ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નાનાભાઈ જેબલિયા/કાટલું
નાનાભાઈ જેબલિયા
‘ઝીંકલ્યા, પતુભાઈને રોઝીએ ઝીંકલ્યા!’
‘હોય નઈ!’
‘હોય નઈ તો જોઈ આવો પતુભાઈનાં બરડો-હાડકાં રંગી નાખ્યાં!’
‘પણ કોણે જોયું? કહું છું, ભૂલ તો નથી થતી ને? બરોબર પાકું છે? આપણા પતુભાઈ? પતુભાઈ જીલુભાઈ, નારંગા ગામના?’
સમાચાર આપનારે છાતી ઠબકારીને કહ્યું — ‘હા, હા, પતુભાઈ જીલુભાઈ દસ્તક પોતે! આ કાંઈ ધાપ નથી, નજરોનજરના ખેલ છે. રોઝીએ બહુ ભૂંડાઈના નાખ્યા — બરોબર ગામને ધણ કેડે, શમજી સવાના પાળા પાસે. બચુની વહુએ નજરોનજર જોયું. ઈ ભાત દેવા જાતી’તી. પતુભાઈના મોંમાં સુંડલોક ધૂળ ગરી ગયેલી. ને અરધી કલાકે કળ વળી ત્યારે પાછલા વાડામાં થઈને ઘરભેળા!’
‘ને ઘોડી? કોરે વાંસે?’
‘પલટો ખાઈને ઘરભેગી થઈ ગઈ — સાજી નરવી, પદડકિયું કરતી. પતુભાઈને ક્યાં તેવડ હતી કે ભાઠાવે?’
‘રોઝીએ ભારે કરી, પતુભાઈનું મોત જ બગાડ્યું કે બીજું કાંઈ?’
વાત સાચી હતી. નારંગા ગામના પતુભાઈને બીજું ગમે તે થાય, બાકી ઘોડું પાડે તો એનું મોત જ બગડ્યું કે’વાય. અને સાંભળવા પ્રમાણે તો રોઝીએ પતુભાઈનું મોત જ બગાડ્યું હતું. એમને ફંગોળીને ઝીંકલ્યા હતા. બચુ મકવાણાની વહુએ નજરોનજર જોયું હતું. પતુભાઈને તો એક ભવમાં બે ભવ થઈ ગયા હતા. ઘોડું પોતાને પછાડે? ઘોડું? શકરાબાજ જેવા ચપળ અને ચાલાક પતુભાઈને?!
ગમે તેવું ખઝાડું ઘોડું કેમ ન હોય પતુભાઈનો હાથ અડ્યો, રાંગ વાળીને એક જ પલટો ખવરાવ્યો કે ઘોડું છપ્પનિયાના રાંક જેવું! ભલભલા કાઠી દરબારો પતુભાઈની ઓશિયાળ કરતા. અરે, ઘણી વાર તો કલાંટમાં કલાંટ ઘોડું લઈ આવતા, ને જેવો પતુભાઈનો હાથ અડક્યો કે ભમરા જેવું! હીંચકે હાલતાં, ‘આદહો’ લેતાં ને તરીંગો ઉછાળતાં કૈંક ઘોડાંને પતુભાઈએ રેવાલમાં નાખેલાં, છૂટમાં નાખેલાં. પતુભાઈની કારકિર્દી ઉપર છીણી મૂકી દીધી!
રોઝીને પતુભાઈએ ટીમાણાના નથુ લાધા પાસેથી ચાહીને લીધેલી. આસપાસમાં બધાંને ખબર હતી કે નથુ લાધા રોઝીને ગળોગળ આવી ગયો હતો. નથુ લાધાને એણે ઝીંકલ્યો’તો ને માંડ માંડ બચેલો. એના અરજણનો તે કેડ્યનો મંકોડો તોડી નાખેલો, અને અરજણથી નાનેરા કેશવનો નળો ભાંગી નાખેલો!
અને પછી તો રોઝીના વાયકા છૂટી ગયાઃ રોઝી એટલે હાડકાં ભાંગવાનો સંચો!
