અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/વહેતાં વૃક્ષ પવનમાં

Revision as of 10:22, 14 July 2021 by MeghaBhavsar (talk | contribs)


વહેતાં વૃક્ષ પવનમાં

રઘુવીર ચૌધરી

નીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં.
ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાં.
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં;
વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતાં.
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)