે? અરે પરમેશ્વર! મારી અધોગતિ કરવા જ તેં મને સરજાવી છે? કેટલાંય પગથિયાં તો તેં મને નીચે ગગડાવી. હવે શું તારે મને ખાઈમાં જ ફેંકી દેવી છે?
તા. ૬ ઓગસ્ટ, ૧૯.......
મેં માલિકને કહ્યું: ‘મારાથી આવો પાર્ટ તો નહીં થાય. મને બીજો કંઈ પાર્ટ કરવાનો આપો તે હું કરીશ.' પણ તેના જવાબથી તો મારું લોહી જ ઠરી ગયું. 'અમે કંઈ સ્ત્રી એકટરોને સાહેલી કે નટી થવા માટે રાખતાં નથી, પણ વરવહુના સીનો માટે જ રાખીએ છીએ. દરેક નાટકમાં તમારે એ પાર્ટ તો આપવાનો; ન પરવડે તો તમારું એગ્રીમેન્ટ પૂરું થાય ત્યારે ચાલ્યાં જજો. અત્યારે જવું હોય તો તમારી પાછળ ખરચેલા પૈસા પાછા આપી દો એટલે રસ્તો ઉઘાડો છે.' તરુબાળા કહે છે કે ‘આ ઉત્તર તો સારામાં સારો છે. નહીં તો...’ પણ એ વાક્ય પૂરું કર્યા વગર હસતી હસતી તે મિજાજમાં ચાલી ગઈ. થોડીવારે એ પાછી આવી ને હું ખાટલા પર રડતી રડતી પડી હતી ત્યાં મારા પગ પાસે આવીને બેઠી, થોડીવાર સુધી તો એ કંઈ બોલી નહીં; પણ પછી એણે પૂછ્યું : 'તું આવડી મોટી સતી હતી ત્યારે અહીં નાટકમાં નોકરી કરવા શું કામ આવી?' મારું અંતર ભરાઈ રહ્યું હતું. ઘણા દિવસથી મને માણુસ ગણીને કોઈએ મારી સાથે વાત કરી નહોતી. મારા દુઃખના ભારથી મારાથી બોલવા ખાતર-અકળામણ કાઢવા ખાતર-બોલી જવાયું. મેં એને ટૂંકાણમાં મારી બધી હકીકત કહી. ઘણે દિવસે મારી જિંદગી વિશે તરુબાળા પાસે વાત કરવાથી કે કોણ જાણે પણ હજુયે મારા મનમાં એની એ વાત ઘોળાય છે. અરેરે ! કોણ માબાપનું હું સંતાન અને અત્યારે પાપી પેટ ભરવા કાજે મારે શું શું કરવું પડે છે! બા મરી નહીં ગઈ હોત અને ગિરીશ સાથે મને પરણાવી હોત તો મારી આ દશા કદી થાત? અરે! મારે નસીબે મારો ગરીબડો વર પણ છાજ્યો નહીં અને મને નિરાધાર મૂકીને મરી ગયો. પણ મારી આ દશા થવામાં ખરેખર મારે કંઈ વાંક છે? મારાં નરાધમ જેઠે મારું સત્યાનાશ વાળ્યું અને વગર વાંકે સાસરે પિયેર કોઈ સંઘરે નહીં એમ રખડતી કીધી. અમદાવાદનું અનાથાશ્રમ ન હોત તો અત્યારે મારાં જીવવાનાંયે ઠેકાણાં હોત શાનાં ?
મેં મારી વાત કહી. પછી તરુબાળા ત્યાં વધારે વાર બેઠાં વગર એકદમ ઊઠીને ચાલી ગઈ. મારાં દુઃખથી હું એ વખતે એટલી ગ્રસ્ત હતી કે મને એ ગઈ તેની પણ ખબર પડી નહીં. પણ જરૂર એ શંકર પાસે જઈ મારી વાત કરતી કરતી હસતી હશે. ઓ પરમેશ્વર! નોંધારાના આધાર! તું મને જરૂર આમાંથી બચાવજે. મેં જાણીજોઈને કોઈ પાપ જિંદગીમાં કર્યું નથી ને હવે કરવાની મારી પ્રતિ નથી. તું કૃપાનો સાગર છે. મને માત્ર બે વખત અન્ન અને શરીર ઢાંકવા વસ્ત્ર જેટલું મેળવી આપશે તો મારે બીજું કંઈ આ અવતારમાં જોઈતું નથી. દીનદયાળ! તારે આશરે મારું જીવન છે. મારાં દુઃખમાં તું મને છોડતો નહીં.
તા. ૭ ઓગસ્ટ, ૧૯......
ગઈકાલની પ્રાર્થનાને લીધે મારાંમાં આજે વધારે બળ હતું. શંકર પાસે ગઈ ત્યારે દૃઢ મને એણે જેમ શીખવ્યું તેમ બધું કર્યું. અને એણે પણ આજે શીખવવા ઉપરાંત પોતાની વતીનું કંઈપણ કર્યું નહીં.
તા. ૮ ઓગસ્ટ, ૧૯.......}}
હું આ બધું કરું છું તે ઠીક કરું છું? આ નાટકની નોકરી અને આવા હલકા વર્ગની સાથે આમ સંસર્ગમાં આવવાનું મને શોભે છે? કોઈ કોઈ વાર તો મને મારી જાત પર કમકમાટી આવે છે.
પણ હું શું કરું? પતિતા ગણીને મને રંધવારી કે વાસણ માંજનારીની નોકરી આપવાની કૃપા સુદ્ધાં કોઈએ દર્શાવી નહીં; તો મહેતીજી કરી ગામનાં છોકરાં તો મને શાના જ સોંપે? જ્યાં કૃપા દેખાઈ ત્યાં ભૂખ્યા વરૂની માફક મને ખાઈ જવાની જ બધાની દાનત હતી. દેવ કે દાનવ કે માનવ-કોઈ મારી રક્ષા કરવા બહાર નહીં આવ્યું.
મુંબઈ આવી ત્યારે પણ કોઈ સારી નોકરી શોધી કાઢવાની આશાએ હું દોરવાઈ. મુંબઈ સિવાય મને બીજું કેણુ સમાવે એવું હતું? પણ અહીં આવીને શું જોયું? આવડાં મોટા સમુદ્ર જેવડા શહેરમાંયે મારે માટે તો ભિખારીનો જ સાથ હતો અને લોકોનાં દષ્ટિપાતો ખમવાના હતાં. પાડ પ્રભુનો કે પેલી શારદાની માફક હું કોઈ ઠેકાણે ફસાઈ નહીં ગઈ, નહીં તો એવા નર્કમાંથી તો જીવતાયે બહાર નીકળવાનો આરો નહોતો. આ મુંબઈમાં જે જાતનાં દુ:ખ મેં સહ્યાં છે તેવાં તો કોઈ દુશ્મનને પણ દેખવા વખત આવશે નહીં! વખતસર આ નાટકની નોકરી મળી નહીં હોત તો દરિયામાં જ પડવાનો વખત હતો.
પણ ત્યારે મારા દિલમાં આ અરેરાટ શાનો થાય છે? મને અહીં કોઈ અડકે તો મારો જીવ જાય છે. મેં જાણીજોઈને પારકા પુરુષનો સ્પર્શ કદી કર્યો નથી. મારાં જેઠે પણ મારી અસહાયતાનો લાભ લઈ જોરજુલમે જ કીધેલા એવા પાપમાં મારું મન જાણી જોઈને ગયું નથી. અને હવે તો એ બધુંયે મારી સામે જિંદગી સુધીને માટે આવીને ઊભું રહ્યું છે. ઓરે ! હવે મારું શું થશે?
મને આમ રડવું કેમ આવે છે? રડે કંઈ આ દુઃખ મટવાનું છે? વનમાળા! તું હવે જરા બહાદુર થતાં શીખ. આમ ધ્રુસકાં ખાધે તારું દુઃખ નહીં મટે.
તા. ૨૭ ઓગસ્ટ, ૧૯......
ઘર છોડયા પછીની થોડા વખતની જિંદગીની સાથે સરખાવતાં હમણાં હું જરા વધારે નિરાંતે રહું છું ને તેથી મારી તબિયત પણ પાછી હતી એવી થતી જાય છે. હું વિધવા, પણ જ્યારે એકટીંગ શીખવા માટે સૌભાગ્યવતીનો શણગાર ધરી, કાલે આરસી આગળ ઊભી રહી ત્યારે મારી જાત જાણે તદ્દન જુદી જ થઈ ગઈ હોય એવું મને લાગ્યું. હું સ્ટેજ પર આવીશ ત્યારે તરુબાળા કરતાં જરૂર સરસ દેખાઈશ. તરુબાળાએ મને કાલે જોઈ ત્યારે એની આંખમાં જ કેટલી અદેખાઈ દેખાતી હતી! ને હું જતી હતી ત્યારે બીજા નટો પણ જોઈ જ રહ્યા. પણ મને એક પેલા શંકરીઆની બીક લાગે છે. એની પાસે ગઈ ત્યારે એણે એક એવી નજર મારાં પર નાખી કે મારો બધો ઊત્સાહ સુકાઈ ગયો. એણે એક વાર મારાં કાનમાં કહ્યું: 'ખોટા નાટકને બદલે આપણે ખરો પાર્ટ ભજવ્યો હોય તો કેવું?' મારી આંખમાંનો ભય એણે જોયો જ હશે એટલે કંઈ વધારે બોલ્યા વગર એ ખસી ગયો. ઓરડીમાં તરુબાળા આવી ત્યારે એનો મિજાજ ઠેકાણે નહોતો. મેં એને ‘માથું દુખે છે?' એમ પૂછ્યું, પણ એ તો બે-ચાર છણકા કરી પથારીમાં મોઢું ઢાંકી સૂઈ ગઈ. મેં પણ એને વધારે બોલાવી નહીં. કોણ જાણે કેમ મને રૂપાળાં દેખાવું ગમે છે, ને સુંદર કપડાં પહેરવાથી એક જાતનો આનંદ થાય છે. મારી આખી જિંદગીમાં મેં ભાગ્યે જ મનપસંદ કપડાં, મારી મરજી પ્રમાણે, પહેર્યાં હોય. ને પછી તો અવતાર બળી ગયો, પણ દુનિયાની બધી સ્ત્રીઓ લટકમટક ફરે તો હું શા માટે ન કરું? શું મારાં વરને મેં મારી નાખ્યો હતો?
તા. ૫ સપ્ટેમ્બર, ૧૯...
અમદાવાદના અનાથાશ્રમમાંથી ખબર આવી કે મારો છોકરો મરી ગયો. મારી પાછલી જિંદગીનુ જિંદગી સાથે જડાયેલું એકનું એક સંભારણું પણ ગયું અને તેનાથી હું સદાની છૂટ્ટી. ચાલો નિરાંત થઈ મને તેનો શોક કે દુઃખ કંઈ નથી. એને પગલે હું ઘરબાર વગરની ભટકતી અને દુઃખી દુઃખી થઈ ગઈ. મેં એને આ જિંદગીમાં આમંત્ર્યો નહોતો, પણ જાણે હું જ જવાબદાર હોઉં તેમ મને ઘર કે દુનિયા કોઈએ સંઘરી નહીં. હું જાણે અસ્પર્શ્ય હોઉં તેમ કોઈએ પોતાના ઘરમાં નોકરી આપવા લાયક પણ મને ગણી નહીં. જેણે કોઈ દિવસ ઘર બહાર પગ નહોતો મૂક્યો તેને બાવા સંન્યાસીઓ ને ભિખારીનાં ટોળામાં રાત ને દિવસ કાઢવા પડયાં અને નોકરીની શોધમાં લોકોનાં બારણાં ઠોકવા પડયાં. આ નાટકની નોકરી વખતસર ન મળી હોત તો આત્મઘાત કરવાનો એક જ આરો હતો. પણ મારાંથી આમ રડી કેમ પડાય છે? એ બાળક જીયું હોત તો? આ એકલી દુનિયામાં કોઈ દિવસ એને લઈ ને કોઈ ખૂણે જઈને રહેત તો શાંતિ મળત કે નહીં ? એ માત્ર મને... મને જ ચાહત અને ઘડપણમાં એને જોઈને હું આંખો ઠારત. હુંયે કેવી ગાંડી છું! આવા છોકરા વળી પાળતા હશે ને ઠારતા હશે શા સારુ મારે એવા પાપનું ફળ જોઈએ?
