નારીસંપદા : ટૂંકી વાર્તા/બાણશૈયા

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાણશૈયા

નિર્ઝરી મહેતા

ડ્રોઈંગરૂમની બારીનો પડદો જરીક ખેસવી રુચિતા નિસર્ગ અને અર્પીતાની ગાડી ગેટમાંથી નીકળતી જોઈ રહી. ગાડીમાં બંને ગોઠવાયાં પછી જ એણે પડદો ખસેડ્યો હતો... એને ખબર હતી, નિસર્ગ ગાડીમાં બેસતી વખતે ય પાછળ જોઈ જ લેશે. રુચિતાએ તેના ખભા પર હુંફાળો હાથ મુકાયાનું અનુભવ્યું. “ભાભી, વરઘોડીયાંને માથે હાથ મૂક્યા વગર ઘરબહાર મોકલી દીધાં! ને... આમ કપાતે જીવે તેમને જતાં જુઓ છો! નિસર્ગને પરણ્યાની પહેલી રાતે હોટલમાં ન’તું જવું. તેને ઘેર જ રહેવું હતું. તમે તો તે લોકો હોટલથી જ સીધાં ફરવા જવાની ફલાઈટ પકડે એવું ગોઠવ્યું!” “હં...” રુચિતા ખાસ કંઈ ન બોલી. “તમે માથે કપડું કચકચાવીને બાંધી સૂતાં ત્યારે જ મને થયું’તું કે તમે તેમને સામે મોંએ થવા નથી માંગતાં. વિધવા હોવાનું બહાનું આગળ ધરી, તમે મારી પાસે ગૃહપ્રવેશનું પોંખણું કરાવ્યું!” રુચિતા રંજના સામે ઝળઝળિયાંવાળી આંખે જોઈ રહી, “રંજનાબેન, એમની ફૂલશૈયા પર મારી પરણ્યાની અબોટ ચુંદડી પથરાઈને તેમને માટે કાંટાળી શૈયા બને તે મારાથી કેમ કરી ખમાય?” કહેતાં કહેતાં રુચિતા અનહદ ડુસકે ચઢી. રંજનાએ તેને બાથમાં લીધી. વાંસે હાથ થપથપાવ્યો ને પછી સોફા પર બેસાડી જોડે બેઠી. “ભાભી પરણ્યાની રાત્રે મેડીએથી ચુંદડીભેર તમે નીચે ઉતર્યાં’તાં ત્યારનો તમારાં દિલમાં ધરબાયેલ ડૂમો વહી જવા દો! મારી સ્ત્રીની નજર ત્યારે જ ઘણુંક કળી ગઈ હતી. મને તો એની જ પાર વગરની નવાઈ છે કે આટલાં વરસ બોજીલ મન સાથે બાણશૈયા પર ચાલતાં હો તેવી જીંદગી કમાલની જીવી ગયાં તમે!” રંજના ઊઠીને પાણી લેવા ગઈ. લીંબુ શરબત જ બનાવ્યું. ભાભીએ આખા દિવસમાં સરખું ખાધું-પીધું નથી તેનો રંજનાને અંદાજ હતો. તે પાછી આવી તો ઊભા ચોરસ તકિયે બંધ આંખે માથું ટેકવી તેને બેઠેલ જોઈ. ભાઈ તો છ વરસ પહેલાં ગુજરી ગયા હતા. તે ય કેવી રીતે? બહારગામથી વહેલી સવારના આવ્યા. ઘરમાં પેઠા ને પડી ગયા. ડૉકટર આવે તે પહેલાં તો બધું પૂરું થઈ ગયું હતું. ભાભીની મોટીબહેન તેની પહેલી ભાભી! ત્રણ વર્ષના નિસર્ગ પછી નમિતા જન્મી. પણ ભાભી સિઝેરીયનના ટાંકા પાકતાં ૭મે દિવસે પાછાં થયાં! બે ય છોકરાં પિયર માસી પાસે સચવાવાં લાગ્યાં. સહુના સૂચનથી રુચિતા દેવેશ સાથે જોડાવા તૈયાર થઈ. બે છોકરાંની મા બની રુચિતાભાભી જે જીવી ગયાં... સગી મા ય કદાચ એમ જીવી ન શકી હોત. કોરોનાના કેરને લીધે નિસર્ગ અને નમિતાનાં સ્વપસંદગીનાં લગ્ન એક જ દિવસે સવાર-સાંજે વીસ-પચીસ લોક વચ્ચે. કયાં પોતે એકલી જ ભાભી પાસે આવીને રહી હતી. દીકરો પરણીને આવ્યો, ને એને ‘સરપ્રાઈઝ ગીફ્ટ’ કરીને હોટલ એક્સપ્રેસના સૂટમાં મોકલી દીધો. દીકરીને પણ એમ જ ભેટ તરીકે ગોઠવ્યું. લટકાની ભેટમાં બે ય જોડાં હોટલથી સીધાં હનીમૂન પર જવા ફ્લાઈટ પકડે તેવું જ ગોઠવ્યું. એને અત્યારે એનું કારણ થોડું થોડું સમજાતું હતું. તેણે ભાભી સામે જોયું – પાછલાં વર્ષોમાં પહોંચી ગયાં લાગે છે! રંજના બાલ્કનીમાં કેનના ઝૂલે જઈ બેઠી. ...