અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/વરસે ફોરાં

Revision as of 10:40, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસે ફોરાં|ગુલામમોહમ્મદ શેખ}} <poem> વરસે ફોરાં, આજ ફરી પાછાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વરસે ફોરાં

ગુલામમોહમ્મદ શેખ

વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં,
આજ પ્રિયે! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં.
આજ ફરી પાછાં વરસે ફોરાં.
કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી!
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી!
સૌરભભીની રેણ ને આપણે ભીંજતાં’તાં બેય કાળજે—કોરાં.
આજ ફરી પાછાં વરસે ફોરાં.
ઢળુંઢળું તારી પાંપણો જેવી આખરી ટીપું ખાળતા ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી!
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા!
આજ ફરી પાછાં વરસે ફોરાં.
મનને મારે ખોરડે આજેય ચૂવતી જાણે આંખડી તારી,
(ને) ધીમેધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
આપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું—આવજો ઓરાં!