કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૭. પૂજાની ઓરડી

Revision as of 07:52, 31 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. પૂજાની ઓરડી|બાલમુકુન્દ દવે}} <poem> હવે મને વહાલી છે પૂજાની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૭. પૂજાની ઓરડી

બાલમુકુન્દ દવે

હવે મને વહાલી છે પૂજાની ઓરડીઃ
મેવા-મીઠાઈ મસ ચાખી લીધાં,
હવે વહાલી છે શબરીની બોરડી;
હવે મને વહાલી છે પૂજાની ઓરડી!

ઝળહળતી રોશનીના જોયા ઝગારા,
હવે ઘીને દીવે છે મંન મોહ્યુંઃ
હસી હસી આયખાને એળે ગુમાવ્યું,
હવે ભર રે આનંદ ઉર રોયું!
ધીરે ધીરે સળગે છે વાસનાની દોરડીઃ
હવે મને વહાલી છે પૂજાની ઓરડી!

એકે એકે છોડતો ચાલ્યો સંધુંય,
એક વહાલ ભૂંડું છોડ્યું ના છૂટે!
નમણી કપૂરની ગોટી જલે છે, એક
હોલવું ત્યાં શગ બીજી ફૂટે!
એણે મારી અજવાળી આઠમ નકોરડીઃ
હવે મને વહાલી છે પૂજાની ઓરડી!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૩૭)