લગ્ન તો સાદાઈથી જ થાય – બહેન ન હતી, ને તેના ચાર મહિનામાં તેની જગ્યાએ જ જઈ રહી હતી! રુચિતાની બંધ આંખ નીચેથી વરસો પહેલાંનો એ દિવસ... કહો કે એ રાતની ટૂંટિયું વળી ગોળ ફીંડલા જેમ પડેલ યાદ બેઠી થઈ રહી હતી... ...ભાભી રુચિતાને શણગારી રહ્યાં હતાં. “તું રુચિને આટલી ન શણગાર, દેવેશને...”, મા કહેતી હતી. “મમ્મી, જીજાજી પરણ્યા છે ને! આજની રાત રુચિબેનના નવલા નાવલિયા નહીં બને તો આને...”, રુચિતાની ચિબુક પકડી ભાભી બોલી, “એનાં બે છોકરાંની મા કેવી રીતે બનાવી શકશે!” મમ્મી પણ રુચિને નવીનવેલી દુલ્હનના રૂપમાં જોઈ રાજી થયાં – બે’ક ટીપાં આંસુ ય સર્યાં આંખમાંથી. રાતના ભાઈભાભી તેને મૂકી ગયાં. ‘તેને ઘેર’. રંજનાબેન તેને ઘરના ઉપરના દીદીના – હવે તેના થનાર – ઓરડે મૂકી ગયાં. તે ઓરડામાં ઊભી રહી. પછી બારી પાસે જઈ પડદો ખસેડી સોસાયટીનાં લાઈટથી ચમકતાં ઝાડપાંદ જોઈ રહી. રૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો. તે એમ જ ઊભી રહી... દેવેશ આવીને તેને ખભેથી પકડી હળવેકથી તેમના ઓરડા તરફ ફેરવશે – તેણે ધાર્યું. પણ, ના કોઈ પગરવ કળાયો, ન સ્પર્શ અનુભવાયો. તે, પોતે જ ફરી. તેની સામે એણે જોયું. એ નજર શું ‘નાવલિયા’ની હતી? ના – સોળ શણગાર સજેલી રુચિતાને વહેરી નાંખતી ધારદાર નજરે તે જોઈ રહ્યો હતો. “આ શું? શરમ નથી આવતી, બે છોકરાંની મા બની છો! ને, આમ સજીધજીને આવી છો! જાવ બદલી નાંખો આ સુહાગરાતની ફિલમીયા વેશભૂશા!” રુચિતા ઠુંઠ જેવી થઈ ગઈ. જાણે વહેતાં કલકલતાં પાણીનો અચાનક સખત બરફ થઈ ગયો! હજી તેને ત્રેવીસ થયાં હતાં... ને આવી પળ સામે આવી ઊભી હતી! શું કરવું? તેણે ખંડમા નજર ફેરવી. ભાભીના હાથમાં હતી તે હેન્ડબેગ ઉપર નહોતી આવી. એમાં નાઈટી જ હશે. રીવાજ પ્રમાણે પરણ્યાની ચુંદડીમાં જ તેને સવારે લેવા આવે ત્યારે ઘેર જવાનું હતું. છોકરાં ય પીયરઘેર જ હતાં. “મારી હેન્ડબેગ ઉપર નથી આવી લાગતી... તમે લઈ આવો ને!” “હું નીચે જઈ લઈ આવું? બે છોકરાંના બાપની હાંસી કરાવવી છે તારે!” ભાભીએ કાનમાં કહેલ યાદ આવ્યું. “આ સોહાગની જોડ પહેરી છે ને તે સવારે પહેરીને ઊતરો નીચે, ત્યાં લગી કમરામાંથી બહાર પગ ન મૂકતાં... કંઈ પણ જરૂર હોય તો પરણ્યો ટાઈવાઈ કરે તમારી!” એ હજી કંઈ બોલવા જાય ત્યાં દેવેશનો કરડો અવાજ કાને અથડાયો તેને, “જાવ નીચે જઈ કપડાં બદલી આવો!” માનવાચક શબ્દોથી અંગારા બરોબર ચાંપ્યા હતા તેણે! નવોઢાના અરમાનની કરચ પણ ન રહે તેવો ઈલેક્ટ્રીક ચેરમાં અપાય તેવો ઝટકો હતો તે! રુચિતા કમરાની બહાર નીકળી, જરી કસબના ચોલી ડ્રેસનો ચણિયો પકડી નીચે જવાના દાદરના એક એક પગથિયાં તે ઉતરવા લાગી. ને એનું મન, પૂનમ પછીના કૃષ્ણપક્ષની તિથિના ચંદ્ર જેમ તેનામાંની ‘નારી’નાં એક એક અરમાન નિતારતું