ભજનરસ/અનંત જુગ વીત્યા

From Ekatra Foundation
Revision as of 12:27, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


અનંત જુગ વીત્યા

અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં
તો યે અંતર રહ્યું છે લગાર,
પ્રભુજી છે પાસે રે, હિર નથી વેગળા રે,
આડો પડ્યો છે એંકાર –
દિનકર રૂંધ્યો રે જેમ કાંઈ વાદળે રે,
મટ્યું અજવાળું ને થયો અંધકાર,
વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે,
ભાનુ કાંઈ દેખાયો તે વાર –
લોકડિયાની લાજું રે બાઈ, મેં તો ના’ણીઓ રે,
મેલી કાંઈ કુળ તણી મરજાદ,
જાદવાને માથે રે, છેડો લઈને નાખીઓ રે
ત્યારે પ્રભુવર પામી છઉં આજ –
નાવને સ્વરૂપે રે, બાઈ, એનું નામ છે રે,
માલમી છે એના સરજનહર,
નરસૈંયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,
તે તો તરી ઉતારે ભવ પાર
અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં.

અનંત જુગ વીત્યા રે

પ્રભુને પામવા માટે કેટલા જુગોની ખેપ કરી? કેટલા જનમોના ફેરા કર્યા? પણ જાણે એક પગલુંયે પ્રભુ ભણી આગળ વધાયું નહીં. કારણ? પહેલું પગલું જ ખોટું પડ્યું. હુંપદ રાખીને કોઈ હિરને મળી શકતું નથી. જ્યાં સુધી હું છે ત્યાં સુધી ગમે તેટલાં સાધન, ભજન, તપ-તિતિક્ષા કરવામાં આવે પણ હિરની ગલીમાં પગ નથી મૂકી શકાતો. કબીરે એક સાખીમાં આ વાટ બતાવી દીધી છે :

જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મેં નાહીં,
પ્રેમગલી અતિ સાંકરી તામેં દો ન સમાહી.

હિરથી અંતર રાખનારું બીજું કોઈ નથી. છે માત્ર મારું ‘હું.’

પ્રભુજી છે પાસે રે

આશ્ચર્ય તો જુઓ! જેને મળવા માટે આટલી દોડધામ, આટલા જનમ-મરણના આંટાફેરા, એ તો સાવ પાસે જ છે. ‘ચલતા ચલતા જુગ ભા, પાવ કોસ પર ગાંવ’. આવું સો મણ તેલે અંધારું કેમ થઈ ગયું? અહંકારની કાળી છાયા પથરાઈને પડી છે ને દીવાની વાતો બધા કરે છે. દીવાની વાટ કોઈ પેટાવતું નથી. દીયા કી બતિયાં કહૈ, દીયા કિયા ન જાઈ’. પછી અંધારું ક્યાંથી મટે? આત્મજ્યોત ક્યાંથી પ્રગટે? અને એ જ્યોતિમાં પ્રીતમનું સુંદર મુખ કેવી રીતે નીરખી શકાય?

દિનકર રૂંધ્યો રે

અને સામે જુઓ તો આ અંધારું એવું જામોકામી નથી. તે જડબેસલાક પણ નથી. ઘનઘોર લાગે છે, પણ ઘટાને વિખરાતાં વાર નથી લાગતી. સૂર્યને વાદળાં ઘેરી વળે ને ઘડીક અંધારું છવાઈ જાય પણ વાદળાં હટ્યાં એટલે અજવાળું ઝોકાર. અહંકારનું, મોહ, માયાનું આવરણ એવું આવે-જાય તેવું છે. સૂરજ તો પહેલાં ને પછી એવો જ પ્રકાશે છે, પણ વાદળાંને કારણે વચ્ચે વિચ્છેદ પડી જાય છે. વેદાંતની પરિભાષામાં તેને ઘનાચ્છન્ન દૃષ્ટિ’ કહે છે. આપણી નજરને વાદળાં આવરી લે છે. સૂરજના નૂરને તેથી કાંઈ નડતું નથી. નરસિંહે આટલે આવીને તો જ્ઞાનની વાત કરી, પણ વાદળાંની વાત કરતાં જ તેની અંદરનો પ્રાણ ઝળકી ઊઠ્યો હશે, તેના મનના મોર ટહૂકી ઊઠ્યા હશે. જ્ઞાનીને જે આવરણ લાગે તે પ્રેમીને આહ્વાન લાગતું હશે. વાદળ ઘેરાયાં ન ઘેરાયાં ત્યાં નરસિંહનું મન ક્યાં રમવા દોડી ગયું?

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુલમાં બોલ્યા મોર, રમવા આવો
સુંદરવર સામળિયા.

