ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પરસ્પર પરોક્ષેય — ઉશનસ્

From Ekatra Wiki
Revision as of 02:00, 4 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરસ્પર પરોક્ષેય

ઉશનસ્

નટવરલાલ પંડ્યા 'ઉશનસ્'ના જન્મશતાબ્દિના વર્ષ નિમિત્તે તેમનું કાવ્ય 'પરસ્પર પરોક્ષેય' માણીએ. આ સોનેટદ્વય છે, પહેલું સોનેટ પુરુષમુખે છે અને બીજું સ્ત્રીમુખે.શીર્ષક સૂચવે છે તેમ સ્ત્રી-પુરુષનો સંબંધ સચવાયો તો છે, ('પરસ્પર') પરંતુ પ્રત્યક્ષ મળી ન શકાય તે રીતે. ('પરોક્ષેય.')

પુરુષની ઉક્તિ પત્રસ્વરૂપે છે.સોનેટના પહેલા અષ્ટકમાં તેની મિલન માટેની ઉત્કટ ઝંખના વરતાય છે.પુરુષ લખે છે, 'કેટલો સમય વહી ગયો તમે છેલ્લે આવ્યા તેને! કંઈ પણ બહાનું કાઢીને ચાલ્યા આવો. તમને એટલોય વિચાર નથી આવતો કે મારે માથે શું વીતતું હશે?' સ્ત્રી હવે 'પરકીયા' થઈ ગઈ છે એનું જાણે પુરુષને ભાન જ નથી. પત્રમાં બે વાર તો 'પ્રિયે' લખી બેસે છે. પરિણિતા સ્ત્રી કઈ રીતે પત્રો લખે કે વારે વારે મળવા આવે? પણ પ્રેમે કદી સમજદાર હોવાનો દાવો કર્યો નથી.

પછીના ષષ્ટકમાં ભાવપલટો આવે છે:

પ્રિયે! કે આ જાદુગર સમયની વિસ્મૃતિ-પીંછી
તમોનેયે સ્પર્શી ગઈ જ?ભૂંસી નાખ્યો ભૂત બધો?

દુ:ખનું ઓસડ દહાડા એ ન્યાયે સ્ત્રી સંબંધ ભૂલી ગઈ? સમયની પીંછી ચીતરતી નથી પણ ભૂંસે છે, કારણ કે જાદુઈ છે.પુરુષને આશંકા થાય છે કે સ્ત્રીને શું એવડું સુખ મળ્યું કે ભૂતકાળને વિસારે પાડ્યો? જાણે વિરાગ થયો હોય તેમ પુરુષ પોતાનું નોતરું રદ કરે છે:

શુભેચ્છા, તો ના'વો-અહીં અટકું છું- એ જ ઉચિત
લઉં ખેંચી આમંત્રણની સહ આખોય અતીત.

જયંત પાઠકની પંક્તિઓ સાંભરે: (તેમની જન્મશતાબ્દિ પણ આ વર્ષે જ છે.)

"પ્રિયે,લો મેં તમારાથી વાળી લીધું મન
હવે તો નિરાંત, નહીં વિરહ-મિલન!"

બીજું સોનેટ સ્ત્રીમુખે છે. લોકલાજને કારણે એ પત્ર તો કેમ લખે? માટે ઉરની વાત સખી પાસે ઠાલવે છે.સ્ત્રી ઠરેલ હોય. તે આરંભમાં પ્રકૃતિનું વર્ણન કરે છે:

બપોરી વેળા છે,દ્રગ મળી ગયાં છે દિવસના
જરી થાકે,ઘેને,મુજ ઘરની સામે જ લીમડા
નીચે શેરી વચ્ચે પ્રહર વિરમ્યો છે ક્ષણભર,
છૂટ્યાં છે ગાડાંઓ શ્રમિત તરુછાયાતલ અને...

ક્યાં પુરુષનો ઉદ્વેગ અને ક્યાં સ્ત્રીની સ્વસ્થતા? સંસારીજીવનમાં સ્થિર થયાની પ્રસન્નતા અહીં અનુભવાય છે. અલસ વેળા, લીમડાની છાયા, ગાડાંથી છૂટેલા બળદ, આ બધું શાંતરસને પોષે છે.(આને અલંકારશાસ્ત્રીઓ 'ઉદ્દીપન વિભાવ' કહે છે.) 'લોકોની આંખ મળી ગઈ છે' એમ ન કહેતાં કવિ કહે છે કે 'દિવસની આંખ મળી ગઈ છે', લીમડા તળે જનાવર નથી વિરામ કરતાં પણ સમય વિરામ કરે છે. આવાં ઉક્તિવૈચિત્ર્યોથી કાવ્ય રચાતું હોય છે.

બન્ને સોનેટમાં ભાવ અલગ હોવા છતાં છંદ એક જ છે:શિખરિણી. જાણે સ્ત્રી-પુરુષના કંઠ જુદા પણ સ્વર એક જ છે. ઉપરની પંક્તિઓ ફરી વાંચીએ. 'ગયાં છે દિવસના' કે 'સામે જ લીમડા' શબ્દોથી પંક્તિ પૂરી થાય છે પણ વાક્ય પૂરું થતું નથી. વાક્ય પંક્તિની વચ્ચે પૂરું થાય તેવી રચનાને 'એનજામ્બમેન્ટ' કહે છે, એનાથી રચનારીતિમાં વૈવિધ્ય આવે છે.

પતિને યાદ કરતાં સ્ત્રી બોલી પડે છે:

પ્રભુ! મારું હેવાતન અમર રહો, રહો કુશલ એ.

સ્ત્રીને પોતાના સૌભાગ્યનો (હેવાતન) પરિતોષ છે. ગૃહકાર્ય આટોપીને તે-બળદ ગાડાથી છૂટતો હોય તેમ- મોકળી થાય છે, અને આઘે આઘે અતીતમાં બેઠેલા પરપુરુષને સ્મરે છે, સ્મૃતીને વાગોળે છે. શીલવંતી હોવાને લીધે તે સખીને પૂછે છે: હું કોઈ પાપ કરું છું?

કવિ આનો જવાબ નથી આપતા, જવાબો આપવાનું કામ કવિનું હોય પણ નહિ, પણ જે સમભાવથી તેમણે સ્ત્રીને આલેખી છે, તેનાથી ભાવકને જવાબ મળી જાય છે.

કાવ્યમાં ભાષાનાં વિવિધ સ્તર જોવા મળે છે: તળપદું ('આણી', 'હેવાતન'), તત્સમ (શીર્ષક જ જોઈ લો), અંગ્રેજી ('ઓફિસે.') આવી ભાષા કાવ્યને ઉપકારક છે એમ તો ન કહેવાય.

ઉશનસ્ દંપતી ન થઈ શકેલા સ્ત્રી-પુરુષની સોહામણી કાવ્ય-જોડી રચી આપે છે.

***