મરણોત્તર/૩૮

Revision as of 05:46, 30 June 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮| સુરેશ જોષી}} {{Poem2Open}} હાશ, હવે આ લોકો ઊંઘના સડેલા ઉકરડા નીચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૮

સુરેશ જોષી

હાશ, હવે આ લોકો ઊંઘના સડેલા ઉકરડા નીચે ધરબાઈ ગયા લાગે છે. એ ઉકરડામાં ક્યાંક શરાબનાં ખાબોચિયાં છે; ક્યાંકથી સિગારેટનાં ઠૂંઠાંઓ ધુમાયા કરે છે. એમાં કાટ ખાઈ ગયેલાં પતરાંના જેવા અવાજો રહી રહીને ખખડ્યા કરે છે. એમાં બેચાર કીડાઓ નારીના સાથળ પર સરકતા કામુકના હાથની જેમ સરક્યા કરે છે. પવન થોડાંક રંગીન કાગળ જેવાં સ્વપ્નો જોડે ગેલ કરે છે. કોઈ આસુરી માતાના ગર્ભ જેવા આ ઉકરડામાં પણ રહીરહીને કશાંક સ્ફુરણો થયાં કરે છે. કોઈ દૈત્યશિશુ અધૂરે મહિને જન્મવાની ઉતાવળમાં ગર્ભમાં લાતાલાત કરી રહ્યું છે. દુ:સ્વપ્નોના અંકુરો ફૂટી રહ્યા છે. ભીના કાગળ જેવી લદબદ વાસનાઓનો ઢગલો ક્યાંક પડ્યો પડ્યો ગંધાયા કરે છે. સ્મશાનની રાખ જેવા થોડા સ્પર્શની કચ્ચરો અહીંતહીં વેરાયેલી છે. કોઈક વાર એના છીછરા ઊંડાણમાંથી એક નિ:શબ્દ ચીસ ઉપર આવવા મથી રહે છે. કીડીની હાર કણ કણ કરીને એનાં મરણને એકઠું કરે છે. અકાળે ઉઘાડો પડી ગયેલો અન્ધકાર જલદી જલદી ઓઠું શોધીને એની પાછળ લપાઈ જાય છે. વચ્ચે વચ્ચે ક્યાંક ભૂલા પડેલા બેચાર નિર્દોષ શબ્દોની પાંખોને કોઈ આંધળું જન્તુ અવળસવળ ફેરવી રહ્યું છે. ઉબાઈ ઊઠેલા ભેજથી અભડાયેલી હવા કોઈ બ્રાહ્મણ વિધવાની જેમ અંગ સંકોરીને સરી રહી છે. કોઈક વાર એમાં બેચાર આંખો સજીવન થઈને જરા જોઈ લેવા મથે છે, પણ એનો પલકારો થાય ન થાય તે પહેલાં તો તળિયે કુંડાળું વળીને બેઠેલો નાગ એની ઝેરી ફૂંકથી એ આંખોને અન્ધ કરી નાખે છે. આ ઊંઘનો છેડો પાતાળને જઈને અડતો નથી. એટલે સદાને માટે લુપ્ત થઈ જવાની કોઈ આશા નથી. સૂર્ય એને બાળતો નથી, જળ એને સ્પર્શતું નથી. કોઈ આદિમ અષ્ટાવક્ર પશુની ઊપસેલી ખાંધના જેવા આ ઊંઘના ઉકરડામાં હવે આ લોકો ધરબાઈ ગયા છે.