પ્રભુ-પરમાત્મા આકાશમાં રહી ગયો ને ધરતી પર ખેલવા આવી ચડ્યો ગોકુળનો જાદવો, કૃષ્ણ ગોવાળિયો. પેલું કાળું વાદળ તો પ્રેમની કુંજમાં વરસી પડ્યું. અને આકાશ-ધરતી બંને સ્વચ્છ થઈ ગયાં. માધવને મળવા માટે ગોપીને શું રોકી રાખે છે? લોકલજ્જા. એ જ તો મો આવરણ છે. અને માધવ દૂર તો વસતા નથી. અરે, એમને શોધવા જવુ પડે એમ પણ નથી. એ તો રોજ મારી ગલીમાં સામેથી આવે છે. મીરાંના શબ્દોમાં :

આવત મોરી ગલિયન મેં ગિરધારી
મ્હૈં તો છુપ ગઈ લાજ કી મારી

‘હું’ ની પગમાં બેડી અને લજ્જાનું મોઢે આવરણ : આ બંને હટે ત્યારે હરિ પ્રત્યક્ષ.

લોકડિયાની લાજું રે

પ્રિયતમના મિલનમાં આડી આવે છે આ લોકલાજ. આ કુલ, શીલ, માન, અભિમાનની મરજાદ. જ્ઞાની નરસિંહનું ગોપીહૃદય પુકારી ઊઠે છે ઃ અરે, બાઈ! મેં તો લોકો શું બોલશે એ બીકથી પ્રીતમને નાણી ન જોયો, એના પ્રેમનું પારખું કરવાનું પણ રહી ગયું. લોકો ક્યાંક ભગત કહીને હાંસી ઉડાવશે, ક્યાંક પાગલ ગણીને તુચ્છકારશે, ક્યાંક હું મારું સ્થાન-માન ગુમાવી બેસીશ - આ ‘હું’ અહીં પણ માથું કાઢીને ઊભો રહ્યો. અને હિર તો આ ડેલી પાસેથી જ પસાર થઈ ગયા. ઉંબરા બહાર પગ ન મૂકી શકાયો. ‘નાણિયો’ એના બે અર્થ થઈ શકે. નાણિયો-પારખું કર્યું. ‘લોકડિયાની લાજું રે, બાઈ મેં તો નાણિયો’ લોકલજ્જાના પડદા આડા રાખીને જ મેં એને તપાસ્યો, પણ એનો પ્રેમ કેવો છે, એ પોતે કેવો છે એનો ચોખ્ખો અણસાર મેળવવાનો તો રહી જ ગયો. આ પડદો જરાક ખસેડીને તેનું મુખ જોયું હોત તો? આ એક અર્થ. બીજા અર્થ પ્રમાણે ના’ણિયો ન આણિયો. નોતર્યો નહીં. પ્રેમનું પરીક્ષણ અને પ્રેમનું નોતરું એ બંને અર્થ અહીં બેસે છે. લોકલજ્જાના સાતથરા પડદાથી જે પહેલાં તો પ્રીતમને નાણે છે, તે પોતાની પ્રીતિને પણ નાણી તો જુએ ને? અને એ પ્રીતિનો ઊંડો પાતાળધોધ નિહાળે પછી કોઈ પર્વતની બાધા પણ સામે ટકી શકે? ગોવિંદદાસના એક બંગાળી પદમાં રાધા કહે છે :

ક્લ મરિયાદ કપાટ ઉદ્ઘાટલું
તાહે કિ કાઠ કિ બાધા?
નિજ મરિયાદ સિંધુ સર્ચ પડારલું
તાહે કિ તટિની અગાધા?
સજનિ મન્નુ પરિખન કરુ દૂર,
કૈછે હૃદય કરિ પંથ હેરત હરિ
સમરિ સમરિ મન ઝૂર.

‘કુળ મરજાદનાં કમાડ હું ખોલી નાખીશ. એ લાકડાનાં બારણાં છે કે આડાં આવે? મારી અંદર જે માન-અભિમાનનો સમુદ્ર છે તે એક ખાબોચિયાની જેમ ઉલ્લંધી જઈશ. એ કાંઈ અગાધ નદી તો નથી. સખી, મારી પરીક્ષા કરવી રહેવા દે. કેટલી આતુરતાથી દર મારી પ્રતીક્ષા કરતા હશે એ સંભારી સંભારી મારું હૃદય ઝૂરી મરે છે.’ જેના હૃદયમાં આવી ઝૂરણા જાગે તેને અંદરનાં કે બહારનાં બંધન-રુંધન ક્યાં સુધી રોકી શકે? એટલે તો નરસિંહ બીજી જ પંક્તિમાં ગાઈ ઊઠે છે : ‘જાદવાને માથે રે છેડો લઈને નાખીઓ, મેલી કાંઈ કુળ તણી મરજાદ.’ મીરાંએ પણ ગાયું :

તાત માત ભ્રાત બંધુ આપનો ન કોઈ
છાંડિ દઈ કુલ કી કાનિ કહા કરિ હૈ કોઈ?
 

