આથમતે અજવાળે
શ્રી ધનસુખલાલ પણ કાકાસાહેબની પેઠે માને છે કે સાહિત્યકૃતિ બનતી હોય તો સામાન્ય માનવી પણ આત્મકથા લખી શકે છે. ‘આથમતે અજવાળે’માં એમણે વઢવાણ, સુરત અને મુંબઈમાં વ્યતીત કરેલા અતીતનાં સ્મરણો આલેખ્યાં છે. એમણે પોતાના જન્મની વિગતથી ક્રમાનુસાર – chronologically – અતીતનું અવલોકન કર્યું છે. એમાં અંતર્મુખતા કરતાં બહિર્મુખતાનું પ્રમાણ એમનામાં વિશેષ જણાય છે. ઊંડી આત્મનિરીક્ષણ કરીને “સ્વ”નો પરિચય કરાવવાને બદલે એમણે અહીં વહી ગયેલા સમયનો પરિચય કરાવ્યો છે. અકસ્માતને કારણ એમનું બાળપણ મોટે ભાગે માંદગીમાં વીત્યું હોવાથી એમને વાતાવરણને અને માનવસ્વભાવને અવલોકવાની અને તેનું પૃથક્કરણ કરવાની જે ટેવ પડી હતી, તેનો પરિચય પ્રસંગચિત્રો અને વ્યક્તિચિત્રોમાં થાય છે. પાંચસો જેટલી નાની મોટી વ્યક્તિઓનો પરિચય એ આ સંસ્મરણનું આગવું પાસું છે પ્રસંગચિત્રોના આલેખનમાં એમની સર્જકશકિતનો વિનિયોગ જણાઈ આવે છે. નાજુક માતા બાળકોને સર્પથી બચાવે છે તે પ્રસંગનું આલેખન અતિ રુચિર બન્યું છે. એમના સંપર્કમાં આવનાર વ્યક્તિઓનાં રેખાચિત્રો ઉત્કૃષ્ટ કોટિનાં છે. આલેખનમાં આાછા વિનોદની લહઉ કૃતિને આસ્વાદ્ય બનાવે છે. મુંબઈની ગુજરાતી અવેતન રંગભૂમિનો પરિચય તથા લેખકની સાહિત્યપ્રવૃત્તિ વિશેની જાણકારી પ્રાપ્ત થતી હોવાથી, આ સંસ્મરણોનું સાહિત્યિક તેમજ દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.
— રસીલા કડીઆ
‘આત્મકથા : સ્વરૂપ અને વિકાસ’માંથી સાભાર