એનો વિચાર મારે ફરી કદી કરવો નથી.
તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯...
શંકર તરુબાળાની સાથે જ્યારે વખત મળે ત્યારે વાતો કરતો - બેઠેલો જ હોય. બંને એકબીજાની મશ્કરી અને અટકચાળા કર્યો કરે છે, ને હું જતી હોઉં ત્યારે મારાં સામે જોઈ કંઈ આંખના ઈશારા કરી મને બનાવતાં હોય એમ બને જણાં હસે છે. મારું ચાલે તો બંનેને એક એક તમાચો ચોડી કાઢું. પણ આખી કંપનીમાં શંકર સૌનો સરદાર હોય તેમ કોઈ એને કંઈ કહી શકતું નથી. અને માલિક પણ તેની આગળ જાણે શંકર માલિક હોય અને પોતે નોકર હોય તેમ વર્તે છે. હું એની સાથે તકરાર કરું તો મારાંથી એક ક્ષણ ૫ણ આ કંપનીમાં ટકાય નહીં. તરુબાળા દારૂ પીએ છે તે તો મેં કાલે જ જાણ્યું. નાટક ખલાસ થયા પછી એ એક કલાકે ઓરડીમાં આવી ત્યારે એના પગ લથડતાં હતાં અને શરીરનુંયે ઠેકાણું નહોતું. મોં પરથી રંગ પણ એણે કાઢી નહોતો નાખ્યો. મને ઊઠીને એને પાણી પાઈ સુવાડવાનું મન થયું. પણ એનો સ્વભાવ એવો ખરાબ છે કે નકામી એ ગુસ્સે થાય એમ જાણી, મોં ઢાંકી, ઝીણા કાણામાંથી જોતી હું પડી જ રહી. એની આંખો તો વિકરાળ અને મોટી મોટી થઈ ગઈ હતી. મને તો એને જોઈને જ બીક લાગતી હતી. પણ એ તો થોડીવારે પથારીમાં પડીને સૂઈ ગઈ અને ભાન ન હોય તેમ જરા વારે ઊંઘમાં પડી. હાય હાય, બૈરી દારૂ પીએ? આ નાટકશાળામાં તો જાણે કંઈ જુદી જ જાતની દુનિયા લાગે છે! મને છેક પાંચ વાગતાં સુધી ઊંઘ આવી નહીં, ને તરુબાળા તો બીજે દિવસે બપોરે છેક બાર વાગે ઊઠી.
તા. ૧૯ સપ્ટેમ્બર, ૧૯...
હવે હું નવા નાટકના રીહર્સલમાં પણ ભાગ લઉં છું. મારાંથી હજુ બરાબર એકટીંગ નથી થતી પણ ગવાય છે સારું. મને જો થોડીક ઓછી ગભરામણ થતી હોય તો તો વખતે વધારે સારું થઈ શકે; પણ હજુ પણ મારાંથી આ લોકોથી ટેવાવાતું નથી. અને બીજા બધા એકટરો કેાઈવાર તો જાણે વિચિત્ર અને જનાવર જેવા દેખાય છે. તેમાંયે પેલા ટીચકુડા છોકરાઓ જ્યારે ચાળા કરે છે ત્યારે તો પ્રભુ તોબા. નર્યા એવા ગંદા ને ગંધાતા હોય છે કે એમને જોઈનેય ઊલટી થાય. ને એવડા છોકરાઓને મારાં જેવડી મોટી સ્ત્રીની મશ્કરી કરવાનો હક્ક! એ જે બોલતા હશે તેનું એમનેય ભાન હશે ખરું? પણ કાલે મેં જરા ઠીક કર્યું અને માલિક પણ જરા ખુશ થયેલા દેખાયા.
તા. ૨૧ સપ્ટેમ્બર, ૧૯...
પેલા નવા કવિરાજ તો બહુ લહેરી લાગે છે. એ નાટકે લખી જાણે છે ને નટો જોડે રમીયે જાણે છે. એમની મહેરબાની પહેલાં તરુબાળા ઉપર હતી, પણ હમણાંથી મારી તરફ દેખાય છે. એમના નાટકમાં બાપાજી જેને ભાવનાઓ કહેતા એવું કશુંય દેખાતું નથી. વાંકી ટોપી, છૂટો કોટ અને પાન ચાવતા ચાવતા આવે છે ત્યારે તે એવા લાગે છે કે જાણે લહેરીઓના સરદાર! બાપાજી તો એવા કોઈને ઘરમાં પણ ન પેસવા દે. આ મગજમાંથી ભાવનાઓ ને નીતિબોધ ક્યાંથી આવતાં હશે?
તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯...
