અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/નભ ખોલીને જોયું…
Revision as of 09:18, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs)
નભ ખોલીને જોયું…
ચંદ્રકાન્ત શેઠ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. —
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર?
કશુંયે ચમકે નહીં!
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. —
લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! — દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! — હું જ ત્યાં નથી નથી! —
(ગગન ખોલતી બારી, પૃ. ૨૫)