કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૨. સંયોગ

From Ekatra Wiki
Revision as of 07:12, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. સંયોગ| નલિન રાવળ}} <poem> હું સ્નિગ્ધમાં સરકતો… નભને અડી જત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૨. સંયોગ

નલિન રાવળ

હું સ્નિગ્ધમાં સરકતો…
નભને અડી જતો
બે વ્યોમ હ્યાં તો લળતાં લગોલગ
ભરાયલાં જે પયના ભવિષ્યથી
ઘેરાયલાં લોચન અંધ, ઊઘડે
અંધારનું મંદિર, સ્પર્શ-સ્પર્શની
જ્યાં જ્યોત જાગે શર જેવી તીક્ષ્ણ
ફેલાયલા પવનથી ધ્રૂજતી અડી જતી
અંધારનું કાજળ ઘટ્ટ પાડતી
આ માંસ-માયા લઘુ અસ્થિ છાઈ

સર્વત્ર જે ગોરસ-સ્વાદ વ્યાપી
ત્યાં નાકમાં નાક-વિહંગ ગેલતાં
ને હોઠમાં હોઠ પ્રવેશી જાતાં
કો ગ્રીષ્મના રિક્ત તળાવની તૃષા
ઝઝૂમતો કુંતલ ધોધ છૂટ્યો
ભીંજાઈ ર્હેતો, જલના પ્રવાહ-શો
વેગેભર્યું ઝરણ ત્યાં મુજ રક્તનું ક્યાં
પામી જવા શિખર કોઈ અજાણ શૈલનું
ઊંચે ચડે ધસમસ્યું, અણીદાર શીર્ષે
પ્હોંચ્યું અને…
ત્યાં તો પડ્યા તારક છિન્નભિન્ન
અંધારઘેર્યા લઘુ ઓરડામાં…
— વેરણિયા સુદીર્ઘ
વ્હેરી રહ્યા ને થડ એક, ભિન્ન
બે ભાગમાં ઢળી પડ્યું, કહીં એક, બીજું
આઘું વળી અવશ ક્યાં…
અંધાર કંપી ઢળી નીંદમાં પડ્યો!
(આ નભ ઝૂક્યું, પૃ. ૫૩)