આજે મેં મારો પાર્ટ સરસ કર્યો. માલિક ઊઠીને મારી પાસે આવ્યા અને બોલ્યા: ' મિસ વસંતસેના! આ નાટક જરૂર તમારાંથી દીપશે.' મને ખૂબ હર્ષ થયો પણ સાથે મારાંથી રડી પડાયું. મેં ઊંચું જોયું ત્યારે તરુબાળાની આંખમાંથી અગ્નિ વરસતો હતો. અને શંકર પણ એની સાથે વાત કરતો, પણ મારી તરફ પ્રશંસાની નજરે જોયા વિના એનાથી રહેવાતું નહીં. શંકર આમ ગમે તેવો હોય પણ એના જેવી અભિનયની ખૂબી તો ભાગ્યે જ કોઈ નટમાં હશે. એનાં વખાણ પામવાં એ કંઈ જેવું તેવું ન કહેવાય. જેમ જેમ રોજ એની સાથે હું સંસર્ગમાં આવું છું તેમ તેમ એની ખૂબીઓ મને વધારે ને વધારે દેખાય છે. એ જરાક વધારે સારો હોય તો તો હું દેખાડી આપું કે પેલી તરુબાળા કરતાં મારામાં કંઈક વધારે છે. મેં ધારી હતી તેથી આ જિંદગી કંઈ બહુ ખરાબ નથી. અને હવે તો બધાંય મારી સાથે સારી રીતે વર્તે છે. પેલો પ્રાણજીવન, જે વિદૂષક થઈથઈને વિદૂષક જેવો જ બની ગયો છે, તેય હવે તો મને માનથી બોલાવે છે. એના પર અને શંકર પર આખું મુંબઈ ફિદા છે. પણ એક દિવસ એવોય આવશે કે એ બંને કરતાં હું આગળ વધીશ; તરુબાળા તો કશા હિસાબમાં જ નહીં રહે. તરુબાળા એકટીંગ તો ઠીક કરે છે અને ગાય છે પણ સારું. પણ એના ગાલમાં ખાડા પડી ગયા છે અને આંખોમાં કૃત્રિમતા પેસી ગઈ છે; એ જોઈએ તે કરતાં ઘણું વધારે કરે છે. નાટક ચાલતું હોય ત્યારે હું વીંગમાં બેસીને બધાને જોઉં છું. સૌથી શંકર સરસ. મને પણ હવે તો નાટકનું ગાંડુ લાગ્યું છે, અને રાત ક્યારે પડે એમ થાય છે. મારો વારો ક્યારે આવશે!
તા. ૨૯ સપ્ટેમ્બર, ૧૯...
આજે બપોરે રીહર્સલ ચાલતું હતું ત્યારે હું કંઈ કારણસર અંદર ગઈ અને આવતી વખતે શંકર ને હું સામસામાં થઈ ગયા. સૌ આગળ હતાં અને એટલામાં કોઈ હતું જ નહીં. હું એના સામે જોયા વિના ચાલી જતી હતી એટલામાં હાય હાય મને લખતાંય કંપારી આવે છે. હું બળ કરી એના હાથમાંથી છૂટીને બેઠી પણ મારાં મગજમાં ચક્કર આવતાં હતાં. હું સીધી મારી ઓરડીમાં ગઈ અને પથારીમાં પડી. મારું હૈયું ધડકતું હતું અને લોહી જોરમાં ફરવા માંડયું હતું. મારાં જેઠે હોઠ સ્પર્શ્યા હતા તે દિવસ કરતાંય આજ કંઈક વધારે થયું. તે વખતે હું બાળક હતી અને ભયથી બેભાન જેવી થઈ ગઈ હતી. આજે પણ ભય તો હતો જ, પણ મેં સર્જેલો. મેં એને દેવાય તેટલા શાપ દીધા. થોડીવારે હું મોં ધોઈને પાછી ગઈ ત્યારે શંકર, કંઈ બન્યું ન હોય તેમ, સ્વસ્થતાથી એની જગા પર બેઠો હતો. મારે કંઈ તે વખતે કરવાનું નહોતું એટલે મારી ગેરહાજરી જણાઈ નહોતી. તરુબાળા કાગડી જેવી કંઈ ચેતી ગઈ હતી અને વારંવાર મારાં ને શંકરના સામે વારા ફરતી જોયાં કરતી હતી. અત્યારે લખતી વખતે પણ બપોરની એ વાત યાદ આવે છે. અને મને કંઈ કંઈ થઈ જાય છે. પણ ખરું કહું તો મેં ધાર્યું હતું તેવું કંઈ આ થતું નથી. મને શંકર પર ખૂબ ક્રોધ ચઢયો છે, પણ કોણ જાણે કેમ એક પ્રકારની સુખદ લાગણી મારા અંતરમાં વ્યાપી રહી છે, ને એના પરનો ક્રોધ પણ ઓસરી જતો દેખાય છે. વનમાળા, સાવધાન! તને એકવાર શાં દુઃખ પડયાં તે ખબર છે? ભૂલ કરવાની વૃત્તિ વગર થયેલી એક ભૂલે તું ઘરબાર વગરની રસ્તે રખડતી ભિખારણ થઈ. હવે જો ભૂલી તો તારો કોઈ આશરો નથી. ઓ મારી માડી! મને રક્ષવાને તું કેમ જીવી નહીં? તું જીવી હોત ને બાપા બદલાયા નહીં હોત, ને હું ગિરીશને પરણી હોત તો મારે કર્મે આ દિવસો ન આવત! તારી નિર્ભાગી દીકરીની દશા જોઈ તને સ્વર્ગમાં આંસુ આવતાં હશે. માડી મારી! મને રક્ષજે અને આ પાપપંકમાં પડતી બચાવજે! મા! તને સંભાર્યાથી મારું હૈયું હળવું થાય છે. મારી પ્રાર્થનાના અક્ષર આ કાગળ પર પડે છે તેમને જોઈને મારામાં એક પ્રકારનું બળ આવે છે. માડી! તારું સાન્નિધ્ય હું અનુભવું છું. તું મને રક્ષશે જ અને મારી સૌ મલિન મતિઓને ઉખેડી કાઢશે.
તા. ૮ ઓકટોબર, ૧૯...
નવો નાટક પડવાને હવે અઠવાડિયું જ રહ્યું. હમણાં તો ધમધોકાર તૈયારીઓ ચાલે છે ને કોઈને એક મિનિટની પણ ફુરસદ નથી. મારો પાર્ટ મુખ્ય નાયિકાનો છે. મારે માટે કરાવેલાં કપડાં અતિ સુંદર છે. એ જોઈને જ મારું મન અવર્ણનીય આનંદથી ઉભરાય છે, અને એ પહેરીને હું સ્ટેજ પર આવીશ ત્યારે કેવી દેખાઈશ તેનાં જ સ્વપ્નો મને આવ્યાં કરે છે. આટલાં બધાં દુઃખ છતાં મારી તબિયત હમણાં સરસ થઈ છે, અને આરસીમાં મારું મુખ નીરખતાં મારાંથી હસી દેવાય છે. આ રૂપ શાને માટે? ભલે કશાને માટે ન હોય, પણ હંમેશા જ આવી સુંદર રહેવાનો હું પ્રયત્ન કરીશ. મારાં મનને તેથી આનંદ થાય તો તેમ કરવામાં ખોટું શું? કાલે ગ્રાન્ડ રીહર્સલ છે.
