વાસ્તુ/10

From Ekatra Wiki
Revision as of 05:45, 1 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દસ|}} {{Poem2Open}} પાર્ટી ખૂબ સરસ રહી. બધાં મહેમાનો ગયા. એ પછી અમિત-ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દસ

પાર્ટી ખૂબ સરસ રહી. બધાં મહેમાનો ગયા. એ પછી અમિત-તન્મય અપર્ણા-કિન્નરી ને મુદિતાય ગયાં. અમિતના સ્કૂટર પાછળ અપર્ણા અને તન્મયના સ્કૂટર પાછળ કિન્નરી-મુદિતા બેય ગોઠવાયાં. ‘આવજો' કહેવા બધાંના હાથ ઊંચકાયા ને સ્કૂટરો ચાલ્યાં ગયાં. ‘આવજો’ કહેવા આવેલાં અમૃતા-સંજય જાણે બારણાની ફ્રેમમાં એકાદ ક્ષણ જડાઈ ગયાં. અમૃતાને થયું, અંદર-બહાર ક્યાંય કશું જ નથી. માત્ર આ બારણાની ફ્રેમ છે ને એમાં જડાઈ ગયેલાં અમે. એ સિવાય મિત્રો, સ્વજનો, બા, બાળકો કોઈ કહેતાં કોઈ છે જ નહિ! જગત જાણે છે જ નહિ! જગત આખાયમાં જાણે માત્ર સંજયનો ખભો જ બચ્યો છે ને પોતાનું માત્ર માથું. પોતે સંજયને આ રોગની જાણ કરશે એ પછી? – પોતાની છાતી, સંજયનું માથું અને નહિ વહેલાં આંસુઓના પહાડ. બેય હૈયાંમાં ઘટાટોપ ઘનઘોર ગોરંભો. આ ક્ષણે, બારણામાં ઊભાં ઊભાં જ સંજયના ખભે માથું ઢાળી દઈને, આંસુના રેલાની જેમ જાતને વહાવી દેવાનું અમૃતાને મન થઈ આવ્યું. પણ ત્યાં જ બાનો અવાજ આવ્યો – ‘આજ તો હું વિસ્મયને રાખી રાખીને ખૂબ થાકી ગઈ છું… લે, હવે સંભાળ તારા આ છોકરાને ને ઊંઘાડ… સાંજ પછી તો એ શીશીય મોંએ નથી ધરતો.’ અમૃતાએ વિસ્મયને ખોળામાં લીધો. પાર્ટીની ધમાલમાં વિસ્મય તો બિચારો ભૂખ્યો જ રહેલો! ગંઠોડા-વાવડિંગ નાખેલું દૂધ બાએ શીશીમાં ભરીને પાવા પ્રયત્ન તો કરેલો. પણ કોણ જાણે કેમ, જરીક પીવે ને પછી શીશી હડસેલી દે. અમૃતાએ વિસ્મયને છાતીએ વળગાડી પાલવ ઢાંક્યો. વિસ્મય મથતો રહ્યો બચ્ બચ્... પણ… અમૃતાય વિસ્મયને ડાબેથી જમણે ને જમણેથી ડાબે ફેરવતી રહી. પણ.. ક્યાં ચાલી ગઈ ધાવણ-ધારા?! સંજયના આ રોગનો ઓછાયો પડ્યો આ અમૃતધારા ઉપર પણ?! વિસ્મયનું રડવું શરૂ થયું. અમૃતા વળી શીશીમાં દૂધ ભરીને લાવી ને વિસ્મયને ખોળામાં લઈને શીશી આપી. પણ એકાદ-બે ઘૂંટ ભર્યા પછી એ શીશી દૂર હડસેલી દે. વળી અમૃતા શીશી આપે પણ વિસ્મય એનું મોં જ ન ખોલે. એ ભૂખ્યો તો હતો જ. એથી રડ્યા કરતો