જતું હતું... તે નીચે પહોંચી ત્યાં ઊભેલ રંજનાબેન ચોક્યાં. “ભાભી! તમે?” “મારી હેન્ડબેગ ઉપર નથી આવી, તે લેવા... આ કમખો જરી ખુંચે છે.” “તે ભાઈ લઈ જાત! સોહાગરાતે તો તમે રાણી! કમરામાં જ રહેવાનું!” મજાકમાં હસતાં રંજનાએ કહ્યું. રુચિતાની નજરે હેન્ડબેગ પડી, તે ઉપાડી ઝીપ ખોલવા લાગી. રુચિતાનો હાથ પકડી પાછું ટીખળ કરતાં રંજના બોલી, “આનું શું કામ આમે! ને અહીં નાઈટી બદલશો? મને બોલાવશો નહીં! ભાઈ પહેરવા દે તો ઉપર પહેરજો!” રુચિતાના ચહેરા પર નાવોઢાની રતાશની આછી લકીર પણ ન જોતાં તે બોલતાં અટકી અને હેન્ડબેગ છોડી દીધી. “પરણ્યાની ચુંદડી અહીં ન ઉતારાય... જાવ ઉપર ભાભી!” રંજનાનું કહેવું સાંભળી અત્યાર સુધી યંત્રવત્ જેવી થઈ ગયેલ રુચિતા જાણે ભાનમાં આવી હોય તેમ હેન્ડબેગ લઈ દાદરો ચઢવા લાગી. ઉપર પહોંચી ખંડમાં પેસતાં નીચે અવાજ જાય તેમ બારણાંની સ્ટોપર ચઢાવી તે ખચકાયા વગર ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ - દીદીના રૂમમાં એમ તો બધું જાણીતું હતું!!! ડ્રેસિંગ ટેબલ સામે સ્ટુલ પર બેઠી. શાંતિથી એક પછી એક ઘરેણાં કાઢવા લાગી. માથે ઓઢેલ ઓઢણીની અને અંબોડાની પીન કાઢી. ઓઢણી કાઢી ઉછાળીને પલંગ પર ફેંકી. દેવેશ જડાઈ ગયો હોય એમ ઊભો હતો. માથેથી સાદો ચણિયો ખભે ઉતારી, નીચેથી ચોલીડ્રેસનો ચણિયો ઉતારી પગથી તેણે હડસેલ્યો. પછી શાંતિથી અરીસા સામે ઊભાં ઊભાં જ બ્લાઉઝ ઉતાર્યો. ને સ્હેજ વાંકી વળી નાઈટી કાઢવા હેન્ડબેગ ખોલવા લાગી. આ બાજુ દેવેશમાં જાણે જીવ ફૂંકાયો! પાસે આવી ખુલ્લા ખભે હાથ મૂકી તે સ્હેજ લાડથી બોલ્યો, “રહેવા દે, હમણાં આ પહેરવાની જરૂર છે?” તેને આંચકો લાગ્યો – ઓહ તો આ પુરુષ તો થવા માગે છે! નાવલિયા થવાનો જ વાંધો હતો! રુચિતા તેની તરફ ફરી, “નથી જરૂર? કેમ? બે છોકરાંની મા આમ ઉઘાડી ફરશે? ધાવણા છોકરાંની મા યે આમ ન ફરે! છાતીએ છેડો ઢાંકે!” કહેતાં તેને ઝટકાથી દેવેશનો હાથ છટકોર્યો. નાઈટી કાઢી પહેરી. ઓઢણી, બ્લાઉઝ, ઘરેણાં વગેરે ચણીયાના ફીંડલામા વીંટી કબાટમાં મૂક્યા. હેન્ડબેગ ઉપાડી પલંગમાં વચ્ચે મૂકી. “કાલથી નમિતા અહીં સૂશે ને નિસર્ગનો નાનો પલંગ સામે રહેશે. તમે કે હું નીચે સૂઈએ એવું નાટક મારે નથી કરવું.” કહી જગમાંથી પાણી કાઢી પી, પલંગને લગાવેલ ફૂલની સેર તોડી નીચે ફેંકી તે આડી પડી. ઊંઘ નહીં આવે તેમ લાગતું હતું, પણ આવી ગઈ. સવારે સાડા છએ તે બ્રશ કરી, મોઢું ધોઈ નીચે જવા બારણા ભણી વળી. દેવેશનો અવાજ સંભળાયો. “રુચિ, આ નાઈટીમાં તું નીચે જઈશ? પેલો ડ્રેસ પહેરીને આવી હતી તેમ જા... કાઢી આપું?” તેણે દેવેશ સામે જોયું. એની આંખમાં ઉજાગરાની આછી રતાશ હતી. તેની નજર-અવાજમાં ધાર ન નીકળે તેની તકેદારી રાખી તેણે કહ્યું, “બે છોકરાંની મા નીચે જાય છે. હું તો દીદીનાં છોકરાંની મા આજથી ગણાઈશ. તમે તો બે છોકરાંના બાપ છો જ ! એટલે છોકરાં અને દુનિયા માટે છોકરાંના બાપ બની રહેવામાં ચૂક નહીં કરો... એટલી તો આશા છે જીજા...