ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/સજનવા — મુકુલ ચોક્સી
મુકુલ ચોકસી
આ હળુ વાતો પવન ને ગામ ઊંઘરેટું સજનવા,
આપનું ઘર એક સપના જેટલું છેટું સજનવા
જે સહજ રીતે વીતેલા એમની મેળે સજનવા,
લોક તો કહે છે કે એ દિવસો ગયા એળે સજનવા.
પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવા,
મળવું હો તો આ દિશાચક્રોની બહાર મળ સજનવા.
સૂર્ય સામે આછું અમથું સ્મિત કર એવું સજનવા,
થઈ પડે મુશ્કેલ ત્યાં એને ટકી રહેવું સજનવા
બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા,
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા.
હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા,
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા.
ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા,
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા.
બે અને બે ચાર જેવી વાત છે
મુકુલ ચોકસીએ ‘સજનવા’ નામની દીર્ઘ નઝમ લખી છે. તેનાં ૧૨૮ પંક્તિયુગ્મો (કપલેટ્સ)માંથી ચૂંટીને અહીં ૭ મૂક્યાં છે. ‘આ હળુ વાતો પવન’ ‘આ’ તો દર્શક સર્વનામ! કવિ અદૃશ્ય પવનને ચીંધી બતાવે છે. ‘આપનું ઘર એક સપના જેટલું છેટું’, એટલે કેટલું છેટું? દૂર કહેવાય કે નજીક? તમે કહેશો, ‘સપના જેવું’ એટલે અશક્યવત્, માટે દૂર કહેવાય. કવિ કહેશે. ‘હળુ પવન વાઈ રહ્યો છે, ગામ ઝોકે ચડ્યું છે, સપનું આવ્યું જ સમજો, માટે નજીક કહેવાય.’ ‘જે સહજ રીતે વીતેલા એમની મેળે સજનવા’-બાળપણના દિવસો આપમેળે આનંદમાં વીતી જાય. ન કશું મેળવવાની એષણા, ન કશું ખોવાની ફિકર. આનંદ કદી એળે જાય?
બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઊડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા નીકળશે.
(સુરેશ જોષી)
‘પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવા’ કોઈ પૂછશે, પશ્ચિમનું અને ઉત્તરનું શું? એમ ફોડ પાડીને કહેવાનું ન હોય. આ લયકારી છે, મોસમની જાણકારી નથી. કલાપીની જેમ આ કવિનાં તત્ત્વો પણ પ્રકૃતિથી મેળ ખાતાં નથી. ‘બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા’—પ્રેમ અટપટો નથી. આંખમાં આંખ પરોવીને જોઈએ તો બે અને બે ચાર જેવી વાત છે. ‘દૃગ’ જેવો તત્સમ શબ્દ પ્રયોજીને કવિ આંખને નવી નજરે જુએ છે. જેના વડે જોવાનું છે તે આંખ, જેમાં જોવાનું છે તે પણ આંખ, પછી વચ્ચેનું જગ હોય તોય શું—ન હોય તોય શું? ‘હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા’—દરિયો ઊછળી ઊછળીને દસ્તક દે, પછી તેના ઉત્સાહમાં ઓટ આવે. ‘નતમસ્તક’ જેવો સંસ્કૃત પ્રાસ પ્રયોજતો કવિ સુસંસ્કૃત છે. ટકોરો તો દે છે પણ એક જ વાર. ‘ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા’—કવિ જિહ્વાથી નથી પૂછતા, ટેરવાંથી પૂછે છે, કારણ કે પ્રિયતમા સાથેનો કરાર ટેરવાંથી થયો હતો. આંસુ સુકાય પણ સ્મૃતિ ન સુકાય. પંખી ઊડી ગયા પછી પણ ડાળ તો ઝૂલતી રહે.
***