પણ દૂધ પીતો નહોતો. બાએ સૂંઠ-વાવડિંગ નાખીને દૂધ ગરમ કરેલું. બા ક્યાંક ખાંડ નાખવાનું ભૂલી તો નથી ગયાં ને? લાવ, ચાખી જોવા દે. અમૃતાએ પણ નીપલમાંથી હથેળીમાં એક ટીપું પાડ્યું ને ચાખી જોયું. દૂધમાં ખાંડ તો હતી, પણ દાઝ્યાની વાસ આવતી હતી. ગરમ કરતાં તપેલીમાં દૂધ જરી ચોંટ્યું હશે. એની વાસથી જ ભૂખ હોવા છતાં ‘ભાઈ’ દૂધ પીતા ન'તા. સંજય પણ દૂધ જરીક દાઝ્યું હોય તો એની ચા પણ ન પીએ. આગળ પડતી ઇલાયચી ચામાં નાખીએ તોપણ દૂધ દાઝ્યાની ગંધ એને અકળાવી દે. અમૃતાએ ફરી તાજું દૂધ લઈ ગરમ કર્યું. થાળીમાં કાઢીને ઠંડું કર્યું. દરમ્યાન ઊકળતા પાણીમાં શીશી બરાબર સાફ કરી. નીપલ ખાસ્સી ફૂલી ગયેલી તે બદલી. ત્યાં સુધી વિસ્મયનું રડવાનું ચાલુ રહ્યું. ‘ક્યારનો બાપડો આટલું રડે છે તે ધવડાવ ને… શીશીમાં દૂધ પીધે એને સંતોષ ન થાય.’ બાનો અકળાયેલો અવાજ આવ્યો. વિસ્મયને ખોળામાં લઈને અમૃતાએ શીશી આપી ને પાલવ ઢાંક્યો. ને મનમાં ફેણ ચઢાવતોક સવાલ ઊઠ્યો – અંદર ધાવણ સુકાઈ તો નહિ ગયું હોય? કાયમ હવે આને શીશી જ… થોડીક વાર થઈ ત્યાં તો વિસ્મયે મોંમાંથી નીપલ બહાર કાઢી નાખી ને શીશી ફગાવી. પહેલાં તો અમૃતાને થયું, કેમ આજે આ દૂધ નથી પીતો? એને કંઈક થતું હશે? મોં-બોં આવી ગયું હશે? પણ જોયું તો શીશી ખાલી! નવી નીપલ હતી તોયે કેટલું ઝડપથી દૂધ પી ગયો! કેટલો બધો ભૂખ્યો હશે! લાવ, ફરી થોડું દૂધ શીશીમાં ભરીને પાઉં... પણ જોયું તો વિસ્મય ઘસઘસાટ ઊંઘી ગયેલો. ભૂખ અને ઊંઘ બેય ભેગાં થયેલાં એટલે એણે દેકારો મચાવેલો. પાર્ટીમાં રૂપાએ એની વયનાં છોકરાંઓ સાથે ખૂબ દોડાદોડી ને તોફાન કરેલું તે એ તો ક્યારનીયે બાએ કરી આપેલી પથારીમાં ઊંઘી ગયેલી. અમૃતા બેડરૂમમાં આવી. વિસ્મય જાગી ન જાય એમ હળવેથી એને સુવાડ્યો. પથારી જોઈને અમૃતાને થયું – આજે કઈ રીતે ઊજવી શકાશે લગ્નદિન?! ફિક્કું સ્મિત કરતાં એણે સંજય સામે જોયું – સંજયની બાંહોમાં કે આંખોમાં આવકારનો કે પ્રતીક્ષાનો કોઈ જ ભાવ નહોતો. એની નજરમાં માત્ર કશીક કરુણા નીતર્યા કરતી. માત્ર કરુણા? ના, કશીક લાચારી પણ… અમૃતાને થયું, એ એની કોઈ બીજી જ દુનિયામાં ખોવાયેલો લાગે છે. જરૂર એના મનમાં અત્યારે કોઈ કાવ્યપંક્તિઓ સળવળતી હશે. એ કોઈ બીજી જ દુનિયામાં હોય ને એના કાનમાં મારા ચોટલાની પૂંછડીના વાળ નાખી હું એને વાસ્તવમાં ખેંચી આણું તો એ હંમેશાં અકળાઈ ઊઠતો. પરણ્યાના પંદર દિવસ પણ નહિ થયા હોય. બધું કામ આટોપીને હું બેડરૂમમાં પહોંચી તો એ ખોળામાં ઓશીકું ને એના પર પાટિયું મૂકીને કશુંક લખવામાં તલ્લીન હતો. એના મોં અને કાગળ વચ્ચે મારો ચહેરો લઈ જઈને હું એની આંખોમાં તાકી રહી. મને એમ કે એની બેય હથેળીઓ વચ્ચે મારો ચહેરો ઝીલીને ખોબે ખોબે, ઘૂંટડે ઘૂંટડે મને પીધા કરશે. પણ એ તો ક્ષણમાત્રમાં જ કાળઝાળ ગુસ્સે થઈ ગયો – ‘મારા એકાંતયજ્ઞમાં હાડકાં નાખવાનો તને કોઈ જ અધિકાર નથી. પ્લીઝ, ડૉન્ટ ડિસ્બર્ટ મી.’ ‘...’ ‘આવું આવું થતી કવિતા માછલીની જેમ મારી મુઠ્ઠીમાંથી સરક્ સરકી ગઈ. હવે તને ભ્રૂણહત્યાનું પાપ લાગશે.’ હું તો ડઘાઈ જ ગઈ ને દોડતી બાથરૂમમાં જઈને રડી પડી. લગ્ન પછી શરૂ શરૂમાં તો – સંજય ખૂબ વહેલો બેડરૂમમાં જતો રહે. અમૃતાને બધું કામ આટોપવાનું બાકી હોય તે સંજય એની રાહ જોઈ જોઈને થાકી જાય. ક્યારેક અકળાઈને કહે – ‘થોડું કામ પડતું મૂકીને ઝટ આવી જતી હોય તો?’ ‘કેમ, ટ્રેન ઊપડી જાય છે?’ બેડરૂમમાં સંજય દરરોજ એની બધીયે ઇન્દ્રિયોથી અમૃતાની વાટ જોતો – તંગ પણછ પર પૂર્ણપણે ખેંચાયેલા બાણની તીવ્રતાથી – ‘ફૉર પ્લે’ની સાથે સાથે એની અવનવી ફૅન્ટસીય ચાલતી. ‘કેમ આટલું મોડું કર્યું, અમૃતા?’ ને પછી સંજય અમૃતાના કાનને એના ફફડતા હોઠનો ને ઉચ્છ્‌વાસનોય સ્પર્શ થાય એ રીતે અત્યંત ધીમા કામુક અવાજે અવનવી વાતો કરતો જાય. દરમ્યાન બેય જણની આંગળીઓ જાણે મોરપિચ્છ બનીને હળવેકથી એકમેકને રોમરોમે સ્પર્શી રહી હોય ને થોડી ક્ષણોમાં તો, નાગયુગલ પૂંછડી પર અધ્ધર ઊંચકાઈને એકમેકને વીંટળાઈ વળે એમ બેય જણ વીંટળાઈ વળે. રોમેરોમમાં જાણે અંદર ‘બટનસેલ’ મૂક્યા હોય એમ શરીરનો અણુએ અણુ ચાર્જ થતો જાય. ચંદ્રની કળા ક્ષણે ક્ષણે વધતી જાય. સમુદ્રોમાં પાગલ ભરતી ઊમટતી જાય... બગીચાઓમાં છોડવાઓ ઉપર કળીએ કળીમાં સુગંધ ઘૂંટાતી જાય ને એ અંદરની સુગંધના સ્પર્શે કળીએ કળી ખીલતી જાય… મેદાનોમાં ઘાસ વધતું જાય… ડૂંડાંઓમાં દાણા બંધાવા લાગે... વાંસનાં જંગલોમાં ધરતી ફાડીને ફટાફટ વાંસ ફૂટવા લાગે…! સર્પની જેમ ફૂંફાડા મારે શ્વાસ… રક્તવાહિનીઓમાં