અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/ગીત (હવે ભાતીગળ...)

Revision as of 05:44, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત (હવે ભાતીગળ...)|ધ્રુવ ભટ્ટ}} <poem> હવે ભાતીગળ મેળામાં મ્હાલી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગીત (હવે ભાતીગળ...)

ધ્રુવ ભટ્ટ

હવે ભાતીગળ મેળામાં મ્હાલીયે
સોરઠી દુહામાં ક્યાંક રેલાતા રહીયે કે સુરતી લાલામાં ક્યાં લાલીયે

જંગલમાં ખીલે છે નામ વિના ફૂલ એમ મેળામાં ખોવાતા ખીલીયે
આજ લગી ઝીલ્યા છે સીધા વરસાદ હવે આખાયે વાદળને ઝીલીયે
નફિકરા ફરીયે થઈ નવરા નક્કોર અને એકઠું થયેલ બધું ખાલીયે
હવે ભાતીગળ મેળામાં મ્હાલીયે.

શબદો વિનાની કોઈ ભાષાની જેમ સાવ ઊઘડી સવાર જેવું લોક
આપણામાં એનું કે એનામાં આપણું ઈ ચોપડીની વારતાયું ફોક
કેવા કે કેવડાનું ગણતર છોડીને ચાલ સાગમટા જીવતરને વ્હાલીયે
હવે ભાતીગળ મેળામાં મ્હાલીયે.
(નવનીત સમર્પણ, જાન્યુઆરી)