જી !” ...”ભાભી લો, શરબત!“ રુચિતાની અતીતસમાધિ લાંબી ચાલેલ જોઈ રંજનાએ તેને એમાંથી બહાર લાવવાનું વિચાર્યું. “ઓહ! હું તો...” તેને હડબડાતી જોઈ રંજના પાછી તેની પાસે બેઠી, “ભાભી, પરણ્યાની રાતે સોહાગજોડામાં તમે નીચે ઉતર્યાં... ને ઉપર ચઢ્યાં. બીજી સવારે નાઈટીમાં જ નીચે આવ્યાં! નિસર્ગ-નમિતાને ઘેર બોલાવી લીધાં, પિયર ન ગયાં. વગર કહ્યે હું ઘણું સમજી ગઈ’તી! ઘેર જઈને વીનેશ જોડે પણ સરખી ગોઠવાઈ ન’તી! મારી પાસે બધું જાણી મને જાળવી લીધી એણે!” “નસીબદાર!” રુચિ બબડવા જેવું બોલી. “તમારામાંની સ્ત્રીને ભાભી તમે બે છોકરાંની મા બની, સાવ તે સાવ ઢબૂરી દીધી તે હું સમજી ગઈ હતી! પણ ભાઈમાંના પુરુષે તો ક્યાંક બીજે સંતોષ મેળવ્યો હશે...” “હશે નહીં, મેળવ્યો જ હતો! તે છેલ્લી સવારે બહારગામ નહીં દિશા પાસેથી જ આવ્યા હતા. તેમનું કાયમનું ‘બહારગામ’ દિશાને ઘેર જ રહેતું.” “તો ય તમારું રુવાડું ય ન ફરક્યું?” “રુવાડાં તો નવી પરણેલી બે છોકરાંની માના વેશનું થેલકું ગોતવા નીચે ઉતારી ત્યારે જ ખરી ગયાં હતાં! ને તેમને પુરુષ તો બનવું’તું! નવા નાવલિયા ન’તું થવું! ને, મારે ‘બે છોકરાંની મા’ તરીકે જ રહેવું’તું!” થોડી અટકીને તે સ્હેજ અચકાતાં બોલવા લાગી, “શું કહું રંજનાબેન, મને એનો ખભે મૂકાયેલ હાથ હાથિયા થોર જેવો લાગ્યો’તો! નવો પરણ્યો દીકરો એજ રૂમમાં પહેલી રાત રહેત... મારા મનને ક્યાંક હાથિયા થોરના કાંટા ફૂટી નીકળત તો! હાહાકાર થઈ જાય મારા છોકરાંની અણમોલ ઘડીમાં! એટલે...” રુચિતા મૂંગી થઈ ગઈ. રંજનાને યાદ આવ્યા ભાઈના શબ્દો – ભાઈના અફેરનો વહેમ આવતાં તેણે ભાઈને ટોકેલ. ત્યારે ભાઈ દાંત ભીસીને બોલેલ, “બહુ જીદ્દી છે, જીદ્દી જખ્ખડ છે રુચિ!” તે માથું ધુણાવતા મનમાં બોલી પડી – ભાઈ ભાઈ, આણે તમારી નવજાત દીકરીને હથેળીમાં ઝીલી’તી. ને તમે એક નાજુક રાત ન આપી શક્યા એને! તો,ય એ તો...” “રંજનાબેન આ ઘરની ચાવી!” રુચિતા તેને કી-સ્ટેન્ડમાંથી લીધેલ ચાવી ધરી રહી હતી. તેણે પ્રશ્નનજરે તેની સામે જોયું. “કાલે રાતે હું અજમેરની બસ પકડું છું. છોકરાં ફરવા જવાના સ્થળે પહોંચી ફોન કરશે એટલે રાતનું જવાનું રાખ્યું.” “ત્યાં, કેમ?” “રંજનાબેન ત્યાં થોડે દૂર ગુરુકુળ છે. ત્યાં હું કાર્યકર તરીકે કાયમ માટે જાઉં છું. બે છોકરાંની મા તરીકે જીવી લીધું. હવે નરવી જિંદગી આપવા ને રુચિ તરીકે જીવી લેવા...” “ભાભી?” રંજનાથી રાડ પડી ગઈ! “ છોકરાં સૂનાં પડી જશે!”. “છોકરાંની મા તો છું જ! જરૂર પડે જરૂર આવી જઈશ! પણ મારે હવે ‘રુચિતા’ તરીકે શ્વાસ લેવા છે બસ!” રુચિતાને કમરામાં જતી તે જોઈ રહી... ‘બાણશૈયા’ પર વરસો લગી જીવી ગયેલ ભીષ્મની નારીમૂર્તિ સમી – બે છોકરાંની મા – હવે એ છોકરાંઓનાં લગ્ન પછી જીવનના ઉત્તરાર્ધમાં ઉત્તરાયણના સૂર્યને પામવા જઈ રહી હતી... ‘તમારું પ્રસ્થાન શુભ-મંગલ હો!’ – રંજના મનોમન બોલી પડી!

