નારીસંપદા : ટૂંકી વાર્તા/ખારાં પાણી

From Ekatra Wiki
Revision as of 02:28, 15 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ખારાં પાણી

રાજશ્રી વળિયા

આજે મારી મા ગઈ. એ વાતને બે દિવસ થઈ ગયાં! મારાં હાથમાં માની ડાયરી આવી છે, આને ડાયરી તો ન કહેવાય..., આ તો મારી સ્કૂલની, પેન્સિલથી લખેલી નોટબુક ૫૨, એણે બોલપેનથી લખેલી એની લાગણીઓ છે. મને વારેઘડીયે બસ એ જ વિચારો આવે છે કે કોઈ દિવસ કેમ માની પાસે બેસીને મેં એની સંવદેનાઓને સમજવાનો પ્રયત્ન જ ન કર્યો? અમારાં નાના એવા પરિવારમાં અમારી સાથે પીડા, ગુસ્સો, ઘૃણા અને લાચારી પણ રહેતાં! એની પાછળનું કારણ શું હતું તે જાણો છો ? એ કારણ હતું પાણી...! હા પાણી...! અમરેલીના એક નાના એવા ઘરમાં મારી મા કાંતાનો જન્મ બે ભાઈઓ પછી થયો. મારા નાના એક કારખાનામાં નોકરી કરતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સાધારણ હતી. મારાં નાની સવારે એક ગાઉ ચાલીને કૂવે પાણી ભરવા જાય. બેડા ઊંચકીને બિચારી મારી નાનીનાં માથે ટાલ પડી ગઈ હતી. એ વખતે બધા ઘરે નળ નો 'તા આવ્યા. મારી મા માટે બે જગ્યાએથી માંગા આવ્યા. એક બલાડીયા કચ્છથી, અને એક સિહોરથી. નાનીમાં એ તો કચ્છનું નામ સાંભળીને જ ના પાડી દીધી, એમણે મારા નાનાને કહ્યું, 'મારું જીવન તો પાણી ભરવામાં ગયું. હવે દીકરીનુ જીવન પાણીના કારણે પાણીમાં નથી જવા દેવું. સિહોરવાળાના તો ઘરનાં આગણામાં જ કુવો છે ત્યાં જ આગળ વાત વધારો.’ અને બસ મારી માનુ જીવન જળના કારણે ઝળી ગયું. સિહોરના શાહઝાદા, એટલે કે મારાં પિતા પાણી વગરના હતા. મારી માનું જીવન એમણે વોહરી નાખ્યું, હું પણ સાક્ષી હતી એમનાં મા પ્રત્યેના વર્તનની. કાન્તા... મારી મા ખરેખર જ કાન્તા હતી. ખૂબ જ નમણી અને સુંદર. એના લગ્ન મોટા ઘરમાં થયા તેથી મારાં નાના-નાની તો 'પાણી પાણી' થઈ ગયાં હતાં. કેમ કે તેઓ આટલા સાધારણ હોવા છતાં એમની દીકરી આટલા મોટા ઘરે ગઈ. કેવી જાહોજલાલી! ઘરના ઘર, વાડી, કારખાનાં. તેઓ બહુજ અભિભૂત થઈ ગયાં હતાં, પોતાનાં જમાઈથી. પણ મારાં પિતાની આદતો બગડેલી હતી. તેઓ..., કેવી રીતે કહું? જુગાર રમતા, અને… અને…… બીજી સ્ત્રીઓ પાસે પણ જતા! મધરાત સુધી મિત્રો સાથે રમી, તીનપત્તી રમતા. મારી દાદી તો મારી માને સગર્ભા હોય કે પેટ ભરાવતી મા હોય, જ્યાં સુધી મારા પિતા ન જમે, ત્યાં સુધી એને પણ જમવા ન દેતા. ભલે પછી રાતના બે વાગે! માએ એની નોંધપોથીમાં લખ્યું હતું કે ત્યારે એને એવી કાળી ભૂખ લાગતી જે એનાથી સહન ન થતી. રાંધવું એ એનું કર્તવ્ય હતું, પણ ભૂખ લાગે ત્યારે જમવાનો એને અધિકાર ન હતો.

