ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/‘વૃદ્ધશતક’માંથી — કમલ વોરા
કમલ વોરા
એક હતું ધંગલ
‘ધંગલનો રાજા એક ત્સિંહ હતો.’
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને
થાઈ ધાય...
એટલું બોલતાં બોલતાંમાં તો
વૃદ્ધ હાંફી જાય છે
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે
ધંગલના બધ્ધા પ્લાનીઓએ
એક સભા કલી
ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ
એક સત્સલું કેય કે
હું રાજાને છેતલું
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે
અહીં
વારતા અટકી ગઈ કારણ
વૃદ્ધ ભૂલી જાય છે કે
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું
એ ખૂબ યાદ કરવા મથે છે
આંખો ચકળવકળ ઘુમાવે છે
અકળાય છે
પણ એને આગળનું કંઈ જ યાદ નથી આવતું
અધૂરી રહી ગયેલી વારતામાં
જંગલનું સિંહનું
અને સસલાનું
અને વૃદ્ધનું હવે શું થશે...
એની તોઈને ખબલ નથી
.
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?
‘એક હતું ધંગલ. ધંગલનો રાજા એક સિંહ હતો. ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય...’ આવું કાલું કાલું તોતલું તોતલું કોણ બોલે છે? કોઈ શિશુ? ના, આ તો વૃદ્ધ, જીવનથી હાંફી ગયેલો વૃદ્ધ, ‘દંતકથા’ નથી કહી શકતો, માટે પ્રાણીકથા કહે છે. કોને? કોઈ બાળકને? કે પોતાને? પોતાની સાથે વાતો કરવાનો એક ફાયદો-સાંભળનાર અધવચ્ચેથી ઊઠી તો ન જાય.
એકલા સાંજે બગીચે બેસવું, શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે?
(રમેશ પારેખ)
વૃદ્ધોના દાંત ઘસાતા જાય, ખરી પડે. પ્રજ્ઞા પણ ઘસાતી જાય, ખરી પડે. એંશીમા વર્ષે માનસિક વય આઠની હોય, એવુંયે બને. ઘડપણ એટલે બીજું બાળપણ. માટે જ કવિએ વૃદ્ધને મુખે બાળવાર્તા મૂકી છે. બાળવાર્તાઓ તો બહુ છે—શિયાળ અને કાગડાની, હંસ અને કાચબાની, મગર અને વાંદરાની… કવિએ કેમ સસલા અને સિંહની જ પસંદ કરી? કારણ કે સસલું અને સિંહ એટલે વૃદ્ધ અને મૃત્યુ. વાર્તા ફરી વાંચીએ? ‘એક હતું ધંગલ’—વનપ્રવેશ થઈ ચૂક્યો છે. ‘ધંગલનો રાજા એક સિંહ હતો.’—સર્વત્ર કાળ ભગવાનની આણ પ્રવર્તે છે. ‘ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ’-આજે તારો વારો ને કાલે મારો. ‘એક સત્સલું કેય કે હું રાજાને છેતલું’-સસલાં છેતરવાના પ્રયાસો તો કરવાનાં. યયાતિએ પુત્ર પાસેથી યૌવન લીધું, ઇજિપ્તના ફારો દાસદાસીઓ સાથે પિરામિડમાં પ્રવેશ્યા, તમે મોતિયો ઉતરાવ્યો, મેં ડેન્ચર મુકાવ્યું. ‘સત્સલું તો ગિયું ત્સિંહ પાસે.’ અહીં વાર્તા અટકી ગઈ. કેમ? વૃદ્ધાવસ્થામાં સામાન્ય એવો સ્મૃતિભ્રંશ થયો? સિંહની બોડમાં જનારનાં પગલાં દેખાય, પાછા આવનારનાં ન દેખાય. સસલું સિંહની બોડમાં પ્રવેશ્યું, એટલે વૃદ્ધ વિહ્વળ થઈ ઊઠ્યો. એના અસંપ્રજ્ઞાત ચિત્તે વાર્તાની વિસ્મૃતિ કરાવી દીધી. બાકી એ વાર્તામાં આગળ શું થાય છે, તે આપણે જાણીએ છીએ: સિંહે સસલાને ધમકાવ્યું, કેમ મોડું? સસલું કહે, નામદાર, બીજો સિંહ મળી ગયેલો. એ તો પોતાને જ જંગલનો રાજા માને છે! આ સાંભળીને રાજા સિંહ ધૂંઆપૂંઆ થઈ ગયો. ક્યાં છે એ બીજો સિંહ? સસલું સિંહને દોરી ગયું કૂવા પાસે. દાંતિયાં અને ઘુરકિયાં કરતું પોતાનું પ્રતિબિંબ જોઈને, સિંહ ત્રાડ પાડતોકને કૂદી પડ્યો કૂવામાં! કવિ જો વાર્તા પૂરી કરતે, તો કવિતા અધૂરી રહેતે. માટે તેમણે વાર્તા અધૂરી રાખીને કવિતા પૂરી કરી. કેટલું લખવું અને ક્યાં અટકવું એ કમલ વોરા જાણે છે. ‘વૃદ્ધશતક’ કાવ્યસંગ્રહમાં તેમણે ૯૯ કાવ્યો રચીને ૧૦૦મા કાવ્યનું પાનું કોરું રાખ્યું છે. અહીં ૧૯મા કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો. જ્યારે ૧૦૦મા કાવ્યનો કરાવીશ, ત્યારે હું પણ પાનું કોરું રાખીશ.
***