અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/કાવ્યપંચમી: સવાર (એક)

Revision as of 09:15, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યપંચમી: સવાર (એક)|મણિલાલ હ. પટેલ}} <poem> રોજ સવારે પીળું પંખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાવ્યપંચમી: સવાર (એક)

મણિલાલ હ. પટેલ

રોજ સવારે પીળું પંખી સાદ પાડતું કોને?
કોક વ્હેંચતું શેરી વચ્ચે તેજલ સળીઓ જોને!

માળે બેસી સુઘરી શાણી ઝીણું ઝીણું ભાળે,
કીડી ઝાકળજળમાં ન્હાઈ તૃણની ટોચે મ્હાલે;

ખડખડપાંચમ રથ રાતનો આથમણી પા ડોલે,
પીઠીવરણો પરણ્યો આખી પૂર્વ દિશાને ખોલે;

મૉર લચેલી આંબાડાળી એક કાન થઈ જુએ,
ઝાકળનાં નકરાં જળ લઈને તડકો મોઢું ધુએ;

બદામડીને પાને પાને રંગ કીરમજી બેઠો,
લોભી સૂડો ઊઠ્યો એવો સોનમ્હોરમાં પેઠો;

ચંચળ નાચણ જરા જપે ના, દરજીડા રઘવાયા,
ફૂલસૂંઘણી ફરક્યા કરતી દૈયડના દિન આવ્યા;

આછી આછી ગંધ પમરતી કેડી સીમમાં જાય,
ઘાસ વચાળે જળની પરીઓ તાંબાવરણું ગાય.