મારાં નાનીને તો મારી માની આંખોનાં પાણી દેખાય, એની પહેલાં એમની નજર આંગણનો કૂવો રોકી લેતી. કદાચ માનું મન બહુ મોળું થતું હશે ત્યારે તે પોતાનાં મનની વાતોને સ્યાહીની સાથે-સાથે પોતાની આંખનાં ખારાં પાણીથી ડાયરીમાં લખતી હશે. બાકી એને બહારનાં કોઈ સાથે વાત કરવાની પરવાનગી ન હતી. અને... એની એટલી હિંમત પણ ન હતી. મને યાદ છે, હું નાની હતી ત્યારે અમારી વાડીએથી ટોપલા ભરીને શાકભાજી, ફળો વગેરે આવતાં. પણ મારાં દાદાના અવસાનના થોડા મહિનાઓ પછી એ આવવાનું બંધ થઈ ગયું. એક દિવસ મારા દાદી મને આંગળીએ લઈ વાડીએ પહોંચ્યાં, અને ભાગિયાને હાથમાં લીધો. ‘કેમ કંઈ ઘરે મોકલતો નથી? બધું વેચીને પૈસા ઘરભેગા કરે છે?' ભાગિયો તો બિચારો રડી પડયો. એણે દાદીને કહ્યું 'બા નાના શેઠે વાડી વેચી દીધી છે. મને તો નવા શેઠે રાખી લીધો છે.' બાનું મોઢું ધોળું પુણી જેવું થઈ ગયું. તેઓ કંઈ બોલ્યા વગર મને સાથે લઈ ઘરે આવી ગયાં. બસ એ દિવસથી એમનું વર્તન મા સાથે બદલાઈ ગયું. પછી તો તેઓ મારાં પિતાને બહુ સમજાવતાં પણ પાણી વલોવ્યે માખણ નીકળતું હશે? થાકી હારીને એમણે એક દિવસ માને સોનાની બંગડી વેચીને પૈસા આપતાં કહ્યું કે, ‘આ પૈસા મારાં ક્રિયાકર્મ માટે છે. તારી પાસે સંતાડીને રાખી મૂકજે. મારાં મૃત્યુ પછી કોઈની પાસે હાથ લાંબો નહીં કરતી. મારાં દીકરાને ગમે તેટલું પણ સમજાવું, એને તો પથ્થર પર પાણી છે.' સ્કૂલ, કૉલેજમાં બીજા છાત્રો ભલે રજા પાડે પણ હું અને મારો નાનો ભાઈ હરીશ કોઈ દિવસ રજા ન પાડતાં. ઘર કરતાં અમને ત્યાં વધારે ગમતું. પુસ્તકો અને અધ્યાપકો તો જાણે અમારાં માટે દેવદૂતો હતા. મારી મા અમને ભણતાં અને કક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થતાં જોઈ રાજી રાજી થઈ જતી. એનું પ્રસન્નતાની સાથે જે વેર હતું તે અહીં ઓગળી જતું હતું. મને પહેલેથી જ વિજ્ઞાનનું ઘેલું. હું કૉલેજમાં વિજ્ઞાનનો વિષય રાખી ભણતી, પણ મારાં પિતાએ કૉલેજના ત્રીજા વર્ષની ફીસ ભરી જ નહીં અને મારું ભણતર અટકી ગયું. મા કેટલી રડી કકળી હતી, પણ એના જવાબમાં એની ઉપર થપ્પડો અને પટ્ટાઓનો વરસાદ થયો હતો. મારાથી બે વર્ષ નાના ભાઈ હરીશે, ૧૨મી પાસ કર્યા પછી એક વકીલને ત્યાં નોકરી પકડી લીધી હતી. જેથી એનું ભણતર અટકે નહીં. હરીશે જાતબળે જ પોતાનું ભણતર પૂરું કર્યું હતું. મારાં પિતાએ એને કોઈ દિવસ ફીસના પૈસા પણ નહોતા આપ્યા. મારાં ભાઈની વકીલાતની પરીક્ષા બહુ સારી ગઈ હતી. પરિણામ આવવાના દિવસે મા તો જાણે સવારથી હસહુસુ થતી હતી. હરીશ પરિણામ જાણવા મિત્રને ત્યાં ગયો હતો. અમારે ત્યાં તો ફોન પણ ન હતો. તે ખુશખુશાલ ઘરે પહોંચ્યો. માને તો વિશ્વાસ હતો જ કે એનું પરિણામ સારું જ આવશે. હરીશનું હસતું મોઢુ જોઈ તે ખુશ થઈ ગઈ, પણ ત્યાં મારા પિતાનું ત્રાગુ ચાલુ થયું. એ પણ જાણે એના પરિણામની વાટ જોઈને જ બેઠા હતા. મા હરીશનું મોં મીઠું કરાવવા ગઈ, ત્યાં મારા પિતાએ હુકમ કર્યો, ‘તારા બોસ પાસેથી પૈસા લઈ આવ. આ મકાન ગીરવી છે. એ હાથમાંથી વહી જશે.' એમણે એક પછી એક કારખાનું, વાડી, ઘરેણાં બધું વેચી માર્યું હતું. આ મકાન હતું એને પણ ગીરવી મૂકી દીધું હતું. હરીશે કહ્યું, 'હજી મારી કારકિર્દી ચાલુ નથી થઈ ત્યાં હું આગોતરા પૈસા ન માંગી શકું.’ અને મારાં પિતાના બૂમ-બરાડા ચાલુ થઈ ગયા. તેમણે હરીશને મારવા હાથ ઉપાડયો પણ હરીશે એમનો હાથ પકડી લીધો અને કહ્યું, 'કાલે હું, મા અને બેન સાથે ઘર છોડીને વયો જઈશ. તમે તમારા કર્મો સાથે આ ઘરમાં જ રહેજો.! આ સાંભળીને મારા પિતા તો કાળઝાળ થઈ ગયા. પણ હરીશ તો અકળાઈને ઘરની બહાર નીકળી ગયો. હું પણ એની સાથે થઈ. અને એના પછી જે થયું એની હું કલ્પના પણ નથી કરી શકતી. અમે જ્યારે પરે પહોંચ્યાં, તો જોયું કે માનું નિર્જીવ શરીર કૂવામાં તરી રહ્યું હતું! મારાં પિતા, મા ગુજરી ગઈ એના આજે બે દિવસ થયા, હજી ઘરે નથી આવ્યા. મારાં નાનીએ માને પાણી ન ભરવું પડે એટલે કુવાવાળા ઘ૨માં પરણાવી, પણ જેની સાથે પરણાવી એનું તો પાણી જ ન જોયું. અને સાચે જ માને પાણીની અને એની આંખોને આંસુની ઓછપ આખી જિંદગી કોઈ દિવસ ન પડી અને એના મૃત્યુ વખતે પણ એની ચારેકોર બસ પાણી જ પાણી!

વાર્તા અને વાર્તાકાર :

રાજશ્રી વળિયા (૧૮-૦૯-૧૯૬૬)

‘ખારાં પાણી’ વાર્તા વિશે :

વાર્તાની કથક દીકરી છે. માના મૃત્યુને બે દિવસ થયા છે. એ માની ડાયરી=નોટ વાંચી રહી છે. માને એની માએ પાણી ભરવાની મજૂરી ન કરવી પડે એટલે કૂવાવાળા ઘરે પરણાવી પણ માએ પરણ્યાનું પાણી ન જોયું. એ જુગારી, બધું હારી ગયો, દીકરીને ભણતી ઉઠાડી લીધી. મા પર મન ફાવે ત્યારે હાથ ઉપાડે. માની માએ જે કૂવો જોઈને દીકરીને પરણાવી હતી એ જ કૂવામાં મા ડૂબી મરે છે. બાપ કશેક ભાગી જાય છે. દીકરીને થાય છે કે નાનીએ પાણીની તાણ ન પડે એટલે માને આ ઘરમાં પરણાવેલી. ખરેખર જ માને કદી પાણીની ખેંચ ન પડી. આખી જિંદગી આંસુ અને મૃત્યુ વખતે પણ ચારેકોર પાણી જ પાણી...