કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૬. મને ઇચ્છાઓ છે

From Ekatra Wiki
Revision as of 08:40, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૬. મને ઇચ્છાઓ છે

ઉશનસ્

મને ઇચ્છાઓ છેઃ શત વખત જાહેર કહ્યું મેં;
હું ઇચ્છારૂપે તો કુસુમથી ખચ્યા વૃક્ષ સરખો
કશા અંતઃસ્ફોટે ધ્વનિત, જીવવું તો જ લહ્યું મેં,
ઋતુનો તો, મારા પર અનુભવું ચાલુ ચરખો;

મને ઇચ્છા, એની શરમ નથી; આવે રમણીયે
બહુવર્ણાં-ગંધા, વિવિધરસ સ્પર્શસ્વર ભર્યા
સુનિર્મ્યા વિશ્વે શું કશું જ મુજને થાય ન હિયે?
પછી તો શો ભેદ પ્રગટ, અહીં જીવ્યા ‘ગર મર્યાં?

મટોડીનું હું તો અસલ પ્રથમી રોડું, બીજથી
ભરેલું છું, ખેડ્યા વગરનું અને કાચું ઊખડ્યું
વીત્યા જન્મારામાં અહીંતહીં બધે ઠેસ રખડ્યું,
હું શિલ્પાઉં સંગેમરમર શી ક્યાં સખ્ત ચીજથી?

હું પૃથ્વી, ના મારે ભવલયથી છૂટી, સરી જવું,
હું માણું જન્મોમાં ઋતુપુલક, ફૂટી ખરી જવું.

૧૯૮૭

(સમસ્ત કવિતા, પૃ. ૮૯૭)