કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૭. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…

Revision as of 12:36, 16 December 2021 by KhyatiJoshi (talk | contribs)
૨૭. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો,
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો.

ગોરી મોરી, હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો,
વ્હાલા મોરા, ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિન્દગી રે હો.

ગોરી મોરી, ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે હો,
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે હો.

ગોરી વ્હાલે મેલી આંબલિયાની ડાળ કે ચાલ્યા ચાકરી રે હો,
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે હો.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે હો,
વ્હાલા મોરા, ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે હો.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો,
વ્હાલા મોરા, બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો.

અમદાવાદ, ૧૯૩૮
(સમગ્ર કવિતા, પૃ. ૪૧૬)