અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વર્ષા

From Ekatra Wiki
Revision as of 06:49, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વર્ષા

પ્રહલાદ પારેખ

વર્ષાની ધારના કોણે આકાશથી
         અવનિને ઉર આ તાર સાંધિયા?
અંગુલી વીજની કોણે આ ફેરવી,
         શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં? વર્ષાની.

ગીતે એ થનથન નાચે છે મોરલા,
         ટહુકારે વન વન વ્યાપી રહ્યાં;
રૂમઝૂમ રૂમઝૂમ ઝરણાઓ નાચતાં,
         પર્વતના બંધ સૌ તૂટી ગયાં. વર્ષાની.

ચારે તે આરે ભેટે સરોવર,
         નદીઓને હાથ ના હૈયાં રહ્યાં;
ગીતે એ વન વન સમૃદ્ધિ સાંપડી,
         શુષ્કતા-ભુજંગપાશ તૂટી ગયા. વર્ષાની.

ગીતે એ આભમાં નાચે છે વાદળી,
         પોઢ્યા અંકુર સૌ ઊભા થયા;
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
         તાલે એ ગીતનાં વ્હેતાં થયાં. વર્ષાની.

(બારી બહાર, પૃ. ૧૧૪)