પ્રતિપદા/૧૭. મનીષા જોષી
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. કંદરા
હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ!
શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણને?
કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.
મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને
હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે
સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.
બત્રીસી બહાર નીકળી આવી,
છતાં હજી આંખો મીંચાતી નથી.
નજર સામે તરવર્યા કરે છે
પેલો નાગો બાવો!
આખા શરીરે ભભૂત લગાવેલો.
સપ્રમાણ દેહ, લાલઘૂમ આંખો,
ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.
એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો
કંદરાઓમાં.
અને એ એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.
હું તાજી જ નાહીને બહાર ઊભી હતી જ્યારે.
અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.
કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.
મને અદમ્ય ઈચ્છા થઈ આવી કે
આ ધૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને
મોઢામાં નાખું.
મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય.
પણ આ જ એ પળો હતી.
જ્યારે શંકર ત્રૂઠ્યો!
હું અહીં કણસતી પડી છું,
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.
૨. પ્રવાસી
એક રળિયામણું ગામ છે તું.
હું પ્રવાસી બનીને આવું છું.
તને આશ્ચર્ય થાય છે.
ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,
એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.
અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.
હું તારી સીમ પર આવું છું.
અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.
પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.
અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.
તું કામોત્સુક બની જાય છે,
મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.
હું આવું છું તારા અંધકારની આડશે.
તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું.
મને પણ લાગે છે, તું જ મારું ગામ છે.
પણ, તો યે, હું ફરી આગળ વધું છું.
કોઈ બીજા ગામને છેતરવા.
હું પ્રવાસી છું.
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,
અને પછી વિશ્વાસઘાત કરું છું.
૩. પ્રદક્ષિણા
જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું....
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક્ થઈ જઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.
૪. શ્રદ્ધા
મારું ખેતર મને પ્રિય છે.
કૃષ્ણપક્ષની રાતોએ જોયેલાં શમણાં જેવું.
શેરડીનો ઊભો મોલ છે, મબલખ રસ છે,
અને મારો પુરુષ મારી સાથે છે.
હું ખુશ છું આ ધરતી પર.
મારા પગ પાસે સરકતો આવતો સાપ પણ
મને વ્હાલો લાગે છે. કોઈ જ પ્રતિકાર નથી કરવો.
મારો પુરુષ મને ચાહે છે. એ મારું ઝેર ચૂસી લેશે.
મને શ્રદ્ધા છે એના પૌરુષમાં, એના પ્રેમમાં અને આ સાપમાં
પણ એ તો ઊઠીને દૂર ચાલ્યો ગયો.
મારા શરીરનો રંગ હવે બદલાઈ ગયો છે
આ બાજુમાં ઊભેલા લીમડાની ઝાંયમાં.
પગ પર સાપના બે દબાયેલા પેઢાનાં નિશાન ઊઠી આવ્યાં છે.
મને ભેટ મળેલું અક્ષયપાત્ર – મારું ખેતર
શિયાળાની આ કારમી ઠંડીમાં ચિમળાઈ રહ્યું છે.
ખુરપી, દાતરડું... અડી ન શકાય એવા ઠંડાં, અચેતન છે.
એક ખિસકોલી ખાટી આંબલીમાં દાંત ભરાવીને ભાગી ગઈ.
એની સુગંધથી મારા દાંત અંબાઈ જાય છે.
આ શિયાળ એના મોંથી જમીન ખોદી રહ્યું છે,
મારી જમીન!
એને ખબર નથી કે એ જે ધૂળ ઉડાડે છે એના સોળ
મારી છાતીમાં પડે છે.
આ સુગરી પણ, હંમેશા પોતાના કલાત્મક માળામાં ભરાઈને
કાયમ એક સરખી ચહલપહલ કરતી રહે છે.
ન રાત જુએ છે ન દિવસ
ને આ કૂવા પર બેસાડેલી મોટરમાંથી
ધકધક વહેતું પાણી!
કોણ જઈને રસ્તાઓ બનાવશે ખેતરમાં?
મારાથી તો ક્યાં હવે ઊઠાય છે?
પગ પર સાપનો ડંખ છે અને હજી આખા ખેતર ફરતે
કાંટાળાં ઝાંખરાંની વાડ બનાવવાની છે.
નહીં તો આ નધણિયાતાં ઢોર
મારી બધી મહેનત નષ્ટ કરી નાખશે.
આ બધી શેરડી વાઢીને વેચવાની છે.
તેલીબિયાંનું નવું વાવેતર કરવાનું છે.
આ ઝેર પૂરા શરીરમાં પ્રસરી જાય તે પહેલાં જ
મારે ઊઠવું છે,
આખું ખેતર ખેડી નાખીને પેલા સાપનો રાફડો શોધવો છે.
અને એમાં ઊકળતું દૂધ રેડવું છે.
મારા વળ ખાતા શરીરમાં કંઈક નવીન,
છેલ્લી તાકાત આવી છે.
આ ખેતરની માટીને મારી મુઠ્ઠીમાં સમેટું છું.
અને આખાં ને આખાં કંદમૂળ હાથમાં આવી જાય છે.
બસ, આંખો મિંચાઈ જાય છે સંતોષથી.
કૃષ્ણપક્ષની રાતોના અંધકાર ભણી.
પાછળ રહી ગઈ છે મારી વાસના!
મારું ખેતર.
નોળિયાઓથી ભરેલું.
એકલો, લપાતો ફરશે સાપ
અને ભૂખે મરશે એ કાયર પુરુષ,
ડાંગર-બાજરી વિનાના ખેતરમાં.