અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/છેલછબીલે

Revision as of 08:46, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
છેલછબીલે

પ્રિયકાન્ત મણિયાર

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
જમુના જલમાં રંગ ગુલાબી વાટી...
                  છેલછબીલે છાંટી!

અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!
                  છેલછબીલે છાંટી!

શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
આજ નીસરી બ્હાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે;
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!
                  છેલછબીલે છાંટી!

તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું,
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
                  છેલછબીલે છાંટી!