ભજનરસ/જ્ઞાન ગરીબી સાચી

Revision as of 03:00, 27 May 2025 by Meghdhanu (talk | contribs)


જ્ઞાન ગરીબી સાચી

જ્ઞાન ગરીબી સાચી સંતો,
જ્ઞાન ગરીબી સાચી,
બિન સમજ્યા સાધુ હોઈ બેઠા,
રૂદિયે હાંડી કાચી રે-
ભેખ લિયા પણ ભેદ ન જાન્યા,
બેલ ફરે જેમ પાણી,
સત્ય શબદ કા મરમ ન લાધ્યા,
પૂજે પથરા પાણી રે–

સુંદર ભેખ બન્યો અતિ લાલા,
ઉપર રંગ લગાયા,
કાચી હાંડી ગલ ગઈ માટી
વિરલે નીર જમાયા રે

કરડા તાપ દિયે તો બગડે,
કાચી કામ ન આવે,
સમતા તાપ દિયે તો સુધરે,
જતન કરીને પાવે રે

ભેખ લઈ મુખ મીઠા બોલે,
સબ હું શીશ નમાવે,
કહે ક્બીર સમજ પારખ બિન
હીરો હાથ ન આવે રે-

આત્મજ્ઞાન અને એનો જીવનમાં વિનિયોગ કેવો હોય તે દર્શાવતું આ ભજન છે. જ્ઞાનીનાં પ્રખર સૂર્પીકરણ અને યોગીની ધધખતી ધૂણીને પ્રેમની ચાંદનીમાં ભીંજવી, નિતારી કબીરે આ ‘જ્ઞાન ગરીબી’ શબ્દ આપ્યો છે. જ્ઞાનીને અહનો ભય અને યોગીને સિદ્ધાઈનો. આ બંનેમાંથી બચવાનો માર્ગ સંતોએ શોધી કાઢ્યો. કબીરના આ ટંકશાળી શબ્દ જ્ઞાન-ગરીબી’નો રણકો પછી તો સંતવાણીમાં વારંવાર સંભળાયા કરે છે. જ્ઞાન-ગરીબી સંતની સેવા’ એ સંતોની જીવનવાણી બની ગઈ.

જ્ઞાન ગરીબી... હાંડી કાચી.

જ્ઞાન સાથે નમ્રતા આવે ત્યારે જ જ્ઞાનનું ફળ પાક્યું ગણાય. આંબો ફળે ને નમે એમ શાની રસ-મધુર આત્માનંદથી ભર્યો ભર્યો ઝૂકી પડે. આ સમજણ વિના જેણે સાધુનો વેષ લીધો એ જાણે કાચી માટીના વાસણમાં નીર ભરવા નીકળ્યા હોય એના જેવા છે. આત્મતત્ત્વ જાણ્યા વિના શરીર સાથે જોડાયેલું જીવન કાચી હાંડી જેવું છે. કબીરે એક જગ્યાએ કહ્યું છે :

કાચૈ કરવૈ રહે ન પાની,
હંસ ઉડ્યા કાયા કુમિલાંની.

કાચી માટીના લોટામાં પાણી ક્યાંથી ટકે? માટી ઢળી જ પડવાની. એમ આત્મા ઊડી જતાં કાયા કરમાઈ જશે, માટે કાચી કાયામાંથી જ અવિનાશી સાચા તત્ત્વને પામવું જોઈએ. આ આતમસૂઝ વિના બહારના વેષ, ઉપદેશ નકામા છે.

ભેખ લિયા... પથરા પાણી રે

સાધુનો અંચળો ઓઢવાથી સાધુ નથી થવાતું. જ્યાં સુધી મોહ છે, કાંઈક થવા ને કાંઈક દેખાવાની મનીષા છે ત્યાં સુધી સાધુપણું દૂર છે. અંતરની યાત્રા વિકાસ ભણી આગળ નહીં વધે પણ ઘાણીના બળદની જેમ ચકરાવામાં ઘૂમ્યા કરશે. સત્ય, શબદ અને મરમ-આ ત્રણ શબ્દોમાં કબીરે પરમ પદ, તેને પામવાનો માર્ગ અને તેને પામવાની સૂક્ષ્મ સમજ ત્રણે બતાવી દીધાં. સત્યને પામી કેવી રીતે શકાય? કબીર કહે છે કે શબ્દની ચોટ લાગવી જોઈએ. સાખી છેઃ

શબદે મારા ગિર પરા, શબદે છોડા રાજ,
જિન યહ શબદ વિવેકિયા તિન કો સરિ ગયો કાજ.’

સંતવાણીમાં ‘શબદુનાં બાણ’નો ધનુષ-ટંકાર સાંભળવો ને તેની ચોટ લાગવી — બંને વચ્ચે ઘણું અંતર છે. ગોરખ કહે છે :

સબદ હી તાલા, સબદ હી કૂંચી.

બાહ્ય શબ્દ કેવળ વાણીવિલાસ છે, સત્ત્વ વિનાનું ફોરૂં છે. પણ અંદર જે મર્મનું બીજ રહ્યું છે એ તો શ્વાસે શ્વાસે રટણ થાય ત્યારે ઊઘડે છે. પછી બધા જ બાહ્યાચાર ખતમ થઈ જાય છે. ‘પથ્થર-પાણી’ પૂજવાનું, બારનાં મૂર્તિમંદિરો અને યાત્રાધામોમાં ભટકવાનું બંધ થઈ જાય છે. કબીરનું વચન છે : ‘મન નિરમલ હરિનામ સે’-આ નામની લગન લાગી એટલે નિર્મલ અંતરમાં પરમાત્મા આવી વસે છે. ભજન-ભક્તિ માટે પોતાની ભીતર જ ઊંડે ઊંડે ડૂબકી મારવી જોઈએ પણ ભક્તિને બહાને માણસ બારનાં આધારો ને આશ્વાસનો જ શોધ્યા કરતો હોય છે. કબીરની સાખી છે :

‘કબિરન ભક્તિ બિગારિયા, કંકર પથ્થર ઘોય,
અંતર મેં વિષ રાખિ કે, અમૃત ડારિન ખોય.’