તા. ૧૩ એકટોબર, ૧૯...
આજ ગ્રાન્ડ રીહર્સલ હતું. પેલાં કપડાં મેં પહેર્યાં, અને જરા પાઉડર અને રંગની છાંટથી મારું મોં એવું બદલાઈ ગયું કે મેં આરસામાં જોયું ત્યારે મારું અંતર ધડક ધડક થતું હતું. હું ભાગ્યે જ પંદર વર્ષની લાગતી હોઈશ. હું સ્ટેજ પર ગઈ ત્યારે નટો અને જોનારાંઓ થોડીવાર તો મને જ જોઈ રહ્યાં હતાં. શંકર મને પડદા પાછળ મળ્યો. મને જોઈને એકદમ તે થોભી ગયો અને મારો હાથ પકડી મને જતી અટકાવી. મેં હાથ છોડાવવાનું કર્યું પણ તેણે છોડ્યો નહીં. ‘મને ખબર નહીં સેના, કે તું આવી સરસ લાગશે. મને યોગ્ય જ પ્રિયા મળી છે,' એમ કહી હસતો હસતો તે જતો રહ્યો. શંકર સાથે પાર્ટ શીખી શીખીને એ મને અડે તેની સૂગ હવે જતી રહી છે. આ ધંધામાં પુરુષોને અડક્યા વગર તો ચાલે જ કેમ? અને હવે કંઈ પાછા જવાય એવું તો થોડું છે? મારી સુંદરતાના ભાનથી કે કોણ જાણે શાથી મારાંથી આજે સરસ પાર્ટ થયો. તરુબાળા સિવાય સૌએ મારાં ખૂબ જ વખાણ કર્યાં. શંકર તો જાણે હું એની ખરેખરી જ સ્ત્રી હોઉં એમ ફુલાતો; અને પ્રાણજીવને પણ આ ધંધામાં મારું ચઢતું ભવિષ્ય ભાખી આપ્યું. અત્યારે થાકી જવાયું છે. આજે થયું તેવું જ ખરેખરા નાટકને દિવસે થશે? જાહેરખબરમાં અત્યારથી મારાં ખૂબ વર્ણનો આવવા માંડયાં છે. મારાંથી એ સાર્થક થાય તો સારું ! આ તરુબાળાનું મેં શું બગાડયું છે? મારી સાથે ભાગ્યે જ એ અક્ષરે બોલે છે.
તા. ૨૪ ઓક્ટોબર, ૧૯...
માલિકને કંઈ ખામી લાગી એટલે ફરી પાછાં બે-ત્રણ રીહર્સલ થઈ ગયાં. મારું ધ્રૂજતું હદય માત્ર કાલની જ વાટ જુએ છે. કાલ કેવી ઊગશે? મારાંથી આ કામ પાર ઉતારાશે?
તા. ૨૫ ઓકટોબર, ૧૯...
પાસ, પાસ, હું પાસ! લોકોની તાળીઓનાં અવાજ હજુ મારાં કાનમાંથી ખસતાં નથી. બધું સુંદર સ્વપ્નું હોય તેમ પૂરું થઈ ગયું. પરોઢ પડી ગયું પણ મારી આંખોમાં ઊંઘ નથી. હું માત્ર લોકોની મેદની અને રંગભૂમિના પડદા જ જોયા કરું છું. ખરેખર ! મારાંમાં એવું કંઈ છે કે આ બધાં મને વખાણે? મને કીર્તિ મળશે, પૈસા મળશે અને પછી હું સમાજે હાંકી કાઢેલી ભિખારણ નહીં પણ તેના મન પર રાજ્ય ચલાવનારી રાણી થઈશ. મને જોઈ એમની સ્ત્રીઓ મારાં જેવી થવાં મથશે, મારી ચાલ શીખશે. મારી છટા જોઈ તેઓ છટાદાર થશે. મારાં જેવા દેખાવામાં તેઓ ગૌરવ સમજશે. અને આ બધું પેલાં લોકોએ ત્યજેલી વનમાળાથી થશે. વનમાળા શાની? તે તો મરી ગઈ. વસંતસેનાથી થશે ! આજથી જે દુનિયામાં હું જન્મી હતી તેની સાથેનો મારો સંબંધ રજેરજ તૂટી ગયો. હું હવે કોઈ નહીં; કોઈની નહીં. મારે હવે કોઈની પરવા નહીં. હું એટલે હવે હું જ; મારી જાત જ. તેને હું ગમે તે કરું; હવે કોનો શિક્ષા કરવાનો હક છે? મારી માડી! તું જીવતી હોત તો મારો વિજય જોઈને તું કેટલી ખુશી થતે! ના, પણ તું ખુશી શાની થતે? તું હોત તો મારે આ જિંદગી આવતે જ શાની? સારું જ થયું કે તું નથી, નહીં તો આજનો દહાડો કદી આવતે નહીં. કડવાશ ને નિરાશા આજ કંઈ સાંભરતાં નથી. અપમાન અને નિરાધારી પણ નથી સાંભરતાં. અત્યારે માત્ર એક જ વસ્તુ હું જોઈ શકું છું: વિજય અને તેની પરંપરા! વિજય! વિજય! વિજય! હવે તો સવાર પડવા આવી. આ ઉન્માદ ભૂલી ઊંઘી જવાય તો સારું, નહીં તો આજ દિવસના ખેલમાં બગાસાં આવશે. નિદ્રા, નિદ્રા, વિજયની નિદ્રા!
તા. ૨૭ ઓકટોબર, ૧૯...
