પ્રતિપદા/૧૩. બાબુ સુથાર

From Ekatra Wiki
Revision as of 11:12, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs) ()
Jump to navigation Jump to search
૧૩. બાબુ સુથાર

કાવ્યસંગ્રહોઃ

કાવ્યસંગ્રહોઃ ઘરઝુરાપો, નદીચાલીસા, વિષાદમહોત્સવ, સાપફેરા, ગુરુજાપ અને માલ્લું. (પ્રકાશ્યઃ અથાતો ઇલિકાજીજ્ઞાસા) આલાં બાસ્કની કવિતાના અનુવાદઃ ઇશ્વરનો સંતાપ.

પરિચય:

હાલ યુએસએમાં વસતા કવિ. વડોદરાની યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્ય અને ભાષાવિજ્ઞાન વિષયની બબ્બે અનુસ્નાતક પદવી મેળવી અમેરિકા જઈને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વાનિયામાંથી ત્રીજી અનુસ્નાતકની પદવી ‘સિનેમા, કળા અને સમૂહ માધ્યમ’ વિષયમાં મેળવી છે. એ જ યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કર્યું છે. અઠંગ વિદ્યાર્થી. એ યુનિવર્સિટીમાં અધ્યાપન પણ કર્યું છે. કવિતામાં નોસ્ટાલ્જીયા અને ડાયસ્પોરાના અજાયબ મિશ્રણથી તિલસ્મી વાસ્તવોનાં વિષાદીરૂપો રચે છે. કથા, લોકકથા, દંતકથા, પુરાકથાના સંદર્ભોથી કવિતાનું સંકુલ પ્રતીકઘટ્ટ પોત બાંધે છે ને ભૂતળને તળપદ ચેતનામાં વ્યક્ત કરે છે. વિશ્વસાહિત્યના ઘનિષ્ઠ સંપર્કથી સંમાર્જિત રસ રૂચિ ધરાવતા સર્જક. એના પ્રસાદ રૂપે ગુજરાતી સાહિત્યને વિદેશી કથાકવિતાઓના અનુવાદ ધરતા રહે છે. એમનું પ્રયોગશીલ નવલકથા સાહિત્ય પણ બહુચર્ચિત છે. સિદ્ધાંતવિમર્શ પણ એમના રસનો વિષય છે. બે પેઢીઓ, બે ભૂમિઓ અને અનેક ભાષાઓને સાંધવા મથતા ‘સન્ધિ’ સામયિકના સંપાદક લેખે એ આખાબોલા ‘કડવાભગત’ છે..

કાવ્યો:

૧. ઘરઝુરાપો – કાવ્યગુચ્છમાંથી

ઘરઝુરાપો : ઊથલો પહેલો /૩

પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.

વરસાદના પહેલા છાંટાથી જ
ધૂળ ચાળણી જેવી થઈ ગઈ છે.
પથ્થરોને અળાઈયો ફૂટી નીકળી છે.

હમણાં જ મેઘો ખાંગો થશે,
નળિયે નળિયે નદીઓ છલકાશે,
નેવે નેવે રેંલ્લા દોડશે,
ફળિયે ફળિયે સાત સાત તરીલે બળદ
પાણી તાણશે.
ઘેર ઘેર મોભ ડીલ ભરીને નાશે.
ભીંત પર,
વૃક્ષોનાં થડ પર,
પાળિયે પાળિયે
પાણીના રેલા
ઈશ્વરના પૂર્વજોના
હસ્તાક્ષર બનીને
ઊઘડશે

પછી મેઘો થોભશે,
આકાશ ઊઘડશે,
બાની હથેલી જેવું,

વૃક્ષોનાં થડ,
એમની ડાળીઓ,
એમની પાંખડીઓ,
એમનાં પાંદડાં પર
સૂરજ ગોળમટાં ખાશે,
ઘેરે ઘેર ટોડલે ટોડલે મોર ટહૂકશે,
ફળિયે ફળિયે ઢેલ
નવોઢા બનીને માથે બેડું મૂકી
પાણીએ સંચરશે
વૈતરણી નખ જેવડાં તળાવ બનીને
ઢોળાઈ જશે થોરના લાબોળિયે લાબોળિયે.

જીવ અને શિવને
એક સાથે
આઠમ અને અગિયારસ બેસશે,
મંકોડાઓની પીઠ પર
ચાંદો ઊગશે
અને અળસિયાં
માથે મુગટ
ડીલે જરકશી જામા પહેરીને
બહાર નીકળશે.

આજે ન થવાનું થશે.

આજે પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.