વાર્તા અને વાર્તાકાર :

નિર્ઝરી મહેતા (10-09-1948)

'‘બાણશૈયા’ વાર્તા વિશે :

મૃત્યુ પામેલી બહેનની સાત દિવસની દીકરી અને જરાક મોટા દીકરાની મા બનીને રુચિતા બનેવી સાથે પરણી તો ખરી પણ પહેલી જ રાતે દેવેશે એને ધુત્કારી કાઢી. શરમ નથી આવતી? કહીને. એની કમનીય કાયાનો મોહ એને હતો પણ પત્નીનો દરજો તો એણે દુનિયાની નજરે જ આપ્યો હતો. પ્રેમ વગર માત્ર દેહ ઇચ્છતા પતિ સાથે એ જીવ્યો ત્યાં સુધી રુચિતા કોઈ સંબંધ નથી રાખતી. પુરુષ તો પોતાનો રસ્તો ઘરની બહાર શોધી લેવાનો... સળગતી રહી રુચિતા. દીકરાના લગ્ન પછી રુચિતા નણંદને કહે છે : ‘હવે હું જાઉં છું. મારે હવે રુચિતા તરીકે જીવવું છે. બે છોકરાની મા તરીકે જીવી લીધું.’ જિંદગી આખી બાણશૈયા પર કાઢી. પતિ હોવા છતાં ભડભડતી આગમાં એ સળગી છે. બાણશૈયા શીર્ષક તો બરાબર પણ વાર્તાના અંતે બધું કહી દેવા શા માટે બેઠાં વાર્તાકાર?

નોંધપાત્ર વાર્તાઓ :

છરકો, થોડી સી તો...