અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/આંસુનાં પણ નામ હતાં
Revision as of 11:39, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
આંસુનાં પણ નામ હતાં
સૈફ પાલનપુરી
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો — શું આંસુનાં પણ નામ હતાં?
થોડાક ખુલાસા કરવા’તા, થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંજિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમીસાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યાં, બહુ અંગત અંગત નામ હતાં.
જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા!
(ઝરૂખો, ત્રીજી આ., ૧૯૮૪, પૃ. ૨૦)
←