હિરમિલન આડે જે કોઈ આવે તે અત્યંત પ્રિય હોય તોપણ તેને તજીને પ્રેમી ચાલી નીકળે છે. અને ત્યારે એક અપૂર્વ ઘટના બને છે. જેને માથે પોતાના જીવતરનો છેડો ભક્ત નાખે છે, તે હિર એને સર્વભાવે અપનાવી લે છે. આ છેડાનું ગૌરવ એ છેલછોગાળો બરાબર જાળવે છે. ત્યારે પ્રભુવર પામી છઉં આજ.’ આ પંક્તિમાં આવા ગૌરવનો રણકો સંભળાય છે.

નાવને સ્વરૂપે રે... સરજનહાર

હવે નરસૈંયો તો ન્યાલ થઈ ગયો. પણ એને પગલે ચાલવા માગતું કોઈ પૂછે કે, બાઈ, તેં છેડો કેવી રીતે નાખ્યો? હિરનાં દર્શન તો અમને હજુ થયાં નથી.’ નરસિંહ એનો જવાબ આપે છે : નામસ્મરણ વિના કોઈ આરો-ઓવારો નથી. હિરનું નામ જ તરવા માટેની નૌકા છે, અને આ નૌકાનો સુકાની પણ હિર જ છે. ભક્તો કહે છે ઃ ‘નામ-નામી એક.’ નામમાં જ નામી છુપાયેલા છે. પહેલાં હિરનું નામ તો લો, પછી એ નામ જ તમને મધ્ય પ્રવાહમાં લઈ જશે ને સામે પાર ઉતારશે. નામની મધુરતાનો આસ્વાદ આવતાં એ નામ જ તમને પછી નહીં છોડે. ચંડીદાસે કહ્યું છે :

કતેક મધુરસ સ્વામ નામે આછે ગો,
વદન છડિતે નાઈ પારે.

ભગવદ્ નામમાં કેટલી બધી મધુરતા છે કે મુખ એને છોડી શકતું નથી. નામમાં ચૈતન્યરસ પ્રગટ થતો જશે ને તેમાંથી ચૈતન્યઘન હિરનો સાક્ષાત્કાર થશે. નરસિંહની જેમ મીરાંએ પણ લોકલાજની મરજાદા છોડી દેવાનું અને નામની નૌકા હંકારી મૂકવાનું કહ્યું છે :

લોક્લાજ કી કાણ ન માનાં,
નિરભૈ નિસાણ ઘેરાસ્યાં હો માઈ,
રામ નામ કી ઝાઝ ચલાસ્યાં
ભૌ સાગર તર જાસ્યાં હો માઈ.

કેટકેટલા ભક્તો આવો નિર્ભય નાદ કરતા નામની નૌકામાં બેસીને સામે પાર જતા દેખાય છે? તેમની વાણીમાં નિર્ભયતાનો, નિજાનંદનો, જીવનને જીતી જવાનો ડંકો છે. કબીરનો સાદ પણ આમાં સૂર પુરાવતો સાંભળીએ :

શબદ જહાજ ચઢો ભાઈ હંસા,
અમર લોક હૈ જાઈ હો.
પ્રેમ આનંદ કી નોબત બાજી,
જીત નિશાન ફિરાઈ હો,
કહે કબીર સુનો ભાઈ સાધુ,
અચરજ બરનિ ન જાઈ હો.

કેટલું મોટું આશ્ચર્ય છે! કેવળ હિરનામનું જહાજ છે અને મૃત્યુલોકનો માનવી કહે છે કે એ તમને અમરલોકમાં લઈ જશે. આ આશ્ચર્યવાર્તા મુખથી કહી શકાય એવી નથી. એટલે નરસિંહ કહે છે:

નરસૈયાનો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,
તે તો તરી ઉતારે ભવપાર.

પોતાના જીવનમાં જેણે નામસ્મરણની નૌકા તરતી મૂકી એની સામે નાવિક પ્રગટ થયા વિના નહીં રહે. અને એ પેલે પાર લઈ જ જશે. રવીન્દ્રનાથે પણ આવી જ શ્રદ્ધામયી વાણીથી ગાયું છે : હાલેર કાછે માઝી આછે, કોરબે તરી પાર. સુકાનની પાસે સુકાની બેઠો છો અને તે જીવનનૌકાને પાર કરી દેશે.