અમૃત મેળવવા માટે તો અંદર પડેલા વાસનાતૃષ્ણાના ઝેરને ધોઈ કાઢવું જોઈએ.

સુંદર ભેખ બન્યો... નીર જમાયા રે

કોઈ અભિનેતા ‘રાજા ભરથરી’નો પાઠ ભજવે ત્યારે લાગે કે બાણું લાખ માળવાને તજી ચાલી નીકળેલો આ વૈરાગી અવધૂત જ છે. પણ વૈષધારી અભિનેતા થોડા માન-ચાંદ-ઇનામ માટે મરતો હોય છે. ઉપરનો વેષ અચ્છો બને તેથી કાંઈ જ વળતું નથી. ઊલટું એ ભેખ-વેષ-ભભૂત સાચી પ્રાપ્તિ આડે આવી ઊભાં રહે છે. ખરું કામ તો ભીતરને પલોટવાનું છે, બહાર કપડાં રંગાવવાનું નથી. વિરહાગ્નિ, જ્ઞાનાગ્નિ કે યોગાગ્નિથી દેહભાવ ખાખ ન થઈ જાય ત્યાં સુધી બધો જ કાચી હાંડીનો કારભાર છે. ડાડા મેકરણ કહે છે:

બાફ નિકંધી બારણે તો ઠામ પકંધો કીં?

કુંભાર નિંભાડામાં ઠામ પકવે ત્યારે ચારે તરફથી છાંદી કરી અંદર આગ લગાડે. બાફ જો બહાર નીકળી જાય તો ઠામ પાર્ક શી રીતે? બહારનો વેષ તો ઘણી વાર મૂળ મુકામથી વિખૂટા પાડી દે છે. નિષ્કુળાનંદનું વચન છે :

વેષ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર જી,
ઉપર વેષ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર જી.

કાચી હાંડી પર રંગના લપેડા કરવાથી તેની માટી પાકી નહીં થાય. અને તો પછી એમાં પાણી રહે જ કઈ રીતે? કોઈ વિરલ પુરુષો જ કાચી કાયાને પ્રમાણસર તપાવી, તેને અમૃતપાન ક૨વાનું સાચું પાત્ર બનાવી જાણે છે.

કરડા તાપ... જતન કરીને પાવે રે.

જગતની મોહિની અને મહત્ત્વકાંક્ષાની નિઃસારતા જોઈ ઘણા તેમાંથી બહાર નીકળવા મથે છે; પણ એને બદલે આત્મજ્ઞાન, ઈશ્વરદર્શન કે મોક્ષની લાલચ તેમને ઘેરી વળે છે. દેહનું વધુ પડતું લાલન-પાલન જેમ નકામું છે તેમ દેહનું દમન પણ નુકસાનકારક છે. કાચી હાંડી તો કાંઈ કામની નથી. પણ તેને પાકી બનાવવા જતાં જે અતિશયતા આવી જાય છે તે પણ હાનિ પહોંચાડે છે. કબીર કહે છે, નહીં આકરો તાપ, નહીં મંદ તાપ, પણ બરાબર સમતા જાળવીને સાધના કરવામાં આવે તો જીવનનો ઉદ્દેશ પાર પડે છે. આવી જાગૃત અને વિવેકનંતી સાધના ખરું ‘જતન’ માંગી લે છે. *જતન બિના રતન નાંહીં.’ છીપમાં મોતી પાર્ક એમ શરીરમાં ચૈતન્યને સમતાથી, ધીરજથી, તેમ જ સાતત્ય ને એકાગ્રતાથી પામવાનું રહે છે.

ભેખ લઈ મુખ... હાથ ન આવે રે.

બહારનો વેષ, નકલી નમ્રતા, સમજણ-પરીક્ષણ વિનાના ખાલી શબ્દોના ગબારા – આ બધું હાથમાંથી મનુષ્ય-જન્મ જેવો અમૂલખ હીરો ગુમાવવા જેવું છે. સંતો આ જન્મમાં જ હીરો – આત્મતત્ત્વ, પરમાત્મા તત્ત્વ-પામી લેવા માટે પુકાર કરતા જ રહ્યા છે. એ વિનાની બધી જ પ્રાપ્તિ નિરર્થક છે. એ મળે તો મામૂલી વસ્તુ પણ મહપ્રકાશથી ઝળહળી ઊઠે છે. આત્મપ્રકાશ વિના અંધારું મટતું નથી. મૃત્યુના મહા અજ્ઞાત અને મનુષ્યને ભયભીત કરી મૂકતા ઓળામાંથી આ પ્રકાશ જ ઉગારી શકે છે. રૈદાસનું વચન છે :

હરિ-સા હીરા છાંડિ ૐ, કરે આન કી આસ,
તે નર જમપુર જાહિર્ગ, સત ભાગૈ રૈદાસ.

મૃત્યુની ઘાટીમાં આપણા શ્વાસ પ્રાણ છે, તેને નિત્યના આનંદરસે, અમૃત૨સે સીંચવા માટે આ વાણીની ગંગા સંતોએ ઘેર ઘેર વહાવી છે.