હું કાલે શંકરની થઈ ચૂકી. કોણ જાણે એ કેમ થયું. થયાં પહેલા મને જે બીક હતી તે હવે તદ્દન જતી રહી છે. પહેલાંના સંકલ્પ - વિકલ્પો પણ કંઈ થતાં નથી. પણ હજુ મને સમજ નથી પડતી કે એ કેમ થયું? શનિ અને રવિના સામટા પ્રવાસથી કાલે રાત્રે હું ખૂબ થાકી ગઈ હતી. આટલા વિજય પછી એકલાં ઓરડીમાં જતાંયે કંઈ ગૂંગળામણ થતું હતું. મને થતું કે કોઈ મને તે વખતે હયા સરસી રાખી મારો ભાર હલકો કરે! શંકર તે જ વખતે આવ્યો. મારો થાક ઉતારવા એણે કંઈક દવા કાઢી આપી તે મેં પીધી. અને થોડી વારે એ મને બાળકની માફક દોરી ગયો. હું જ્યારે ભાનમાં ન હોઉં ત્યારે એની સાથે પાર્ટ કરી કરીને એ મારો પતિ હોય એવું એવું મને લાગતું જાય છે. કેટલાક દિવસથી મને એના જ સ્વપ્નો આવવા માંડયાં હતાં. માત્ર જાગ્રત અવસ્થામાં મારાં સંસ્કારો એનો તિરસ્કાર કરાવતાં. હવે તો તે પણ નથી રહ્યું. શા માટે હું તેનો તિરસ્કાર કરું? જે દુનિયાએ મને વિજય અપાવ્યો તે દુનિયાના જેવી જ થઈને રહું તો શું? મારે હવે પહેલાંની દુનિયા સાથે શો સંબંધ? મને એણે રખડતી મૂકી, પાપ વિનાના મારા મનમાં એણે પાપનાં બીજ રોપ્યાં, વગર વાંકે મને પતિત કરી. તેમના ધારાને અનુસરવા હું શા માટે બંધાયેલી? પણ હું શંકરને કંઈ ખાસ ચાહતી નથી. એની પાસે જવાનું મને મન થાય છે છતાં એની પાસે હોઉં ત્યારે એક પ્રકારની ઘૃણા પણ મનમાં થાય છે. મારો દેહ એનાથી આકર્ષાય છે; મારો આત્મા એનાથી દૂર નાસવાનું કરે છે. પણ એ અને હું હવે તો જડાયાં. એનામાં કંઈક એવું છે કે હું એને ગમે તેટલો ધિક્કારું છતાં દારૂડિયાની માફક મારાંથી એની પાસે ગયા વિના નહીં ચાલે.
તા. ૩૦ નવેમ્બર, ૧૯...
આજ કેટલાં દિવસે ડાયરી લખવાનું હું હાથમાં લઉં છું. મારું અંતર ખાલી કરવા પહેલાં મારાંથી લખ્યાં વગર રહેવાતું નહીં. હવે મને ડાયરી હાથમાં લેતાંય બીક લાગે છે. હવેના જીવનમાં જે જે થાય છે તે બધું હું લખું! દિવસે દિવસે મારું અધઃપતન એવું થાય છે કે તે જોતાં અને નોંધતાંય મને કંપારી આવે છે. આ બધું ભૂલવાને શરાબનો એક જ આશરો મારે માટે રહ્યો છે. તરુબાળા હવે પહેલાંની જેમ મારી સાથે અતડી રહેતી નથી. એ ને હું લગભગ એક જ કોટિનાં થયાં છીએ અને શંકરને મન પણ એ અને હું સરખાં જ છીએ; એની મરજી પડે તેને એ બોલાવી શકે છે! મને તરુબાળાની જરા પણ અદેખાઈ નથી થતી. શા માટે થાય? હું શંકરને ચાહતી નથી; ખરું કહું તો મારાં ઊંડા અંતરથી એને ધિક્કારું છું. એની એક પ્રકારની સત્તા મારાં પર ચાલે છે અને યંત્રની માફક એની આજ્ઞાને હું અનુસરું છું. પણ કોઈ અંધારી રાતે એ ઊંઘતો હોય ત્યારે એ એવો બેડોળ ને ભયંકર મારી નજરે દેખાય છે કે એનું ગળું દાબી નાખવાનું મને મન થઈ આવે છે. આ બધું લખતાં લખતાં તો ગાંડા થઈ જવાશે. શરાબ... શરાબ !
તા. ૧૭ જાન્યુઆરી, ૧૯...
નવો ખેલ પડયો. આ ખેલમાં પહેલાં કરતાંય હું વધારે પંકાઈ છું. પણ કીર્તિથી પહેલાંના જેવા આનંદના ઓઘ હવે મારા અંતરમાં ઊછળતાં નથી. માત્ર દર દિવસે, થોડાં પૈસાદાર મૂર્ખાઓની ભેટા અને ચિઠ્ઠીઓથી મારો ઓરડો વધારે ને વધારે ભરાતો જાય છે. ઘણી વાર આવા વાંદરાઓ મને મળવા પણ આવે છે; મારી જોઈએ તેટલી ખુશામત કરે છે. આમાં માત્ર મારી કળાથી આકર્ષાઈ આવનાર ભાગ્યે કોઈ હોય છે.
તા. ૨ ફેબ્રુઆરી, ૧૯...
વનમાળાના જેઠ વસંતસેનાના પૂજારી બની તેને મળવા આવે! કેવું વિચિત્ર! એમને સ્વપ્નેય એવું હશે કે એક વારની ગરીબડી વાસણ માંજતી વનમાળા તે હું જ? મારાં રૂપ, રંગ ને ભપકો એટલાં બદલાયાં છે કે એમના જેવા કેટલાય હવે તો મારાં પગ પૂજે છે. એ લોકોની સ્થિતિ બહુ બદલાઈ ગયેલી લાગે છે : દારિદ્ર એના અંગેઅંગમાંથી દેખાતું હતું, અને પાશવતા એના મોં પર ને શરીર પર બધે જ ચિહ્ન મૂકી ગઈ છે. એને જોઈને મને તો ક્રોધ અને તિરસ્કાર આવવાને બદલે માત્ર દયા જ આવી. હું ગમે તેવી છું પણ હવે આ નર-કીટકની સત્તા નીચે તો નથી જ. મારી હાલની જિંદગી એ અધમતા હોય કે ઉત્ક્રાંતિ હોય, પણ એનાથી હું એવી ટેવાઈ ગઈ છું કે પહેલાંની જિંદગી સૌ સુખ સાથે મળતી હોય તોપણ પાછી ન જાઉં.
