કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૨. એક વાર

From Ekatra Wiki
Revision as of 02:47, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૩૨. એક વાર}} <poem> એક વાર યમુનામાં આવ્યું’તું પૂર! {{Space}} મથુરાથી એક વાર માથે મૂકીને કો’ક {{Space}} {{Space}} લાગ્યું’તું વાંસળીના સૂર... પાણી તો ધસમસતાં વહેતાં રહે ને એમ {{Space}} ગોકુળમાં વહેતી થઈ વાતો, આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૨. એક વાર

એક વાર યમુનામાં આવ્યું’તું પૂર!
          મથુરાથી એક વાર માથે મૂકીને કો’ક
                    લાગ્યું’તું વાંસળીના સૂર...

પાણી તો ધસમસતાં વહેતાં રહે ને એમ
          ગોકુળમાં વહેતી થઈ વાતો,
આમ કોઈ પૂછે તો કહી ના શકાય અને
          આમ કોઈ ભવભવનો નાતો!

ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં
          બાજી રહ્યાં છે નૂપુર...

ઝૂકેલી ડાળી પર ઝૂક્યું છે આભ
          કાંઈ જોવામાં થાય નહીં ભૂલ.
એવું કદમ્બવૃક્ષ મહેકે છેઃ ડાળી પર
          વસ્ત્રો હશે કે હશે ફૂલ!

પાણી પર અજવાળું તરતું રહે ને સ્હેજ
          આંખોમાં ઝલમલતું નૂર...

કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની,
          વેણ એક વાંસળીનાં વેણ!
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપિચ્છ
          નેણ એક રાધાનાં નેણ!

– એવાં તે કેવાં ઓ કહેણ તમે આવ્યાં
          કે લઈ ચાલ્યાં દૂર દૂર દૂર!...

૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૧૩૫)