અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/નાળ

Revision as of 06:07, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
નાળ

પન્ના નાયક

એ ગઈ કાલનો આનંદ
હજી મારામાં જીવે છે
મેં એને ગર્ભ રૂપે ધારણ કર્યો
એને લીધે તો
મારા ગાલ પર ગુલાબ ઊગી ગયાં—
હું આખી જાણે
ભગવાનના હાથે બીજાં બીબાંમાં ઢળાઈ.
એક નાજુક જીવ,
મારી ભીતર ફૂલ્યો ફાલ્યો
મને જગત કેટલું બધું ભાવ્યું—
અને કેટલી વસ્તુની તો મને મોળ જ આવ્યા કરી.
એક વાર જ ે મારી ભીતર હતું
એનો પ્રસવ થઈ ગયો “અને જતું રહ્યું.”
તેની સાથેની સંબંધક નાળ કપાઈ ગઈ.

આજે તો હું એકલી છું
ક્યાં ઝૂલતું હશે મારું બાળ?
મારે તો વલવલવું—
કેટલાંય હાલરડાં ગાવાનાં હજી બાકી!