અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુરાજ જોષી/ચાલી નીકળવું

Revision as of 04:51, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચાલી નીકળવું|પુરુરાજ જોષી}} <poem> ભારે દુઃખ હોય છે કોઈના હૂંફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચાલી નીકળવું

પુરુરાજ જોષી

ભારે દુઃખ હોય છે
કોઈના હૂંફાળા હાથમાંથી
હાથ સેરવી ચાલી નીકળવું...
વર્ષોભીંજી પૃથ્વીનો ભાર હોય છે
મન પર
અને પગમાં અટવાતા રહે છે
રેશમના દોરા,
વરસી નહીં શકતી આંખોમાં
અવળસવળ થઈ ગયા હોય છે
ઇન્દ્રધનુના રંગો
ચાલી શકાતું નથી સુખપૂર્વક
છતાં
ચાલી નીકળવું પડતું હોય છે,
દૂરના એક અલગ મુકામ તરફ...
સવારે
બેડરૂમની બારી પાસેની વૃક્ષડાળે
સુઘરીને માળો ગૂંથતી જોઈ હતી
માળામાં ગ્રહ-નક્ષત્રો સમેત
આખું આકાશ
ઊતરી આવ્યું લાગતું હતું
હવે ખાલી માળામાં
વિસ્તરતી જતી હશે ઉદાસી
બારીમાંથી જોયેલી
અઢળક લીલાશમાં તો
કોઈ ફેર પડ્યો નહીં હોય
પણ
બિછાના પરની ચાદરમાં
વીખરાઈ ગયેલાં
પારિજાતનાં પુષ્પો
મૂરઝાઈ ગયાં હશે...
પ્રિયજનની
પાંપણ પર ચમકતી ભીનાશમાં
વાંચી શકાયેલો
રોકાઈ જવાનો પ્રેમાગ્રહ,
પણ...
સુંવાળા હાથમાંથી હાથ સેરવી
ચાલી નીકળવું પડે છે
એક
જુદા જ મુકામ તરફ...
શબ્દસૃષ્ટિ, માર્ચ ૨૦૧૪