ગાતાં ઝરણાં/કિનારા ૫ર

From Ekatra Wiki
Revision as of 02:18, 13 February 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


કિનારા પર


સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈને ઇશારા ૫ર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર!

મળ્યું વ્યાકુળ હૃદય તેમાંય ચિણગારી મહોબ્બતની,
જીવનદાતા! મૂકી દીધી ખરેખર આગ પારા પર.

કવિ છું, વિશ્વની સાથે રહ્યો સંબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર, રડું છું, એ બિચારા પર.

હૃદયસમ રાહબર આગળને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.

અષાઢી વાદળો! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.

જીવન-સાગરમાં તોફાનોની માણો મોજ ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, નૌકા અગર આવી કિનારા પર.

૧૪-૮-૧૯૪૭

બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,

બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.