ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/અભિસાર — ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
બૌદ્ધ ભિખ્ખુ ઉપગુપ્ત, સમ્રાટ અશોકના ગુરુ હતા. તેમના જીવનપ્રસંગ પરથી દસમી-અગિયારમી સદીના કાશ્મીરી કવિ ક્ષેમેંદ્રે કાવ્ય રચ્યું હતું.તેમાંથી પ્રેરણા લઈને રવીન્દ્રનાથ ટાગોરે કાવ્યનું સર્જન કર્યું હતું. તેનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘અભિસાર.'
મથુરા શે'રની રાંગે સંન્યાસી ઉપગુપ્ત કો'
સંકોડી ઈન્દ્રિયો સર્વે એક રાત સૂતો હતો.
ઉપગુપ્ત મથુરાના કોઈ શેઠિયાના નિવાસે નહિ, પરંતુ કોટની ભીંત પાસે સૂતો હતો, કારણ કે તે સંસારી નહિ પણ શ્રમણ હતો. કાચબો પોતાના અંગોને ઢાલમાં સંકોરે, તેમ સર્વ વિષયોમાંથી ઇંદ્રિયોને સંકોરી લેનારને ગીતામાં ‘સ્થિતપ્રજ્ઞ' કહ્યો છે.ઉપગુપ્ત પણ તે રીતે સૂતો હતો.અંધારી રાત હતી, પવનમાં દીપકો ઠરી ગયા હતા.શ્રાવણની ઘટા પાછળ તારલા દેખાતા નહોતા.
ઓચિંતી અંધકારે ત્યાં ગૂંજી છે પગઝાંઝરી :
યોગીની છાતીએ પાટુ કોના પાદ તણી પડી ?
ચુપચાપ ચાલ્યે જતી એક વ્યક્તિની પાટુ ઉપગુપ્તની છાતીએ વાગી.પગઝાંઝરી સંભળાઈ અને યોગીના મુખ પર દીપકનો પ્રકાશ પથરાયો. આવા દ્રશ્યશ્રાવ્ય વર્ણનથી ભાવકને ચલચિત્ર જોયાનો સંતોષ મળે છે. આ ખંડકાવ્ય છે,અનુષ્ટુપ પછી હવે મંદાક્રાંતા માણીએ:
અંગે ઝૂલે પવન - ઊડતી ઓઢણી આસમાની
ઝીણી ઝીણી ઘુઘરી રણકે દેહ-આભૂષણોની;
પ્યારા પાસે પળતી રમણી અંધકારે અજાણે
સાધુગાત્રે ચરણ અથડાતાં ઊભી સ્તબ્ધ છાની
નગરની વડી વારાંગના વાસવદત્તા અભિસારે નીકળી છે,ભૂલથી તેનો પગ ઉપગુપ્તને અથડાય છે.વારાંગનાની કમનીયતા દર્શાવવા ‘અંગ' અને ‘દેહ' બન્ને શબ્દો મુકાયા છે. તેની રંગીન જુવાની ભણી ઇશારો કરવા ઓઢણીના રંગનું નામ પડાયું છે.તેની ચંચળતા બતાડવા ઓઢણીને ‘પવન-ઊડતી' કહેવાઈ છે. ઘુઘરિયાળાં આભૂષણ તેનું વરણાગીપણું દેખાડે છે. ‘આ વળી કોણ?' વિચારીને દીવડો ધરતી વાસવદત્તાને યોગીની ગૌર કાયા દેખાય છે, અને તેના પ્રત્યે આકર્ષણ જાગે છે:
‘ક્ષમા કરો ! ભૂલ થઈ કુમાર !
કૃપા ઘણી, જો મુજ ઘેર ચાલો.
તમે મૃદુ, આ ધરતી કઠોર.
ઘટે ન આંહીં પ્રિય તોરી શય્યા.’
જેણે સોડ તાણી છે તે સાધુ છે એ ન જાણતી ગણિકા તેને ‘કુમાર' કહી સંબોધે છે, અને પોતાના ઘરની શય્યા શોભાવવાનું આમંત્રણ આપે છે.યોગી જવાબ આપે છે:
‘નથી નથી મુજ ટાણું સુંદરી ! આવ્યું હાવાં, જહીં તું જતી જ હો ત્યાં આજ તો જા સુભાગી!જરૂર જરૂર જ્યારે આવશે રાત મારી, વિચરીશ તુજ કુંજે તે સમે આપથી હું.’
ઉપગુપ્ત તેને ધુત્કારતો નથી, ‘સુંદરી' કહી સન્માને છે. અત્યારે તો નહિ, પણ મારા આવવાને સમયે જરૂર આવીશ, એમ કહી મિલનનો કોલ આપે છે. આપણને કુતૂહલ જાગે કે સાધુએ વારાંગનાને રાતે મળવા જવાનું વચન કેમ આપ્યું હશે? થોડા માસ વીતી ગયા, શ્રાવણ ગયો,ચૈત્ર આવ્યો. મથુરાવાસીઓ ફૂલ-ઉત્સવ ઉજવવા મધુવને ગયા.ચૈત્રની ચાંદની રાતમાં પેલો યોગી ચાલી રહ્યો છે.કવિ પ્રશ્ન કરે છે:
આવી શું આજ એ રાત્રિ,યોગીના અભિસારની?
આપેલા કોલ આગુના, પાળવા શું પળે છ એ?
શું મિલનનો કોલ પાળવા યોગી નીકળ્યો હશે?
નગરની બહાર ગઢની રાંગ પાસે યોગીએ શું જોયું?
પડી નિજ પગ પાસે એકલી રંક નારી,
તન લદબદ આખું શીતળાનાં પરુથી
વાસવદત્તાને શીતળા થવાથી, નગરજનોએ એની કાયાને વિષ સમ ગણીને રાંગ પાસે ફેંકી દીધી હતી. એ જ મથુરાની રાંગ, એ જ રાતનો સમય! પહેલાં સુંદરીના પગ પાસે યોગી પડ્યો હતો, આજે યોગીના પગ પાસે સુંદરી પડી છે! પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા એ બુદ્ધનો સંદેશ છે. ઉપગુપ્તે રોગીનું માથું પોતાના અંકમાં મૂક્યું, એના મુખે પાણીની ધાર કરી અને પીડા શમાવવા શાંતિમંત્રો ઉચ્ચાર્યા. ગેગેલા એ શરીર ઉપરે ફેરવી હાથ ધીરો, લેપી દીધો સુખડઘસિયો લેપ શીળો સુંવાળો. વાસવદત્તા સમજી ન શકી કે આ દેવદૂત કોણ છે, ક્યાંથી આવ્યો?
પૂછે રોગી: ‘મુજ પતિતની પાસ ઓ આવનારા!
આંહીં તારાં પુનિત પગલાં કેમ થાયે, દયાળા?'
બોલે યોગી: ‘વિસરી ગઈ શું કોલ એ, વાસુદત્તા!
તારા મારા મિલનની સખિ ! આજ શૃંગારરાત્રિ'
ઉપગુપ્તે અભિસારનું ટાણું સાચવી લીધું, ભોગી નહિ પણ રોગી પાસે જઈને.
***