એકતારો/અણવંચાયેલા અગમ સંદેશા
ઢાળ-સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે
સંદેશા મંગાવો સૌના સંદેશા મંગાવો રે
બાપાને સમૈયે કેના સંદેશા મંગાવો રે
સંતને સમૈયે શેના સંદેશા મંગાવો રે! ૧.
સંદેશા વંચાણા સૌના સંદેશા વંચાણા ને
અણ રે વંચાણા થોડા ઉકેલાવી લાવો રે,
શબદ અનોખા એની રૂશનાઈ નોખી બાપા!
લહીઆ ને લેખણ એનાં અકળ કળાવો રે. ૨.
આદુની સમાત્યું કેરા ટિંબા આજ ઊઘડે ને
ઊઘડે અલોપી કબરૂં, મશાલું જલાવો રે;
જતિ ને સતીના જૂના મહાસંઘ માયલા આ
અબધૂત કેરી પૂરી પિછાન કરાવો રે. ૩.
પે'લે ને સંદેશે ફાટો રણ કેરા રાફડા ને
રજપૂત–જાયા જોગી રામા પીર ધાઓ રે;
હિન્દવાણ માથે પંજો પે'લુકો વટાળનો રે
ઝીલનાર હિન્દવા પીરના જુવાર જણાવો રે. ૪.
- ઠક્કરબાપાની એકોતેરમી જન્મ-જયંતી પ્રસંગે.
“અમારે નસીબે નો'તાં તમ સમાં આયખાં રે,
“અમારી અધૂરી ધોણ્યું, તમે ઊજળાવો રે;
“અમારા નીલુડા નેજા તમ શિરે શોભજો ને
“અમારા ઘોડીલા બાપા! જુગતે ખેલાવો રે” ૫.
બીજે ને સંદેશે પાણા ધ્રુજે છે પરબના ને
સળવળે સોડ્યું, બોલે દેવીદાસ બાવો રે;
“અમારાં લુયેલાં બાકી પરૂ પાસ લૂતા બાપા
“અમારી અકાશી–ઝોળી એને જૈ ભળાવો રે” ૬.
ત્રીજે ને સંદેશે કોટિ વધસ્થંભ ડોલતા રે,
જખમી જીસુની ઝાઝી સલામો સુણાવો રે:
“અમારે ઉધારણ—પંથે દુકાનું મંડાણી બાપા!
“અમારી કલેજા–જાળો તમે ઓલવાવો રે”. ૭.
ચોથે ને સંદેશે કાંપે હિમાળાની કંદરો ને
शिवोऽहं પોકારી શંભુ ઉચારે ઋચાઓ રે:
“અમારી ઝીલેલી ગંગા રુંધાઈ રહી’તી બાપા!
“વહાવણહારાં કેરાં ડમરૂ બજાવો રે” ૮.