તા. ૪ માર્ચ, ૧૯....
લગભગ બે અઠવાડિયાંથી વચ્ચેની ખુરસી પર એક માણસ આવીને બેસે છે. ઘણું ખરું તો એ દરેક નાટક વખતે આવે છે, અને એ જ ખુરસી પર બેસે છે. મને એને જોવાની એવી ટેવ પડી છે કે એ ત્યાં ન હોય તો મને કંઈક નાસીપાસી થાય છે. અને મને લાગે છે કે એ મને જ જોવા આવે છે. મારો પ્રવેશ શરૂ થાય ત્યાં સુધી એ કદી ત્યાં હોતો નથી, અને દર વખતે એ મને ઘણી જ બારીકાઈથી જોતો હોય એમ લાગે છે. મેં આ માણસને ક્યાંક જોયો છે. અડધો અંગ્રેજ હોય તેમ એ અંગ્રેજી કપડાં પહેરે છે. બીજા બધાં માણસોથી એ કંઈક જુદો જ લાગે છે. એના દેખાવમાંથી ગૃહસ્થાઈ નીતરે છે. એ કોણ હશે? એણે કોઈ દિવસ ભેટ કે ચિઠ્ઠી હજુ મોકલાવ્યાં નથી. મને મળવાને પ્રયત્ન પણ એણે કદી કર્યો નથી. અને છતાં એ આમ રોજ શા માટે આવે છે?
મેં એને જોયો છે, પણ કયાં?
તા. ૯ માર્ચ, ૧૯...
આજ પણ પેલો આવ્યો હતો. હવે તો મને કંઈક અકળામણ થાય છે. એ કેમ આવે છે? ને શું જુએ છે? બધાંય નટો હવે તો મારી મશ્કરી કરે છે. તેમાં શંકર ને પ્રાણજીવન ખાસ. શંકર કોઈ દિવસ નહીં અને હમણાં અદેખો થવા માંડયો છે. પ્રાણજીવન પણ હમણાં હમણાંથી બહુ ધ્યાન આપતો દેખાય છે. મને શંકરને ચીડવવાનું એવું મન થાય છે કે એના દેખતાં પ્રાણજીવનની સાથે ખૂબ ચાળા કરું છું. શા માટે એને બધું કરવાનો હક ને મને નહીં? તા. ૨૩ માર્ચ, ૧૯.. હમણાં હમણાં હું જોઈએ તે કરતાં વધારે દારૂ પીઉં છું. મારા ગાલમાં ખાડા પડવા માંડયા છે અને તરુબાળામાં પહેલાં દેખાતી એવી કંઈક કૃત્રિમતા મારાંમાં દેખાય છે. મારી વિચાર કરવાની શક્તિ પણ કોઈ કોઈ વાર જતી રહે છે. પણ પેલો માણસ! એ રોજ શું કામ આવે છે? એ મારાંમાં થયેલો ફેરફાર જોઈ શકતો હોય તેમ એની આંખમાં કંઈક નિરાશા અને ઠપકો દેખાય છે. કદાચ એમ નહીં પણ હોય મારાં મગજની નબળાઈથી કદાચ મને એમ લાગતું હશે. પણ એ વધારે દહાડા આમ ને આમ આવશે તો હું ગાંડી થઈ જઈશ.
તા. ૧૦ એપ્રીલ. ૧૯.
મારો અધઃપાત આજે સંપૂર્ણ થયો. શંકર, તરુબાળા અને હું સાથે બેસી દારુ પીતાં હતાં. શંકરે તરુબાળાને કંઈ કીધું અને મને ગુસ્સે આવ્યો. આવું ઘણુંયે વાર થયેલું, પણ કોઈ દિવસ નહીં અને આજે અમે લડી પડયાં. હું ક્રોધમાં ને ક્રોધમાં ઊઠીને ચાલી ગઈ. હું મારી ઓરડીમાં જતી હતી એટલામાં પ્રાણજીવન ચાલીમાં મળ્યો. મને કંઈ ભાન નહોતું. એણે મને શું કહ્યું તે પણ કંઈ સાંભરતું નથી. પણ સવારે જાગી ત્યારે પ્રાણજીવનની ઓરડીમાં હું હતી. ચાલો એ પણ ઠીક થયું. એ મોટો શંકરીઓ મારો માલિક કોણ? અને આમે નરકમાં જવાનું જ છે તો શા માટે સામટું જ નહીં જવું? છો તરુબાળા સાથે એ મજા કરે. હું નહીં હોઉં ત્યારે જ ખબર પડશે કે હું તરુબાળા કરતાં હજાર દરજ્જે સારી હતી.
તા. ૧૭ એપ્રીલ, ૧૯...
શંકરે તરુબાળાને છોડી દીધી છે. એ એની સાથે સારું રાખતો તે માત્ર મારી અદેખાઈ ઉશ્કેરી રાખવા પૂરતું જ. એ એમ માનતો કે અદેખાઈની મારી હું એને છોડી નહીં જઈશ. એ હવે પસ્તાય છે અને ગાંડાની માફક મારી અને પ્રાણજીવનની સામે ડેાળા કાઢે છે, દારૂ પણ ખૂબ પીએ છે. પણ હું તો હવે એના સામે પણ જોવાની નથી.
થોડાં દિવસથી પેલો આવતો નથી.
