કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૮. વસંતના એક વંટોળમાં

From Ekatra Wiki
Revision as of 06:28, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૪૮. વસંતના એક વંટોળમાં

ઉશનસ્

બધું જ ઉપરતળે થઈ ગયું છે, વન-મન બધું જ, જંગલજંગલ માડી,
બધું જ ઉપરતળે, અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત અને ઠેકાણા વગરનું,
આકાશ ડખોળાયું છે તડકામાં, તડકો હવામાં ને હવા તો
ગોળ ગોળ વાવંટોળ,
રતિમાં ઊતરી આવ્યો છે કામ, કાચી ષોડશીઓના શ્વાસમાં આછી
મહુડાની વાસ,
વગડામાં મહુડાં પાકી ઊઠ્યાં છે એકાએક, કાચી ષોડશીઓના અધર
દેવા ચેપીકેફી;
બધું જ ડહોળાઈ ગયું છે ચિત્ર; એના પાંચે ભૂતોમાં મલ ઊભરાઈ
આવ્યો છે આસક્તિના અમલમાં;
હે હવે શબ્દમય છું, લયમય છું; હું ભાષામાં છું ને ભાષા
આખી છે ઉપરતળે,
શબ્દનો અર્થ જ હવે વંટોળે ચઢ્યો છે સૂકું તણખલું થૈ; શબ્દ થઈ
ગયો છે ભમરો ને ભમરો નિરર્થક ગુનગુન,
પવને ભાષામાં ઊથલપાથલ કરી મૂકી છે, તેનો પ્રથમ ભોગ તે લ્યો,
મારી આ કૃતિ જ!
મારી કૃતિમાં હવે નથી પાણિનિની કોઈ ચાલ, હું નથી તો
વ્યાકરણમાં કે નથી વસ્તુમાંય,
હું હવે નર્યો અર્ધસ્વપ્નનો જલ્પ છું, પતંગિયાની ઊડાઊડ જેવો
અજંપ ને અસ્થાયી,
અને આ ઊડાઊડ તે કેવીક? પર્વની પાગલ ભરતીમાં વહાણનું
થાય ચે એમ જ;
દરિયા વાટે જ નદીમાં પ્રવેશ કોઈ ધક્કાથી; એમ મારો બધો અર્થ
ધસે છે વાણીના આદિ કુળ તરફ;
પ્રાસને છેડેથી જ પકડી લઉં છું કોઈ ગીતપંક્તિની ડાળ, દ્વારા જ
પ્રવેશું છું વૃક્ષના આદિ મૂળ તરફ...

(સમસ્ત કવિતા, પૃ. ૯૧૭)