વીજળીઓના કડાકા… બેય દેહની અંદર પ્રચંડ ઝંઝાવાત ને બારેય મેઘ ખાંગા થઈને તૂટી જ પડે ને નસેનસમાં પ્રચંડ પૂર ધસમસે ને થોડી વાર પછી તો ફૂંફાડા મારતાં પ્રચંડ પૂર જાણે ચાંગળુંક પાણીનો રેલો થઈને સાવ સૂનમૂન થઈ જાય પથારીમાં અને ક્ષણ પહેલાં ગાંડીતૂર થયેલી નદી અને પાગલ સમુદ્ર સાવ શાંત થઈ એકમેકમાં ઓગળી જઈને ઊંઘી જાય... લગ્ન પછી શરૂ શરૂમાં જાતીય સુખના એ અનુભવો એટલે જાણે ક્ષિતિજના આ છેડાથી તે છેક પેલા છેડા સુધી સંપૂર્ણપણે રચાતું ને બધા જ રંગોમાં પૂર્ણપણે ઊઘડતું મેઘધનુષ! કોઈ વિશેષ દિવસ હોય ત્યારે સંજય જાણે લગ્નની પહેલી જ રાત હોય એટલી કામાતુરતાથી વ્યાકુળ થઈને અમૃતાની રાહ જોતો. એ પછી સંજયનો જન્મદિવસ હોય કે અમૃતાનો અથવા તો લગ્નદિવસ કે પછી વસંતપંચમી. આવા કોઈ દિવસે બાળકોના ઊંઘવાની રાહ જોવી પડે તોય એ અકળાઈ ઊઠતો. પણ પછી… એકમેકના સ્પર્શથી જાણે રોમે રોમે અસંખ્ય બંધ કમળો ખીલતાં-ઊઘડતાં… ને પછી કશીક સુગંધના દરિયામાં બેય શરીરો એકમેકને વીંટળાઈને તર્યા કરતાં… પણ આજે? – અમૃતાને જરીક જેટલી જ પ્રતીક્ષા સંજયની આંખોમાં ઝાંખું તગતગતી દેખાઈ. પણ દર વખત જેવી કામાતુર વ્યાકુળતા નહોતી. પાર્ટીની ધમાલથી સંજય થાકી ગયો હશે? કે પછી આ રોગના કારણે એને અતિશય થાક લાગતો હશે? સંજયે હાથ લંબાવ્યો. આ ક્ષણે સંજયની આંખોમાં લગ્નદિન'ની જ્યોત ટમટમતી હતી પણ લંબાયેલા હાથમાં દર વખત જેવું લોહચુંબકનું ખેંચાણ નહોતું. એના લંબાયેલા હાથમાં ભરતીનો આવેગ નહોતો. એના લંબાયેલા હાથમાં ઘોડા થનગનતા નહોતા. એના લંબાવેલા હાથમાં કોઈ જ હણહણાટ નહોતો. એના શ્વાસમાં ફેણ ચડાવેલ નાગના ફુત્કાર નહોતા. એના લોહીમાં કોઈ જ મોજાં ઊછળતાં નહોતાં. એના હૈયામાં વરસાદ ચારે કોરથી તૂટી જ પડે એ ક્ષણ અગાઉનો કોઈ જ ગોરંભો નહોતો… સંજયે હાથ લંબાવ્યો કે તરત અમૃતા એની બાંહોમાં સમાઈ ગઈ ને માથું સંજયની છાતી પર ઢાળી દીધું… સંજયના ધબકાર સામાન્ય કરતાંય વધારે ધીમા ને શાંત લાગ્યા. એના ઉચ્છ્‌વાસનો અમૃતાના કપાળને સ્પર્શ થતો હતો. એના શ્વાસ ઉચ્છ્‌વાસ સામાન્ય કરતાં વધારે ધીમા અને ઠંડા હતા. સંજયનો હાથ, હથેળી, આંગળીઓ અમૃતાના વાળને, કપાળને, ભમરોને, પાંપણોને, ડાબા ગાલને, નીચલા હોઠને સ્પર્શ કરતી રહી. કોણ જાણે કેમ, પણ આજે એની આંગળીઓ દ્વારા મોરપિચ્છનો સ્પર્શ થતો નહોતો. એની આંગળીઓ દ્વારા અમૃતાને જાણે શૂન્યતાનો સીધો જ સ્પર્શ થતો હતો. હોઠને સ્પર્શી રહેલી તર્જનીને અમૃતાએ ચૂમી, દાંતો વચ્ચે જરીક દબાવી. ‘લગ્નદિન’ ઊજવવા માટે અમૃતાનું શરીર કે મન સહેજ પણ તૈયાર નહોતું. પણ સંજયને એના આ રોગની વાત કરતાં પહેલાં શરીરને અને મનને તૈયાર કરવું જ રહ્યું… ને ‘લગ્નદિન’ ઊજવાઈ જાય એ ક્ષણો પછી… સંજયની હથેળી નિતંબના ઢોળાવ પર ફરતી રહી. અમૃતાનું લોહી સાવ ટાઢુંબોળ હતું. અમૃતાએ વિચાર્યું, મારે આયાસપૂર્વક પણ દરવખત જેટલો જ રિસ્પોન્સ આપવો જ રહ્યો. આ ક્ષણે મનોમન કામદેવને વીનવું તો લોહીમાં ઉષ્માનો સંચાર થવા લાગે? સંજયમાંય આજે દરવખત જેવી તીવ્રતા નથી. આજે એ કશું જ બોલતો નથી. ચુપચાપ સ્પર્શ કર્યા કરે છે – મરણ જેવો જ ઠંડોગાર…! નહીંતર તો એ હમેશાં – મને કોઈ જ આવરણ ન ગમે… ચામડીનું આવરણ પણ નહિ!… હું તારા એક પછી એક શરીરને ઉકેલતો રહીશ… એક પછી એક કોઠા ભેદતો રહીશ..’ પણ આજે જાણે એ ‘પેનેટ્રેશન’ ખોઈ બેઠો છે. અમૃતાના લોહીમાં પણ જરી સરખોય ઉછાળો નહોતો. છતાંય એ આયાસપૂર્વક ‘લગ્નદિન’ ઊજવવા મથતી રહી. અમૃતાને લાગતું કે સંજય પણ આયાસ કરી રહ્યો છે. – દરિયામાં મોજાંઓ જાણે ઊછળવાનું જ ભૂલી ગયાં છે ને સંજય પરાણે ધક્કા મારી મારીને દરિયાનાં મોજાંઓને ઉછાળવા મથી રહ્યો છે. અમૃતા-સંજય બંને જણ મથતાં રહ્યાં. પણ... છેવટે મેઘધનુષ્ય જરીક પ્રગટ્યું ન પ્રગટ્યું ને ઝાંખું થઈ ગયું. સાતેય રંગો ખીલ્યા ન ખીલ્યા ને આથમી ગયા… ઘેરાઈ ગયું જરઠ ધુમ્મસ. ‘લગ્નદિન' ઊજવાયો, સ્વયંસિદ્ધ નહિ, પણ આયાસપૂર્વક – જાણે કશીક વિધિ પૂરી કરવા ખાતર કરી લીધી. પણ ‘આફ્ટર પ્લે’નો સ્પર્શ સહજ હતો. કેવો હતો આ સ્પર્શ?! – સંજય જાણે અમૃતાને નહિ, પણ દીકરી રૂપાને અંતિમ વિદાય અગાઉ સ્પર્શી રહ્યો ન હોય! અમૃતા જાણે સંજયને નહિ, પણ ટચૂકડા વિસ્મયને ન સ્પર્શી રહી હોય! સંજય અને અમૃતા, બંને જણા એકમેકને એવી રીતે સ્પર્શી રહ્યાં હતાં જાણે કોઈ અત્યંત નિકટના સ્વજનના મૃત્યુ પછી બેય જણ એકમેકને સ્પર્શી સ્પર્શીને આશ્વાસન ન આપતાં હોય! અમૃતાનાં ચુંબન એ ચુંબન નહોતાં. એમાં જરીકે તીવ્રતા નહોતી. પણ એ જાણે નવજાત શિશુને કરાતી ચૂમીઓ હતી – એમાં નરી ઋજુતા હતી, વિશુદ્ધ સ્નેહ હતો, કશીક હૂંફ હતી, નાજુક નાજુક ઝીણા ઝીણા ધબકાર હતા. ‘સંજુ…’ આછા ધબકારા જેવા અવાજે અમૃતા બોલી. ‘હં...’ ‘એકમેકથી ક્યારેય કશું જ નહિ છુપાવવાની આપણે પ્રતિજ્ઞા કરેલી…' ‘હં...’ ‘આજે એ પ્રતિજ્ઞાની કસોટીમાંથી હું… સીતા જાણે અગ્નિમાં પ્રવેશી રહી છે.’ શબ્દના બદલે સંજયે શીતળ જળશીકર જેવા સ્પર્શ દ્વારા હોંકારો કર્યો. ‘હું તારાથી કશુંક છુપાવી રહી છું..’ ‘………’ બેયના શ્વાસોચ્છ્‌વાસના અવાજ સિવાય જગત જંપી ગયું હતું. ‘એમ થતું કે લગ્નદિન ઊજવાઈ જાય પછી કહીશ.’ ‘જે હોય તે કહી દે, અમૃતા…' અમૃતાનો હાથ દાબતાં સંજયે કહ્યું. ‘થાય છે, આજની આ રાત જવા દે. કાલે કહીશ…’ ‘કદાચ આજની રાતે હું મરણ પામું તો આપણી પ્રતિજ્ઞાનું શું?’ સંજયના હોઠ પર અમૃતાએ આંગળીઓ દાબી દીધી. ‘બીજા પૅથૉલૉજિસ્ટના રિપોર્ટ આવી ગયા.' કંપતા સ્વરે, હૃદયનાં અનેક સ્પંદનો સાથે અમૃતા બોલી ગઈ. અમૃતાએ અગ્નિપ્રવેશ કર્યો. સંજયે શૂન્ય નજરે નાઇટલૅમ્પના ઝાંખા અજવાળામાં અમૃતાની ધબકતી આંખોમાં તાક્યા કર્યું… અમૃતા હેમખેમ અગનજ્વાળાઓ ઓળંગી ગઈ… ‘તને લ્યૂકેમિયા છે.’ અમૃતા. ‘મને ખબર છે.’ સંજય. ‘લ્યૂકેમિયા એટલે શું, ખબર છે?’ ‘બ્લડકૅન્સર.’ થોડી ક્ષણ ઓરડામાંની હવાય સ્તબ્ધ થઈ ગઈ. ‘તને ક્યાંથી ખબર પડી?’ ડૂસકા જેવા સાદે અમૃતાએ પૂછ્યું. ‘પૅથૉલૉજિસ્ટને ત્યાં જે ટાઇપિસ્ટ હતી એ મારી સાથે ભણતી. મને ખાતરી હતી કે મંદાર તાત્કાલિક મને જણાવવાનું ટાળશે.’ ‘અને હું પ્રતિજ્ઞા પાળી શકીશ કે નહિ એ બાબતે શું ધારેલું?’ ‘તેં મને સાચેસાચું કહ્યું, એ બદલ તારા માટે અપાર પ્રેમ જ નહિ, અસીમ ગર્વ પણ અનુભવું છું.’ બેય જણ એકમેકને સ્પર્શ દ્વારા હૂંફ-આશ્વાસન આપતાં રહ્યાં. પામતાં રહ્યાં. સંજયે ભારે અવાજે પૂછ્યું – ‘તને કોણે જણાવ્યું?’ ‘ડૉ. મંદારે.’ ડૂસકું. વળી સ્પર્શ, હૂંફ, ચુંબનો. બેયના હૃદયમાં કોઈક કસકની ભરતી ઊઠી. ‘અમૃતા…’ ‘હં...?’ ‘બાને આ રોગ વિશે ખબર ન પડે. એ હવે આપણે સંભાળવું રહ્યું.’ સંજયનો અવાજ આંસુ વગરની આંખ જેવો, નિરભ્ર આકાશ જેવો ચોખ્ખો હતો. ‘હં.’ અમૃતાના અવાજમાં આખો સમુદ્ર ભરાઈ જાય એટલાં આંસુઓની ખારાશ હતી…