ઋણાનુબંધ/સ્મૃતિભ્રમ

Revision as of 07:50, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્મૃતિભ્રમ|}} <poem> બાનો આત્મા બહુ રાજી થશે એ ભાવનાથી ઊભરાતી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સ્મૃતિભ્રમ


બાનો આત્મા
બહુ રાજી થશે
એ ભાવનાથી ઊભરાતી
હુંય
ચંપલ પહેર્યા વિના
ભક્તિનું ભાથું છલકાવતી
ભૂલેશ્વરના
મોટે મંદિરે ઠાકોરજીનાં દર્શને જાઉં છું.

ગાયને ઘાસ નીરતી
ભિખારીઓને દાન દેતી
પગથિયે ભજનો ગાતી
ચોકમાં પુષ્પો પરોવતી
સૌ સ્ત્રીઓ બા જ બા…
સહજ થયેલી
આ અવસ્થાને ખંખેરી
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશું છું
ત્યાં
શ્રીનાથજીને સિંહાસનેથી
મરક મરક હસી
આશીર્વાદ ઢોળતાં બા…!
મારી દૃષ્ટિનો આ સ્મૃતિભ્રમ તો નહીં હોય?