ઋણાનુબંધ/બિલ્લી

Revision as of 16:55, 18 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બિલ્લી|}} <poem> તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે હું ઘૂર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બિલ્લી


તું તારાં આંગળાં મારે ગળે ફેરવી શકે છે
હું ઘૂરકિયાં નહીં કરું
હવે તો હું સાવ પાળેલું પશુ બની ગઈ છું.

હું ભયાનક છું
વાઘના સગપણમાં કંઈક છું
એવો સંશય જ કાઢી નાંખ.
જો, જો, એક બિલ્લી
તારા હાથ, ગાલ, નાક ચાટે છે
તારા પગ પાસે આળોટી પડે છે.
તને એની સુંવાળી રુવાંટી જરાય નથી સ્પર્શતી?

મારી જરૂરિયાત—
તારું દીધું દૂધ
અને તારા ભવ્ય આ મહેલનો એકાદ ખૂણો.
તું પુરુષ—
અને હું નાની શી (નિર્દોષ?) બિલ્લી.

તું મને ઊંચકીને ઉછાળી શકે છે
હું તને નહોર નહીં ભરું;
જો, અહીં, મારે ગળે, મારે મોંએ હાથ મૂક
મારી નરમાશનો ત્યાં તને પૂરો પુરાવો મળશે.
જો, જો, હું પાળેલું પશુ બની ગઈ છું.

પણ તારે મને ક્યાં પાળવી છે?
દૂર દૂર વનમાં
ક્યાંક નગરની બહાર મૂકી આવવી છે, ખરું ને?
કારણ મારે તારી શરત પાળવી મુશ્કેલ છે.
તારે ક્યારેય મ્યાઉં મ્યાઉં ન કરે એવી બિલ્લી જોઈએ છે

ભલા, મ્યાઉં મ્યાઉં વિનાની
કોઈ બિલ્લી હોઈ શકે ખરી?