અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/પહાડો ઓગળી રહ્યા છે.

Revision as of 09:24, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહાડો ઓગળી રહ્યા છે.|ભાગ્યેશ જહા}} <poem> પહાડો ઓગળી રહ્યા છે ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પહાડો ઓગળી રહ્યા છે.

ભાગ્યેશ જહા

પહાડો ઓગળી રહ્યા છે
કૅલેન્ડરમાં હાંફતાં સમયનો ૨૧ સદીનો શુકપાઠ
થીજી ગયેલી નદીઓમાં કેદ થયેલું એક કાંઠાનું ગીત
અને
પંખીની પાંખમાંથી ખરી પડેલો ખાલીપો
બધું જ કાવ્યમય લાગે છે.
ટીવી આંજીને બેઠેલાં બાળકોની સાથે
સાતતાળી રમતી લીમડાની છાયા
હાર સ્વીકારીને નાની થતી જાય છે.
દીવાલોના તૂટવાનો અવાજ,
સંબંધો ફૂટવાનો અવાજ,
આયુષ્ય ખૂટવાનો અવાજ,
આયુષ્ય છૂટવાનો અવાજ–
ભેગો થઈને ઊભો છે બારણે ‘ભિક્ષાંદેહિ’ કહીને!
નકશામાં આંગળીથી દબાઈ ગયેલા
નગરના અમે અવશેષો છીએ —
પૂરી થતી સદીનું મધ્યબિંદુ શોધવા
બીજે ન જશો,
મૌન પર્વતના સંગીતને પહેરીને અમે જ ઊતર્યાં છીએ,
પહાડને આ કાંઠે એક કાંકરી પર દિલ્લો બનાવીને બેઠા છીએ.
જુઓ,
અમારી સામે જ,
અમારે લીધે જ,
પહાડો ઓગળી રહ્યા છે.