નથુ લાધા દસ દસ ગાઉમાં ભમી વળ્યો, ‘જો કોઈ લાંબો હાથ કરે તો પીપળે પાણી રેડીને પૂર્વજને ભલું લગાડવાનો કીમિયો કરી જોયો, પણ કોઈ તૈયાર ન થતાં આખરે કાઠી દરબારોમાં ભમ્યો. ‘બાપુ ઘોડી દઉં રૂપિયા એક હજારની, પાઈ પણ હરામ!’ દરબારોએ કહ્યું, ‘હાડકાં કાંઈ વેચાતાં મળતાં નથી!’ વીરવદરના અમરુભાઈનો નંબર પતુભાઈ પછી બીજો આવે. પણ એણેય હાથ ખંખેરી નાખ્યા. પતુભાઈને આની જાણ થતાં એણે અમરુભાઈની રેવડી કરીઃ ‘માળો કોડણ અમરુભાઈ તે કાંઈ કાઠી ગણાય? ઘોડાંથી બીનો-વાદકઢણ!’
અને પતુભાઈએ સામેથી નથુને કહેવરાવ્યું, ‘રોઝીને લેતો આવ્ય. મારા હાથ વગી આવવા દે એને, દરબારોનું નાક વઢાવે છે કેદુનું!’
નથુ લાધા રોઝીને લઈને નારંગા આવ્યો, ઘોડીના પગ કાનોટી. તરીગંગો, આંખો બધુંય જોઈને પતુભાઈએ એક આંટો માર્યો અને પછી નથુને કહ્યુંઃ ‘બોલ્ય, પટલ! શી એબ છે આ ઘોડીમાં?’
‘એબ’માં નથુ કાંઈ સમજ્યો નહિ એટલે પતુભાઈએ સાદી ભાષામાં ફરી પૂછ્યુંઃ ‘શી ખોડ છે આમાં, સાચું કહેજે.’
‘ખોડમાં કાંઈ નંઈ, બાપુ ફક્ત આને હાકલો મારો કે ઝીંકલી નાખે. અમે રહ્યા ખેડુ માણહ. ખેતર-પાદર જાઈં. કોક સામું મળે કે ‘ઘોડી’ એવું બોલી જવાય, અને બોલ્યા કે ઝીંકલ્યા જ છે, આખા ઘરને પછાડી પછાડીને ખોખરું કરી નાખ્યું છે. લ્યો, આ પેટછૂટી વાત!’ અને પતુભાઈએ રોઝી સાંભળે એ રીતે કહ્યુંઃ ‘એની તે જાતનું ટટ્ટુ!’
રોઝીને પછી તબેલામાં બાંધી પાવરો દીધો, ખરેરો કર્યો, એક વાર કાટલું ખવડાવ્યું. રોઝી શાંત થઈ ગઈ, ડાહી થઈ ગઈ.
બીજા દિવસે તો પતુભાઈએ રોઝીને ગામના ચોકમાં ઊભી રાખી. જોવા લોકો ટોળે વળ્યાં; પઠ્ઠો ઘોડી… માતબર ઘોડી!
‘તમે ફાવી ગયા, પતુભાઈ! રૂપિયા દોઢ હજારની ઘોડી!’
સીધી રીતે ફાવી જવાનો આ શબ્દ પતુભાઈને કઠ્યોઃ ‘ફાવી ગયો હોઉં તો તમે રાખો.’ પતુભાઈએ વાત કરનારના હાથમાં ઘોડીની વાત મૂકી, ‘મારે પૈસાય ન ખપે!’
પેલાએ રોઝીથી બે પગલાં પાછાં ભર્યાં — ‘ના રે આપણું ગજું નઈ, બાપુ! આ તો ફાવી ગ્યા એટલે એમ કે રોઝી હવે તમારા હાથમાં પાંસરી દોર. બાકી બીજાની દેન છે કાંઈ?’
‘એમ છે ત્યારે!’ પતુભાઈ હસી પડ્યા. ‘પોદળા પાડે એનાં કામ નથી, ભાઈ! નથુ લાધાને કાંઈ હેત નો’તું ઊભરાઈ જાતું તે સામે ચાલીને દઈ ગયો!’
અને પછી એ જ રાતે પતુભાઈએ ઘોડાનું વૈદક અજમાવ્યું. રોઝીને ચારે પગે બાંધી હાથમાં લીધી સોટી અને કર્યો હાંકલો ‘ઘોડી!’
અને આ ‘ઘોડી’ શબ્દ રોઝીને કાળજામાં જાતો વાગ્યો — એની કેશવાળી ઊભી થઈ ગઈ…!
‘ઘોડી! પતુભાઈએ ફરી હાંકલો કર્યો. રોઝીની આંખો બદલાઈ ગઈ, નખોરાં ફૂલ્યાં, ઝૂડ નાખી હાવળ દીધી.