હું દર વખતે એની ખુરશી તરફ નજર નાખું છું, પણ હવે તો એને બદલે ત્યાં જુદાંજુદાં જ માણસો બેઠેલાં હોય છે. મને નિરાશા તો થાય છે પણ હમણાં એ નથી આવતો એ સારું છે નહીં તો મારાથી બરોબર મારો પાર્ટ થાત નહીં:
તરુબાળાને અને મારે પાછું ઠીક બને છે.
તા. ૨ મે, ૧૯...
મારો ઉદ્ધાર જન્મોજન્મને માટે હવે અશક્ય થઈ ગયો. હવે દિવસે દિવસે નીચે જવું એ એક જ ગતિ મારે માટે બાકી રહી છે. રવિવારનો દિવસ હતો અને નાટકશાળા ચિકાર હતી. પેલો પણ એની જગ્યા પર આજે આવીને બેઠો હતો. એને ઘણે દિવસે આવેલા જોઈને મને નવાઈ લાગી.
નાટક પૂરું થયા પછી હું ને તરુબાળા ડ્રેસિંગરૂમમાં કપડાં બદલતાં હતાં, એવામાં ગિરીશ પંડ્યા કરીને કોઈ તમને મળવા માગે છે એમ માલિક આવીને કહ્યું. હું આવા આવનારાઓથી ટેવાઈ ગઈ હતી. એટલે ત્યાં જ મોકલવાનું કહ્યું. થોડીવાર થઈ ને બારણાં આગળ પેલો જ માણસ આવીને ઊભો. એ ગિરીશ પંડ્યા નામ સાથે મને બીજું પણ કંઈક યાદ આવ્યું. અમારો પેલો પડોશીનો ને બાની સહીપણીનો છોકરો તો નહીં? એ આવીને બારણાં આગળ જ ઊભો રહ્યો. કંઈ વિચાર કરતો હોય એમ થોડીવાર સુધી એ કંઈ જ બોલ્યો નહીં. હું પણ ઊંચે શ્વાસે એના બોલવાની વાટ જોઈ રહી. ‘મિસ વસંતસેના! તમને તસ્દી આપવા માટે મને માફ કરજો, પણ મને...મને કેટલાંક દિવસથી લાગતું કે તમે,’ જરા ગૂંચવાયો હોય તેમ તે અટક્યો અને થોડીવારે આગળ ચલાવ્યું, ‘મારા ઓળખીતામાં એક છોકરી હતી તે તમે જ છો, હું ઘણો વખત વિલાયત રહી આવ્યો અને આવ્યો ત્યારે એ કયાંક ગૂમ થઈ ગઈ હતી. પણ મેં તમને અચાનક જોયાં ત્યારથી એ તમે જ હો એવું મને લાગ્યા કરે છે. તમે પ્રમોદરાય માસ્તરની છોકરી વનમાળા તો નહીં?' એક પળ મારું અંતર અટકતું લાગ્યું. સ્મૃતિઓની પરંપરાએ બાલપણમાં હૃદયમાં છપાયેલી એક મૂર્તિ સાથેના અસંખ્ય પ્રસંગો તાજા કર્યા. આ નરકાગારમાંથી મુક્તિ શોધતો મારો આત્મા લલચાઈ રહ્યો. પણ ના, મુક્તિ મારે માટે એટલી સહેલી ન હતી. એના વદન પર ચોટેલી મારી આંખે એનું પુરુષત્વ અને પ્રામાણિકતા જોયાં, પણ સાથે સાથે એક પ્રકારની બીક અને મનોમંથન પણ તેમાં એટલાં જ સ્પષ્ટ લખાયેલાં હતાં. મેં દૃઢ સ્વરે જવાબ આપ્યો : 'ના, તે હું નથી.' ઘણો વખત સેવેલા પ્રેમ તરફની પોતાની ફરજ પૂરી થતી ઢોય તેમ એના કપાળ પરની કરચલીઓ છૂટી ગઈ. એક દૂરનું વંદન કરીને એ બારણાંમાંથી બહાર ચાલી ગયો. હું તરુબાળા તરફ ફરી અને પાસે પડેલી શીશીમાંથી પ્યાલી ભરી એની વાટ જોયા વગર ગટકાવી ગઈ. તરુબાળા આશ્ચર્યથી જોઈ રહી : 'એ કોણ હતો?’
'હશે કોઈક !' પૂરો જવાબ આપ્યા વગર મેં એક બીજી પ્યાલી ભરી. જિંદગી અને જગતની પોકળતા પર મારા અંતરમાં એક અટ્ટહાસ્ય સ્ફુર્યું. આશ્ચર્યચકિત તરુબાળાને ત્યાં જ એકલી મૂકી હું મારા ઓરડામાં આવવા નીકળી. શા માટે આવી પોકળ જિંદગીની નોંધ રાખવી? એના કરતાં એટલો વધારે વખત શરાબ પીવામાં કાઢયો હોય તો વધારે સુંદર નહીં?
* * *
વાર્તા અને વાર્તાકાર :
લીલાવતી મુનશી (૨૩-૦૫-૧૮૯૯ થી ૦૬-૦૧-૧૯૭૮)
એક વાર્તાસંગ્રહ :
જીવનમાંથી જડેલી (1932) 15 વાર્તાઓ
‘વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા’ વાર્તા વિશે :
એમની વાર્તાઓ પ્રમાણમાં નબળી, વણજોઈતા પ્રસ્તારવાળી છે. અહીં જે પસંદ કરી છે, ‘વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા’ ડાયરીની પ્રયુક્તિથી કહેવાઈ છે. વિધવા થયા પછી જેઠ બળજબરી કરે છે. પતિત થયેલી આ સ્ત્રી નાટકકંપનીમાં જોડાય છે. ધીમે ધીમે એક કરતાં વધારે પુરુષો સાથે સૂતી થયેલી નાયિકા દારૂના રવાડે ચડે છે. એ પોતે લખે છે : ‘દિવસે દિવસે મારું અધઃપતન થતું જાય છે.’ આ સમયે ડાયરીની પ્રયુક્તિથી સ્ત્રીના આંતરમનને ખોલી આપવાનો પ્રયોગ થાય એ જ અભિનંદનને પાત્ર.