ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ઘટા — પ્રદ્યુમ્ન તન્ના

From Ekatra Wiki
Revision as of 08:05, 27 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઘટા

પ્રદ્યુમ્ન તન્ના

માથે લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ સરતી સાવન ઘટા
ને તરતી તરલ છાંયમાં તળે
વચવચાળે ઊભરે પરે
તેજના ચટાપટા!
માથે લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ સરતી સાવન ઘટા...

એટલી નીચી લોલ લળે કાંઈ એટલું ઢળતી જાતી
સાવ અડોઅડ ઊડતા બગની ચાંચ રહે ટકરાતી!
ને ચોગમ તૂટી લડ્યથી સર્યા
મોતન—શા બુંદ જાય રે ઝર્યા
લળખ લળખ થતાં!
માથે લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ સરતી સાવન ઘટા...

આજ કશું નહીં થીર કે મૂંગું, કલરવ કૂવા-કાંઠે
હાલકદોલક હેલ્યને બેડે જળ ચઢ્યાં શીય વાતે!
દૂરનાં જાંબુલ વંનથી ભીનાં
લાવતાં આહીં સૂરને ઝીણા
૫વન આવતાં જતાં!
માથે લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ સરતી સાવન ઘટા...

સાંકડી આવી શેરી, વચે થઈ સરીએ તે કઈ પેરે?
એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે!
અંગ ચોંટ્યાં ને ઊડતાં સખી
જળ સું ભીનાં ઓઢણ થકી
જોવન થતાં છતાં!
માથે લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ સરતી સાવન ઘટા..…

ચાતકને ચાખવું ગમે, તેવું ચોખ્ખું વર્ષાગીત

જીવનનો ઉત્તરકાળ જેમણે ઈટાલીમાં વિતાવ્યો એવા પ્રધુમ્ન તન્નાનું આ વર્ષાગીત છે. વાદળીઓ માથે થઈને સરતી જાય છે. ‘સરતી’, ‘તરતી’, અને ‘લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ’ શબ્દપ્રયોગો જુઓ. આ ફોટોગ્રાફી નથી, વીડિયોગ્રાફી છે. પ્રથમ ત્રણ પંક્તિ પર ‘ળ’કારનાં છ છાંટણાં કરી, કવિએ જળ વહેવાનો સ્વર જાણે ઝીલ્યો છે. ‘તળે, વચવચાળે, માથે’—કવિએ સાવનઘટાનું પગથી માથા સુધીનું ચિત્ર દોર્યું છે. ‘તરલ’ યાને ચંચળ. ઉપર સરે વાદળી, નીચે તરે છાયા, તેજના ચટાપટા ચિતરાતા જાય.

વાદળીની જોડજોડે ઊડતા બગલાઓનું લઘુચિત્ર (મિનિએચર પેઇન્ટિંગ) તમે જોયું હશે. બગલાની ચાંચ ટકરાવાથી મોતીની માળ તૂટે અને લળખ લળખ થતાં બુંદ ઝરે. કૂવા-કાંઠે શેનો કલરવ છે? પનિહારીનો? કે વાતે ચડેલા પાણીનો? કવિ કહેતા નથી, જળને બોલવા દે છે. જળ બેડાં પર ચડ્યાં છે અને વાતેય ચડ્યાં છે. ‘જાંબુલ’ એટલે ‘જાંબલી’ અથવા તો જાંબુનું. કવિ ભાવકની પંચેન્દ્રિયને પંચામૃત ચખાડે છે—‘જાંબલી’ (દૃષ્ટિ), ‘જાંબુ’ (સ્વાદ), ‘પવન’ (ગંધ), ‘ભીનાં’ (સ્પર્શ) અને, ‘ઝીણા સૂર’ (શ્રુતિ) કાવ્ય સૌ ઇન્દ્રિયોથી માણી શકાય તેવું—સેન્સુયસ બને છે. છેક છેલ્લા બંધમાં આવીએ ત્યારે સમજાય છે કે આ ગીત એક યુવતીની ઉક્તિ છે. ‘લોલુપ ઝરૂખ’ કહી કવિ ‘વિષયલોલુપ આંખો’ ભણી સંકેત કરે છે. ભીની ઓઢણી અરધી ચોંટેલી હોય અને અરધી ઊડતી હોય એવી ઊડું ઊડું થતી ક્ષણને કવિએ આબાદ ઝીલી છે. યુવતીનું અંગ ઉઘાડું નથી, તો ઢંકાયેલું પણ નથી. ઢાંકી ઢાંકી પ્રકટ કરવું કાર્ય એ છે કલાનું. કવિની શબ્દપસંદગી જુઓ-મોતી નહીં પણ મોતન, સ્થિર નહીં પણ થીર, હાલકડોલક નહીં પણ હાલકદોલક, વન નહીં પણ વંન, જળથી નહીં પણ જળ સું. જોબન નહીં પણ જોવન. કાવ્યપદાવલિ લલિત, કોમળ અને તળપદી છે. પ્રધુમ્ન ગ્રાફિક ડિઝાઇનર અને ફોટોગ્રાફર હતા. સિનેમાની ભાષામાં વાત કરીએ તો બગલાની ચાંચ વાદળી સાથે ટકરાવાથી બુંદ ઝરે એ થયો ‘લોંગ શોટ’, કૂવાકાંઠે હાલકદોલક હેલ્યને બેડે જળ વાતે ચડે એ થયો ‘મિડ શોટ’ અને ભીનાં ઓઢણ અંગને ચોંટે એ થયો ‘ક્લોઝ-અપ.’ વર્ષાગીતો તો ઘણાંયે લખાય છે, પરંતુ આવું કાવ્ય જવલ્લે રચાય છે.

***