અને ત્રીજી વેળા ‘ઘોડી’ એવો હાંકલો થતાં ઘોડીએ એવો તો આંચકો લગાવ્યો કે તબેલાનાં બે પતરાં ‘બર્ર્ર્’ કરતાં ઊડી ગયાં. પતુભાઈ ઘા ખાઈ ગયા. કાળજું બેસી ગયું. ઢીલા પગે ઓસરીમાં જતાં બોલી પડ્યા, ‘નથુ લાધા કાંઈ જેવોતેવો નથી!’ આ બનાવને પૂરા બે માસ થયા પણ પતુભાઈ પછી રોઝીને લઈને બહાર જ ન નીકળ્યા!
ગામમાં ધીમે ધીમે અને પછી છડેચોક વાતો થવા માંડીઃ ‘બાકી રોઝીનું નામ ન લેવાયું. જોયું ને પતુભાઈ ઢઢળી ગ્યા!’
‘લેતાં લેવાઈ ગઈ, બાકી પતુભાઈનાં હાંજાં ગગડી ગ્યાં!’
અને એમાંય એક દિવસ વીરવદરના અમરુભાઈ નીકળેલા તે પતુભાઈને કોઈની જોડ્યે સમાચાર દેવડાવ્યાઃ ‘પતુભાઈને કે’જ્યો, અમરુભાઈએ સુવાણ્યે આંટો તેડાવ્યા છે. રોઝી ઉપર બેસીને એક આંટો આવી જાય, અને ન આવે તો મારું મોઢું ન ભાળે!’
તે દિ’ આખી રાત પતુભાઈ જાગ્યા. રોઝીને એમણે ફોસલાવી, પટાવી, મનાવી, છાના છાના એની સામે હાથ પણ જોડ્યા — ‘હવે તને કોઈ દિ’ ‘ઘોડી’ નઈં કહું બસ? ભલી થઈને કાલનો દિવસ વીરવદર સુધી ચાલ, અમરુભાઈએ મારી આબરૂ માથે હાથ નાખ્યો છે. મારી લાજ…’ અને અહીં પતુભાઈની આંખો ભીની થઈ ગઈ.
સવારના દસેક વાગે પતુભાઈ રોઝી ઉપર સવાર થઈને ધીમે ધીમે નીકળ્યા. બજાર વટીને અવેડે પહોંચ્યા.
‘જો આ ઘોડી!’ કૂવા ઉપર સ્ત્રીઓ ઘોડી બતાવીને વાતોએ વળગીઃ ‘આને ઘોડી એવું ન કેહવાય, હોં બાઈ!’
‘હા, ‘ઘોડી’ એવું બોલે તો તરત ઝીંકલે – નથુ લાઘાના આખા ઘરનાં હાડકાં ભાંગ્યાં આ રાંડે!’
‘પતુભાઈ એને પોગશે… જોયું ને, કેવી ગરીબડી થઈ ગઈ રાંડ!’
‘પતુભાઈ એને સાત વાર ‘ઘોડી’ કે’વાના. જોજ્યો! ઈ કાંઈ નથુ લાખા છે? મૂઈના મંકોડાય તોડી નાખશે!’
અને પતુભાઈ ઘોડીને આસ્તે આસ્તે વીરવદરને માર્ગે હાંક્યે ગયા.
‘ઈ તો આંય પાદર છે એટલે’, કૂવા પરની સ્ત્રીઓ બોલતી હતી. ‘બાકી સીમાડો આવ્યો નથી, પતુભાઈએ ‘ઘોડી’ કહીને હાંકલો માર્યો નથી ને પછી ઘોડીનાં નહોડાં તૂટ્યાં નથી!’
પતુભાઈ જાણે આ સાંભળતા જ ન હોય એ રીતે ઘોડીને ધીમે ધીમે હાંકતા, પંપાળતા, કેશવાળી થપથપાવતા જતા હતા — ‘બાપો રોઝી! ભાઈ રોઝી…! ધીરી રોઝી!’
અને એ જ વેળા રોઝી પાછી હઠી. સામેથી બચુ મકવાણાની વહુ ભાત દઈને આવતી હતી — એનો લાલ ચણિયો ફડફડતો હતો.
રોઝીએ એકાએક ગોથું માર્યું, પતુભાઈ જરાક લડી ગયા. બચુની વહુથી હસી જવાયું.
રોઝીએ હાવળ કરી, લાદ કરી. અને પૂંછડું ઊંચું કરી ગામ તરફ પાછી ભાગી. બચુની વહુ લાજ ઊંચી કરીને આ જોઈ રહી.
