ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થઘટન

Revision as of 10:38, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs)


અર્થઘટન (Interpretation) : વિવેચનનું એક મહત્ત્વનું ઉપકરણ. અર્થઘટન એટલે સાહિત્યિક રચનાના ઘટકોના સંબંધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાન્ત વિશેની અભિધારણા (Hypothesis). સાહિત્યિક કૃતિમાંના ઘટકો જે રીતે પારસ્પરિક સંબંધોથી જોડાતા હોય છે, એમની વચ્ચે જે વ્યવસ્થા સ્થાપવામાં આવી હોય છે તેને વિશેની આ તપાસ છે. આધુનિક વિવેચનવિચારમાં અર્થઘટનનો મુદ્દો ઊહાપોહનું કારણ બન્યો છે. સુઝન સોન્ટાગ, હર્શ (Hirsch) વગેરેના આ અંગેના વિવાદો જાણીતા છે. ચં.ટો.