અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/વાસંતી મિજાજ

Revision as of 10:00, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
વાસંતી મિજાજ

ભાનુપ્રસાદ પંડ્યા

ઉદિત થતાં જ...
તરુકૂંપળની ટશર જોઈ;
શું ચાળા પાડતું કોઈ? —
એવા સંદેહથી વિસ્મિત — લજ્જિત
અરુણ વિશેષ થયો ‘અરુણ’!
ગૂજગોષ્ઠિ કરતું કોઈ યુગલ તરુણ —
(ઉદ્યાની એકાંતમાં
વાસંતી રોમાંચમાં!)
સંગાથીનું સુણતાં મધુર વચન
ઢળ્યાં મુગ્ધાનાં નયન!
કપોલે ઊપસતું રતુંબલ કંપન!
હવે તો સૂર્ય લાલપીળો થતો
સમગ્ર ઉદ્યાન પર ફેરવતો વક્ર લોચનો
ઉગ્ર બની સર્વત્ર છવાયો!
પણ...
ત્યાં ખૂણે ઊભેલા ગુલમોરે
રવિચક્ષુ સામે લાલઘૂમ નજરે જોયું!
હવે દિવાકર આંતરબાહ્ય ઘવાયો
ને... પોતાનો પ્રથમ પ્રહર સંકેલી
દિવસભરના આસમાની
પંથે પંથે ધીરે ધીરે સર્યો!

પરબ, મે ૨૦૧૪