પતુભાઈએ આ જોયું. બચુની વહુ અમરુભાઈના ગામની હતી, જાણે એ બધુંય જાણતી હતી, અમરુભાઈએ જાણે એને બધું જ કહી દીધું હતું, અને અત્યારે અમરુભાઈ જ જાણે દાંત કાઢી રહ્યો હતો…
પતુભાઈના માથામાં એક સબાકો આવ્યો. એને ફેરવીને રોઝીના કૂલા સાથે સોટી ઝીંકી. રોઝી પાછલા પગે ઊભી થઈ ગઈ. પતુભાઈ કેશવાળીએ બાઝી પડ્યા.
રોઝીએ બીજો ઠેકડો માર્યો. પતુભાઈનો સાફો દૂર જઈ પડ્યો… બચુની વહુ આ બધું જોતી હતી — ધ્યાનથી, એકીટશે, રજેરજ જોતી હતી.
અને પતુભાઈએ ‘ઘોડી!’ કહીને સોટી ઉછાળી. પણ સોટી રોઝીને વાગે એ પહેલાં પતુભાઈ, શામજી સવાના પાળા પાસે, ગામના ધણ કેડે ઊડી પડ્યા — બહુ ભૂંડાઈના પડ્યા. સૂંડલોક ધૂળ મોંમાં ગરી ગઈ.
બચુની વહુને લાગ્યું કે પતુભાઈ પતી ગયા. એણે મૂઠીઓ વાળી…
થોકેથોક માણસ ઊમટતાં હતાં. પતુભાઈ ખરેખર ‘પડદે પડ્યા’ હતા. બહુ વહમણનું વાગ્યું હતું. ચિંતાથી ખબરઅંતરે પૂછતાં બધાંને સાચો ખ્યાલ તો જ્યારે પતુભાઈની જીભાન ખૂલી ત્યારે આવ્યો—
‘બાકી નથુ લાધા ખરો નીકળ્યો મારો બેટો!’ પતુભાઈ સહેજ હસીને બોલ્યાઃ ‘રોઝીને વાઈનો રોગ છે. ચક્કરી આવી અને બહુ ભૂંડાઈની પડી. સારું થ્યું કે હું પછેટે પડ્યો, નકર ચેપી નાખત.’
પણ આ વાત બધાંને ગળે ઊતરી. સામે જ પઠ્ઠા જેવી માતબર રોઝી તબેલામાં ઊભી હતી — આ ઘોડીને વાઈ આવે?!
રોંઢે વીરવદરથી અમરુભાઈ ખબર કાઢવા આવ્યા. ગામના વીસ-પચ્ચીસ માણસો હજીય પતુભાઈની પાસે બેઠા હતા.
‘અમરુભાઈ!’ પતુભાઈ પથારીમાં બેસીને વાત કરવા માંડ્યા — ‘બાકી નથુ લાધા મારો બેટો છેતરી ગ્યો, હોં!’
અમરુભાઈ મૂછમાં હસતા હતા.
‘ઘોડીને વાઈ આવે છે.’ પતુભાઈએ ગંભીરતાથી કહ્યુંઃ ‘તમે નઈં માનો, પણ ખોટું બોલતો હોઉં તો ઠાકર-મા’રાજના સમ!’
હવે સૌને આ વાતમાં તથ્ય લાગ્યું — પતુભાઈ ખોટા નથી.
અને વળતે દિવસે સવારે તો પતુભાઈના આ કથન ઉપર સત્યની મહોર લાગી ગઈ.
રોઝી ચીભડું ફાટે એમ ફાટી પડી. નાખોરે લોહી આવી ગયાં હતાં. મોઢું ફાટી ગયું હતું. પતુભાઈનો ભાગિયો બજારે વાત કરતો હતોઃ ‘પતુભાઈ ઊભા નો’તા થઈ શકતા તોય રાતે કાટલું કરાવ્યું ઘોડીનું. મોઢું પકડીને ખવડાવ્યું. એને આટલું બધું વગાડ્યું છે તોય ઈ તો ‘બાપો, બાપો’ કરતા રિયા. પણ લેણાની વાત છે ને? ભળકડે જાતો હુમલો આવ્યો. અને આવ્યા ભેળી રોઝી પડી — પડી એવા પ્રાણ ઊડી ગયા!’
અને ગામમાં પછી બચુ મકવાણાની વહુની કંગી થઈ — ‘માળી ખોટી! નરાતાળ ખોટી! ગમે તેમ તોય અમરુભાઈના ગામની ને? પતુભાઈ પડે? ઘોડાં માથેથી પતુભાઈ ત્રણ કાળેય પડે?!’
(‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)