અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ચાંદની

Revision as of 10:50, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


ચાંદની

બાલમુકુન્દ દવે

શરદરજની ધીરે ધીરે ગળાઈ ચળાઈને
અજબ ઊઘડી મોડી મોડી ખીલી પુરબા’રમાં!

કપૂરધવલા આછી ગાઢી હસે મૃદુ ચાંદની,
પવન પર થૈ ધોળાં ધોળાં ખસે રૂપઆભલાં.

પલ પલ ખૂલે જ્યોત્સ્ના કેરાં દલેદલ, મધ્યમાં
પ્રકટ પૃથિવી ઊભી જાણે લસે નવપદ્મજા!

પૃથક્ ઘટકો ચન્દ્રીતેજે પરસ્પરમાં ગળી,
સુઘટિત રચે એકત્વે સૌ કલામય પુદ્ગલ.

દિવસઅજવાળે જે દીસે વિરૂપ, લજામણું
સ્વરૂપ પલટી તે તે ઊભું નવું જ સુહામણું!

જગસકલની ત્રાંબાકૂંડી ભરી તસુએ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી!

ભવન ભવને મેડીસૂતાં મીઠાં યુગલો પરે,
સહજ અમથાં છિદ્રોથીયે નરી મમતા દ્રવે!

ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા,
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!

અશરીર છતાં આકારો લે મનોહર ઊતરે,
ગહન વિમલાં સૌન્દર્યો શાં રહી રહી નીતરે!