અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ભાષાભવન

Revision as of 09:16, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs)


ભાષાભવન

‘અદમ’ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દનાં ભીંતો ચણી,
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી.

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે,
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ `તું'
ટોડલે નામોના દીવા ઝળહળ્યા,
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો.